Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

કાલે ભારત - પાક. મેચ ઉપર સટ્ટો રમવા દાઉદ મેદાનમાં

દાઉદ ડી-કંપની સાથે જોડાયેલા બે મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર મેચ જોવા સ્ટેડિયમમાં જશે : મુંબઇ - કરાંચીથી પરિવારના સભ્યો દુબઇ પહોંચ્યા : ૬ દેશોથી વધુની ઇન્ટલીજન્સ એજન્સીઓ સાબદી : કોઇપણ ભોગે દાઉદને ભીડવવા રણનીતિ

નવી દિલ્હી તા. ૧૮ : એશિયા કપ ૨૦૧૮માં ભારત અને પાકિસ્તાનનો મુકાબલો ૧૯ સપ્ટેમ્બરે થશે. અંદાજે વર્ષ બાદ હાઇ વોલ્ટેજ મેચ માટે દુબઇના સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓ આમને - સામને હશે. છ દેશો વચ્ચે થઇ રહેલી આ ટુર્નામેન્ટને યુએઇના બે સ્ટેડિયમોમાં રવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ આ મેચ અંગે દાઉદ ઇબ્રાહીમ સાથે જોડાયેલા મોટા અહેવાલો સામે આવ્યા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ઇન્ટેલિજન્સ એજન્સીએ જણાવ્યું છે કે, વિશ્વભરની ખુફિયા એજન્સીઓને આ પ્રકારના ઇનપુટ મળી રહ્યા છે કે વૈશ્વિક આતંકી દાઉદ ઇબ્રાહીમના બે સૌથી નજીકના માણસો મેચ જોવા માટે સ્ટેડિયમમાં પહોંચશે. આ સુચનાની સાથે જ ખુફિયા એજન્સીઓ એલર્ટ થઇ ગઇ છે. કારણ કે દાઉદ ભારત - પાકિસ્તાન વચ્ચે થનારા મેચોનો દિવાનો તો છે જ સાથે એ મેચોમાં સટ્ટો લગાવામાં પણ તેની ખૂબ જ રૂચી છે.

એજન્સી પાસે જાણકારી છે કે, વૈશ્વિક આતંકી દાઉદ ઇબ્રાહીમ અને તેની ડી કંપની સાથે જોડાયેલા બે મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર આ હાઇવોલ્ટેજ મેચ જોવા માટે સ્ટેડિયમ જશે. મુંબઇ અને કરાંચીમાં તેના પરિવારના કેટલાક સભ્યો અને સંબંધી આ મેચને જોવા માટે દુબઇ પહોંચશે.

દાઉદ ઇબ્રાહીમ સાથે જોડાયેલી આ જાણકારી મળ્યા બાદ ૬ દેશોથી વધુ ઇન્ટેલિજન્સ એજન્સીઓની આ મેચ પર નજર છે જેથી દાઉદના બિઝનેસ અને પાકિસ્તાનમાં છુપાયેલા હોવાની જાણકારી મેળવી શકાય.

દાઉદને ભારત અને પાકિસ્તાનની મેચનો આનંદ લેવાની સાથે તેને સટ્ટો લગાવવો પણ પસંદ છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે થનારા આ હાઇવોલ્ટેજ મેચ પર ફકત ભારતની ઇન્ટેલીજન્સ એજન્સીઓ જ નહી પરંતુ યુકે, યુએસ, રશિયા અને ચીનની નજર પણ છે.

ઉલ્લેખનીય છે કે, મેચના ફિકસીંગનો પડદો ખુલ્યા બાદ દર વખતે દાઉદનું નામ જ સામે આવ્યું છે.

(3:51 pm IST)