Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

૨૦૧૯: કુંભ મેળામાં પ્રથમ શાહીસ્‍નાન મકર સંક્રાંતિએ ૧૫ જાન્‍યુઆરીએ થશે

પ્રયાગ - અલ્‍હાબાદ ખાતે ૧૪ જાન્‍યુ.થી પ્રારંભ : ૫૦ દિવસ ચાલશે

રાજકોટ : ૨૦૧૯ના ઉત્તરપ્રદેશમાં યોજાનાર પ્રયાગ કુંભ મેળો ૫૦ દિવસનો રહેશે. ૧૪-૧૫ મકરસંક્રાંતિના દિવસે પ્રારંભ અને ૪ માર્ચ મહાશિવરાત્રી સુધી ચાલશે. કુંભ સ્‍નાનનો અદ્દભૂત સંયોગ ૩૦ વર્ષ પછી આવી રહ્યો છે.

દેશમાં કુંભમેળાના સ્‍થળોમાં હરિદ્વાર, અલ્‍હાબાદ, ઉજ્જૈન અને નાસિકનો સમાવેશ થાય છે. દર ૧૨ વર્ષે કુંભ મેળો અને ૬ વર્ષે અર્ધકુંભમેળો આવે છે. કુંભનો અર્થ ‘‘કળશ'' થાય છે.

મકરસંક્રાંતિએ કુંભસ્‍નાન યોગના પવિત્ર દિવસે પ્રારંભ થાય છે અને મહાશિવરાત્રીએ પૂર્ણ થાય છે.

હિન્‍દુ માન્‍યતા મુજબ કોઈપણ કુંભ મેળામાં પવિત્ર નદીમાં સ્‍નાન અથવા ત્રણ ડૂબકી મારવામાં આવે તો તમામ જૂના પાપ ધોવાઈ જાય છે. મનુષ્‍ય જન્‍મ - પુર્નજન્‍મ તથા મૃત્‍યુ - મોક્ષની પ્રાપ્‍તિ થાય છે.

અલ્‍હાબાદ - પ્રયાગ ખાતેના કુંભના મુખ્‍ય ૪ શાહી સ્‍નાનની તારીખો આ પ્રમાણે છે.

(૧) ૧૫(૧૪) જાન્‍યુઆરી મકરસંક્રાંતિ - મંગળવાર

(૨) ૪ ફેબ્રુઆરી મૌની અમાવાસ્‍ય - સોમવાર

(૩) ૧૦ ફેબ્રુઆરી વસંત પંચમી - રવિવાર

(૪) ૪ માર્ચ મહાશિવરાત્રી - પૂર્ણાહૂતિ

તમામ પવિત્ર સ્‍નાનની વિગતો : ૧૪-૧૫ જાન્‍યુઆરી પ્રથમ, મુખ્‍ય શાહી સ્‍નાન, ૨૧ જાન્‍યુઆરીએ પોષપૂર્ણિમા, ૩૧ જાન્‍યુઆરીએ પોષ એકાદશી સ્‍નાન, ૪ ફેબ્રુઆરી મૌની અમાવાસ્‍ય - બીજુ મુખ્‍ય શાહી સ્‍નાન, ૧૦ ફેબ્રુઆરી - ૨૦૧૯ વસંત પંચમી - ત્રીજુ મુખ્‍ય શાહી સ્‍નાન, ૧૬ ફેબ્રુઆરી માધી એકાદશી સ્‍નાન, ૧૯ ફેબ્રુઆરી માધી પૂર્ણિમા સ્‍નાન અને ૪ માર્ચ - ૨૦૧૯ મહાશિવરાત્રી સ્‍નાન સાથે ૨૦૧૯ના કુંભ મેળાની ૫૦ દિવસ બાદ પૂર્ણાહૂતિ થશે.

(10:42 am IST)