Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

બેંકોના મર્જર એલાનથી કર્મચારી વર્ગ લાલધુમઃ સરકારના પગલાનો વિરોધ કરશેઃ ઘડાતી રણનીતિ

બેંકોના મર્જરથી કર્મચારીઓની ફેંકાફેકી થશે, બ્રાંચો બંધ થશે, બેડલોન વધશેઃ AIBEA : સ્‍ટેટ બેંકના વિલીનીકરણથી કોઇ ફેર નથી પડયોઃ સ્‍ટાફ ઘટયો, બીઝનેસ ઘટયો

નવી દિલ્‍હી તા.૧૮: કેન્‍દ્ર સરકારે બરોડા બેંક, દેના બેંક અને વિજયા બેંકના મર્જરના કરેલા એલાનના કર્મચારી વર્ગમાં ઘેરા પડઘા પડયા છે. કર્મચારી યુનિયને આવા મર્જરને અયોગ્‍ય ગણાવી વિરોધ કાર્યક્રમો ઘડી કાઢયા છે. હાલ જરૂર મર્જરની નહિ પણ બેંકોના વિસ્‍તૃતિકરણની છે. એવા કોઇ પુરાવા નથી કે મર્જરથી બેંકો વધુ મજબુત થશે કે કાર્યક્ષમ બનશે. એસબીઆઇનું ઉદાહરણ દેશ સમક્ષ છે. તેમ એઆઇબીઇએના મહામંત્રી વૈકટાચલમે જણાવ્‍યું છે. તેમણે કહયું છે કે મર્જરથી બ્રાંચો બંધ થશે, બેડ લોન વધશે, સ્‍ટાફ ઘટશે, બીઝનેસ ઘટશે અને કર્મચારીઓની ફેંકાફેંકી થશે.

એક તરફ કેન્‍દ્ર સરકાર નવી રોજગારી નિર્માણ કરવાની સતત વાતો કરી રહી છે. બીજી તરફ બેંકોના વિલીનીકરણના માધ્‍યમથી સંખ્‍યાબંધ લોકોની નોકરી છોનવી લેવાના પેંતરા કરી રહી હોવાનો આક્રોશ ઠાલવતા બેંક કર્મચારીઓ કહે છે કે સરકારના આ નિર્ણય સામે અમે ગુજરાત અને દેશભરમાંથી વિરોધ નોંધાવશું.

ઓલ ઇન્‍ડિયા બેંક એમ્‍પલોયી એસોસિએશન ચીફ સેક્રેટરી સી.એચ. વેંકટાચલમે પણ એક અખબારી યાદીના માધ્‍યમથી આ નિર્ણય સામે વિરોધ નોંધાવ્‍યો છે. તેમનું કહેવું છે કે સરકાર જનધન યોજનાના માધ્‍યમથી સમાજના નીલચામાં નીચલા સ્‍તરની વ્‍યકિતના  ફાઇનાન્‍શિયલ ઇન્‍કલુઝન માટે દરેકના ખાતા ખોલાવવાના પગલા લઇ રહી છે. બીજી તરફ બેંકોના મર્જર વિલીનીકરણના માધ્‍યમથી બેંકોની શાખાઓ ઘટાડી દેવી પડી તેવા પગલાં લઇ રહી છે. એક જ શહેરમાં બાજુ બાજુમાં દેના બેંક, વિજયા બેંક અને બેંક ઓફ બરડા આવેલી હોય તો તેવા કિસ્‍સાઓમાં શહેરી વિસ્‍તારની બ્રાન્‍ચ પણ બંધ કરવાની નોબત આવી શકે છે. આ સંજોગોમાં બેંકની એક બ્રાંચ પર કામનું ભારણ વધી શકે છે. અને બીજી બ્રાન્‍ચના કર્મચારીઓ નવરા પડી જવાન સંભાવના રહેલી છે.

તેમનું કહેવું છે કે સ્‍ટેટ બેંકના વિલીનીકરણ પછી તેના પરફોર્મન્‍સમાં કે તેની એનપીએમાં કોઇ જ ફરક પડયો નથી. સ્‍ટેટ બેંકના વિલીનીકરણને પરિણામે તેમની શાખાઓ બંધ થઇ છે. સ્‍ટાફ ઘટયો છે. અને તેમનો બિઝનેસ પણ ઘટયો જ છે. બીજી તરફ સ્‍ટેટ બેંકની એનપીએ રૂા. ૬૫૦૦૦ કરોડ હતી તે રૂા. ૧,૧૨,૦૦૦ કરોડ વધીને કુલ રૂા. ૧,૭૭,૦૦૦ કરોડ થઇ છે. સ્‍ટેટ બેન્‍કની એનપીએ હવે વધીને રૂા. ૨,૨૫ લાખ કરોડની થઇ ગઇ છે. આમ વિલીનીકરણને કારણે બેંકોની એનપીએની રિકવરીમાં કોઇ જ ફરક પડતો નથી.

સરકારે વિલીનીકરણનો ખેલ કરીને માત્ર બેંકોની થાપણોની તુલનાએ એનપીએનું પ્રમાણ ઓછુ હોવાનો દેખાવ કરવાનો પ્રયાસ કરવાને બદલે ફસાયેલી મુડી રિકવર કરવા માટેના વધુ સંગીન આયોજનો કરીને બેંકોની રિકવરી સુધારવી જોઇએ, એમ ઓલ ઇન્‍ડિયા બેંક એમ્‍પલોયી એસોસિએશનનું કહેવું છે. બીજી તરફ ઇન્‍સોલ્‍વન્‍સી એન્‍ડ બેન્‍કરપ્‍સી કોડ હેઠળ કરવામાં આવેલી જોગવાઇને પરિણામે બેંકોના નાણા તેમને પરત મળી રહયા છે, પરંતુ રૂા. ૧૦૦ના બાકી લેણામાંથી માંડ રૂા. ૧૦ થી ર૦ જ પરત મળી રહયા છે. તેથી બેન્‍કરપ્‍સી કોડ તો બેંકોના પૈસા ડુબાડવા માટેનો એક સરળ ઉપાય ઉદ્યોગોને હાથ લાગી ગયો છે.

 

(11:58 am IST)