Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

આરબીઆઇના પૂર્વ ડેપ્યુટી ગવર્નર કે.સી. ચક્રબર્તી વિજય માલ્યાની કિંગફિશર અેરલાઇન્સ સહિત ૨ કેસમાં શકમંદઃ સીબીઆઇ

નવી દિલ્હી:સીબીઆઇએ આરબીઆઇના ભૂતપૂર્વ ડેપ્યુટી ગવર્નર કે સી ચક્રબર્તી બે કેસમાં ‘શકમંદ’ હોવાનો આરોપ મૂક્યો છે. તેમાંથી એક કેસ વિજય માલ્યાની કિંગફિશર એરલાઇન્સના ડેટ ડિફોલ્ટને લગતો છે.

તપાસકર્તા એજન્સી સીબીઆઇએ ચાલુ મહિને નવી દિલ્હીમાં સ્પેશિયલ સીબીઆઇ કોર્ટમાં આ ડિસ્ક્લોઝર આપ્યું હતું. આ કોર્ટમાં ચક્રબર્તીની લૂકઆઉટ સર્ક્યુલર (એલઓસી) રદ કરવાની અરજી પર સુનાવણી કરવામાં આવી હતી જેના કારણે તેઓ મે મહિનામાં વિદેશ જઈ શક્યા ન હતા.

જેના માટે એલઓસી ઇશ્યૂ કરવામાં આવ્યું હતું તે બીજો કેસ ઇન્ડિયન ઓવરસિઝ બેન્ક દ્વારા દિલ્હી સ્થિત ટ્રાવેલ કંપની એરવર્થ ટ્રાવેલ્સ એન્ડ ટૂર્સ સામે દાખલ કરવામાં આવ્યો છે. આ કેસમાં છેતરપિંડીનો આરોપ છે. ચક્રબર્તી 2009 અને 2014 વચ્ચે આરબીઆઇના ડેપ્યુટી ગવર્નર હતા. તેમણે 15 મેએ સીબીઆઇના ડિરેક્ટરને લખેલા એક પત્રમાં તમામ આરોપો નકારી કાઢ્યા હતા. ચક્રબર્તી 2005થી 2007 વચ્ચે ઇન્ડિયન બેન્કના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર હતા. તેઓ 2007થી 2009 વચ્ચે પંજાબ નેશનલ બેન્કમાં પણ આ હોદ્દો સંભાળતા હતા.

આ અરજી નકારી કાઢતા સીબીઆઇ કોર્ટના સ્પેશિયલ જજ સવિતા રાવે કહ્યું કે ચક્રબર્તી વિદેશથી પરત ન આવે અને ન્યાયની કાર્યવાહીમાંથી છટકી જાય તેવી ચિંતા વાજબી છે. ચક્રબર્તી યુકેના રહેવાસી બની ગયા છે. તેમને શનિવારે મોકલવામાં આવેલી પ્રશ્નાવલિનો જવાબ આપ્યો ન હતો. તેમના એડ્વોકેટે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.

કાનૂની પેઢીએ ઇટીને મેઇલમાં જણાવ્યું કે, “અમે કે સી ચક્રબર્તીના વકીલો શૈલેષ પાઠક અને વૈભવ મિશ્રા, વીએસપી લીગલ આ વિશે ટિપ્પણી કરવાનો ઇનકાર કરીએ છીએ, અમે માત્ર એટલું કહીશું કે કે સી ચક્રબર્તી સંપૂર્ણપણે નિર્દોષ છે અને નીચલી કોર્ટનો આદેશ ખોટી ધારણા પર આધારિત છે. અમે માનીએ છીએ કે તે અપીલમાં ટકી નહીં શકે.” કોર્ટે કહ્યું કે બંને કેસમાં ચક્રબર્તીની કોર્ટમાં હાજરી જરૂરી છે.

પાંચમી સપ્ટેમ્બરના કોર્ટ ઓર્ડરમાં જણાવાયું હતું કે અરજકર્તાને સાક્ષી તરીકે બોલાવવામાં આવ્યા છે પરંતુ સીબીઆઇના તપાસકર્તા અધિકારીએ જણાવ્યું છે કે અરજકર્તા શકમંદ છે અને તેમની વધારે પૂછપરછ કરવાની જરૂર છે તથા રેકોર્ડની ચકાસણી માટે આરોપીઓ ટી કે બોઝ અને ગૌરવ મેહરા (એરવર્થના પ્રમોટર) સાથે તેમની હાજરી આવશ્યક છે. ચક્રબર્તી સીબીઆઇ વિરુદ્ધ કિંગફિશર એરલાઇન્સ લિમિટેડના કેસમાં શકમંદ પણ છે. ઇટીએ આ ઓર્ડરની નકલ જોઈ છે.

માલ્યા સામે મની લોન્ડરિંગના આરોપો છે અને તેમણે કિંગફિશર એરલાઇન્સને બેન્કોએ આપેલા ₹9,000 કરોડની ઉચાપત કરી હોવાના આરોપો પછી તેઓ 2016માં યુકે ભાગી ગયા હતા. ઇન્ડિયન ઓવરસિઝ બેન્કે એરવર્થ ટ્રાવેલ્સ સામે છેતરપિંડીનો કેસ નોંધાવ્યો હતો. તેના આધારે સીબીઆઇએ સપ્ટેમ્બર 2016માં એફઆઇઆર દાખલ કરી હતી.

(9:23 am IST)