Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

સંઘના વડા મોહન ભાગવત કહે છે...

RSS સંન્‍યાસીઓનું સંગઠન નથી : અહિં મહિલા - પુરૂષ બધાની સમાન ભૂમિકા

નવી દિલ્‍હી તા. ૧૮ : આરએસએસના સરસંઘ ચાલક મોહન ભાગવતનું કહેવું છે કે સંઘ કંઇ સંન્‍યાસીઓનું સંગઠન નથી. તેમાંસ્ત્રી અને પુરૂષ બંનેની સમાન ભૂમિકા છે. તેમાં મહિલાઓને પણ સરખી જવાબદારી મળે છે.

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ થોડા દિવસ પહેલા કહ્યું હતું કે, આરએસએસ મહિલા વિરોધી સંગઠન છે અને મહિલાઓને તેમાં પ્રવેશ નથી આપતો તેનો આડકતરો જવાબ આપતા મોહન ભાગવતે કહ્યું કે, ઘણા લોકોને ખબર નથી કે આરએસએસનું એક મહિલા એકમ છે જેને રાષ્‍ટ્રીય સ્‍વયંસેવિકા સંઘ કહેવાય છે, તેમાં મહિલાઓની જ ભાગીદારી હોય છે.

મોહન ભાગવતે સંઘની ટીકા કરવાવાળાઓને જોરદાર જવાબ આપતા કહ્યું કે, જે અમારો વિરોધ કરે છે તેઓ પણ અમારા છે. અમે ફકત એટલું ધ્‍યાન રાખીએ છીએ તેઓ અમને નુકસાન ન પહોંચાડે. વિરોધ કરવો ખોટો નથી પણ તે વસ્‍તુ સ્‍થિતિ અનુસાર હોવો જોઇએ.

સોમવારે વિજ્ઞાન ભવનમાં આયોજીત ત્રિદિવસીય સેમીનાર ‘ભવિષ્‍યનું ભારત : રાષ્‍ટ્રીય સ્‍વયં સેવક સંઘનો દ્રષ્‍ટિકોણ'માં પહેલા દિવસે બોલતા તેમણે કહ્યું કે, જે લોકો સંઘની કાર્યપ્રણાલી પર સવાલ ઉઠાવીને કહેતા હોય છે કે આ સંગઠન બિનલોકશાહી છે. તેમાં તાનાશાહી હોય છે તેમને અમારે કહેવું છે કે સંઘ આજે દુનિયાનું સૌથી મોટું લોકતાંત્રિક સંગઠન છે. તેમાં બધા લોકોને પોતાની વાત કહેવાનો અધિકાર છે. અમે સંઘનું વર્ચસ્‍વ ઉભું કરવા નથી ઇચ્‍છતા જો એવું થશે તો તે સંઘની હાર હશે. અમારા સંગઠનમાં ડગલને પગલે સામૂહિકતા છે.

(10:40 am IST)