Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

દિલ્‍હી પોલીસના હાથમાં ઝડપાયો હથીયારોનો મોટો સપ્‍લાયર

૧પ,૦૦૦ની પીસ્‍તોલ ૩પ૦૦૦માં વેચતો હતો અત્‍યાર સુધીમાં ૪૦૦ પિસ્‍તોલ દિલ્‍હીમાં વેચી

નવી દિલ્‍હી, તા.૧૮: દિલ્‍હીમાં સતત મોતનો સામાન આવી રહ્યો છે. ગુનેગારોને સહેલાઇથી ૩પ હજાર રૂપિયામાં પિસ્‍તોલ મળી રહે છે. જેના દ્વારા રાજધાનીમાં ગુનાઓ થતા જ રહે છે. દિલ્‍હી પોલીસની સ્‍પેશ્‍યલ ટીમ છેલ્લા ઘણા સમયથી આ હથીયારોના સોદાગરો કોણ છે તેની તપાસ કરી રહી હતી.

સ્‍પેશ્‍યલ સેલને ચોકકસ બાતમી દ્વારા જાણવા મળ્‍યુ કે અત્‍યાર સુધીમાં લગભગ ૪૦૦ ગેરકાયદે પીસ્‍તોલ પહોંચાડનાર કાલુ સાહુ દિલ્‍હીમાં હથીયાર સપ્‍લાય કરવા આવવાનો છે. ત્‍યાર પછી દિલ્‍હી પોલીસની સ્‍પેશ્‍યલ ટીમે જવાહરલાલ નેહરૂ  સ્‍ટેડીયમની આજુબાજુ પોતાની જાળ બીછાવી હતી જેમાં કાલુ સાહુ ઝડપાઇ ગયો હતો. તેની પાસેથી ૨૩ આધુનિક પિસ્‍તોલ પકડી લેવામાં આવી હતી. જયારે તેની પૂછપરછ શરૂ કરાઇ તો પહેલા તો તેણે પોલીસને ગેરમાર્ગે દોરવાની કોશિષ કરી પણ જયારે સ્‍પેશ્‍યલ ટીમે તેને ચૌદમુ રતન દેખાડયું ત્‍યારે તેણે જણાવ્‍યુ કે તે દિલ્‍હી એનસીઆરમાં અત્‍યાર સુધીમાં ૧પ વાર આવી ચૂકયો છે અને દરેક વખતે હથીયારો ગુંડાઓને આપી ચુકયો છે. તેણે પોલીસને જણાવ્‍યું કે ૧૨ થી ૧પ હજારમાં પિસ્‍તોલ ખરીદીને ૩પ હજારમાં વેચતો હતો.

કાલુ સાહુ મધ્‍યપ્રદેશના દમોહનો રહેવાસી છે અને પહેલા પણ કેટલીય વાર દિલ્‍હીમાં હથીયારો સપ્‍લાય કરી ચૂકયો છે. પોલીસે તેને ૧૩ સપ્‍ટેમ્‍બરે જવાહરલાલ નેહરૂ સ્‍ટેડીયમ પાસેથી પકડયો હતો. તે મધ્‍યપ્રદેશ, યુપી અને બિહારથી હથીયારો લાવતો હતો. છેલ્લા બે મહિનાથી તે વધારે સક્રિય હતો, જેના લીધે સ્‍પેશ્‍યલ ટીમ તેની પાછળ લાગેલી હતી. પોલીસ હવે તેણે જેને હથીયારો વેચ્‍યા છે તેને શોધવામાં લાગી ગઇ છે

 

(12:11 pm IST)