Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

આ ATMમાંથી પૈસા નહીં મોદક નીકળે છે!

પૂણે તા. ૧૮ : તમે અત્‍યાર સુધી પૈસા, શોપિંગ આઈટમ અને દૂધ કાઢનારા ATM મશીન જ જોયા હશે. મહારાષ્ટ્રના પુણેના નિવાસી સંજીવ કુલકર્ણીએ એક એવું ATM મશીન તૈયાર કર્યું છે જેને તે ‘એની ટાઈમ મોદક' મશીન કહે છે. આ મશીનમાં એક ખાસ કાર્ડ નાખીને તમે ગણપતિનો પ્રસાદ, મોદક મેળવી શકે છે.

આ મશીનને બનાવનારા સંજીવ કહે છે કે, ‘આ એક ATM છે જેનો મતલબ એની ટાઈમ મોદક છે. તમે આ મશીનમાં એક ખાસ કાર્ડ ઈન્‍સર્ટ કરીને મોદક મેળવી શકો છો. આ ટેક્‍નોલોજી અને કલ્‍ચરને એકસાથે આગળ વધારવાની દિશામાં એક પ્રયાસ છે.' જણાવી દઈએ કે, આનાથી નિકળનારું મોદક એક નાનકડી પ્‍લાસ્‍ટિકની ડબ્‍બીમાં પેક હોય છે, જેનાથી તે ખરાબ થતું નથી.

ઉલ્લેખનીય છે કે, અત્‍યારે સમગ્ર મહારાષ્ટ્રમાં ગણેશ ચતુર્થીનો પર્વ ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવી રહ્યો છે. આને ધ્‍યાનમાં રાખીને જ આ મશીન પુણેના સહાકાર નગરમાં લગાવવામાં આવ્‍યું છે. આ મશીનમાં જે બટન્‍સ લાગેલા છે તેમાં ક્ષમા, શાંતિ, જ્ઞાન, દાન, ભક્‍તિ, સ્‍નેહ, મોદ, સુખ, પ્રેમ, સત્‍ય, સદાચાર, ભાવના, નિષ્ઠા અને સમાધાન જેવા શબ્‍દો લખેલા છે. આનો મતલબ છે કે, તમે પોતાનું કાર્ડ નાખીને આમાંથી કોઈ એક બાબત માટે મોદક પ્રાપ્ત કરી શકો છો.

(10:04 am IST)