Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

દિલ્હીમાં 1100 રોહિંગ્યા શરણાર્થીઓને રહેવા માટે ફ્લેટ અપાશે ! : ભાજપની બેવડીનીતિ સામે ઉઠતાં સવાલો

ગૃહ મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે રોહિંગ્યા શરણાર્થીઓને ડિપોર્ટ કરવાની પ્રોસિજર ચાલી રહી : ત્યાં સુધી ડિટેન્શન સેન્ટર્સમાં જ રખાશે

નવી દિલ્લી : રોહિંગ્યા શરણાર્થીઓને દિલ્હીમાં રહેવા માટે ફ્લેટ સહિત અન્ય સુવિધાઓ-સુરક્ષા આપવાના કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રી હરદીપસિંહ પુરીના નિવેદન બાદ બુધવારે વિવાદ થયો. વિશ્વ હિન્દુ પરિષદના તથા ભાજપના કેટલાક નેતાઓએ આ નિર્ણયનો ભારે વિરોધ કર્યો. વિવાદ વકરતાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ મામલે નિવેદન જારી કરવું પડ્યું.

કેન્દ્ર સરકારમાં બેઠેલી ભારતીય જનતા પાર્ટીનું વલણ પોતે કરે તો લીલા અને બીજા કરે તો પાપ એ પ્રકારનું હોય છે. તાજેતરમાં આ બાબતનો વધુ એક પુરાવો મળ્યો હતો. કેન્દ્રીય શહેરી અને આવાસ મંત્રી હરદીપસિંહ પુરીએ ટ્વીટ કરી હતી કે દિલ્હીમાં 1100 રોહિંગ્યા શરણાર્થીઓને રહેવા માટે ફ્લેટ આપવામાં આવશે. ત્યારે બીજી તરફ ગૃહમંત્રાલયે આ મામલો ખુલાસો કર્યો છે કે, કોઈ રોહિંગ્યા શરણાર્થીઓને રહેવા માટે ફ્લેટ આપવામાં આવશે નહીં.


વર્તમાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પણ રોહિંગ્યાને દેશમાંથી કાઢી મૂકવાનો મુદ્દો ઉઠાવતા રહ્યા છે. દિલ્હીની આમ આદમી પાર્ટી સરકાર પર રોહિંગ્યાઓ પ્રત્યે સોફ્ટ કોર્નર રાખવાનો આરોપ મુકવામાં આવતો રહ્યો છે અને હવે આ જ ભાજપ સરકાર રોહિંગ્યાઓને રહેવા માટે ફ્લેટ આપશે. બેવડા ધોરણોનો આનાથી વધારે મજબૂત પુરાવો બીજો શું હોઈ શકે.

(11:56 pm IST)