Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

બાયબેકના નિયમોમાં પણ ફેરફાર કરાયો છે

IPOના બે દિવસ પહેલા પ્રાઇસ બેન્ડ જાહેર થઇ શકશે

નવી દિલ્હી તા. ૧૮ : સેબીએ સોમવારે IPO અને બાયબેક અંગે બે મહત્ત્વના નિર્ણય જાહેર કર્યા છે. કંપનીઓ હવે IPOના બે દિવસ પહેલાં પ્રાઇસ બેન્ડ જાહેર કરી શકશે. લોકો માટે જાહેરાતની જરૂરિયાત અંગે સ્પષ્ટતા કરવા શેર બાયબેકના નિયમોમાં પણ ફેરફાર કરાયો છે.

કંપનીઓએ અત્યારે IPOની પ્રાઇસ બેન્ડ ઇશ્યૂના પાંચ દિવસ પહેલાં જાહેર કરવી પડે છે. હવે તે ગાળો ઘટાડીને બે દિવસ કરવામાં આવ્યો છે. સેબીના ૧૧ સપ્ટેમ્બરના નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર ફાઇનાન્શિયલ ડિસ્કલોઝર માટેની મુદત અગાઉ પાંચ વર્ષની હતી, જે ઘટાડીને ત્રણ વર્ષ કરવામાં આવી છે. ICDR (ઇશ્યૂ ઓફ કેપિટલ એન્ડ ડિસ્કલોઝર રિકવાયરમેન્ટ્સ)ના નિયમોમાં એમેન્ડમેન્ટ કરતી વખતે સેબીએ જણાવ્યું હતું કે, 'ઓફર ડોકયુમેન્ટમાં સુધારેલા અને ઓડિટ થયેલા ફાઇનાન્શિયલ ડિસ્કલોઝર કોન્સોલિડેટેડ આધારે જ કરવાના રહેશે.' વધુમાં ઓડિટ કરાયેલા સ્ટેન્ડએલોન નાણાકીય પરિણામ અને વિવિધ સબસિડિયરીઝે ઇશ્યૂ લાવનારી કંપનીની વેબસાઇટ પર ડિસ્કલોઝર મૂકવા પડશે.

IPOના નવા નિયમમાં પ્રમોટર અને પ્રમોટર ગ્રૂપ્સની વ્યાખ્યામાં 'નજીકનાં સગાં'નો સમાવેશ કરવામાં આવ્યો છે. સરળ ડિસ્કલોઝર નિયમનો હેતુ મૂડીબજારના માર્ગે કંપનીઓને ભંડોળ એકત્ર કરવા પ્રોત્સાહન આપવાનો છે. તેની સાથે નિયમોમાં આ વાતનું ધ્યાન રાખવામાં આવ્યું છે કે, પ્રમોટર ગ્રૂપની કડક વ્યાખ્યાને કારણે આ પ્રકારના રૂટનો ઉપયોગ કરચોરી માટે ન થાય. ઉલ્લેખનીય છે કે, સેબીએ જૂનમાં નિયમોમાં સુધારાના પ્રસ્તાવને મંજૂરી આપ્યા પછી આ પગલું લેવાયું છે. બોર્ડે પ્રાઇમરી માર્કેટ એડ્વાઇઝરી કમિટીની ભલામણો અને ચર્ચાપત્રમાં લોકોના અભિપ્રાયને આધારે આ નિર્ણય લીધો હતો.

સેબીએ નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે, 'કંપની ઓફર ડોકયુમેન્ટમાં પ્રાઇસ બેન્ડનો ઉલ્લેખ કરી રજિસ્ટ્રાર ઓફ કંપનીઝમાં પ્રોસ્પેકટ્સની નોંધણી પહેલાં ભાવ જાહેર કરી શકશે.' કંપની રેડ હેરિંગ પ્રોસ્પેકટ્સમાં પ્રાઇસ બેન્ડની જાહેરાત ન કરે તો તેણે ઇશ્યૂના ઓછામાં ઓછા બે દિવસ પહેલાં ફલોર પ્રાઇસ જાહેર કરવાની રહેશે. અન્ય એક નિર્ણયમાં સેબીએ રાઇટ્સ ઇશ્યૂની ઓફર માટેનો ડ્રાફટ લેટર સુપરત કરવાની મર્યાદા અગાઉના ઈં ૫૦ લાખથી વધારી ઈં ૧૦ કરોડ કરી છે.

સેબીએ શેર બાયબેકના નિયમોમાં પણ ફેરફાર કર્યો છે. ખાસ કરીને બાયબેક અંગેની ભાષાને વધુ સરળ બનાવવા, અનિયમિતતા દૂર કરવા અને એપ્રિલ ૨૦૧૪થી અમલી બનેલા નવા કંપનીઝ એકટના રેફરન્સને અપડેટ કરવા બાયબેકના નિયમોની સમીક્ષા કરવામાં આવી હતી. નવા નિયમ મુજબ લોકોને શેર બાયબેકની માહિતી વધુ સ્પષ્ટ રીતે આપવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે.સેબીએ એક અલગ જાહેરાતમાં જણાવ્યું હતું કે, ક્રેડિટ રેટિંગ એજન્સીઝ પબ્લિક ઇશ્યૂ કે રાઇટ્સ ઇશ્યૂના રેટિંગ સિવાય અન્ય કોઈ કામગીરી નહીં કરે. સેબીએ જણાવ્યું હતું કે, ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ્સના રેટિંગ તેમજ ઇકોનોમિક કે ફાઇનાન્શિયલ રિસર્ચ સિવાયની પ્રવૃત્તિ માટે ક્રેડિટ રેટિંગ એજન્સીઝે બે વર્ષમાં અલગ કંપની બનાવવી પડશે.(૨૧.૨૭)

(3:33 pm IST)