Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

નીતિન ગડકરી અને શિવરાજ સિંહ ચૌહાણને પડતા મુકાયા ! : ભાજપની રાજકીય વ્યૂહરચનાને લઈને ચર્ચાઓ શરૂ

ગડકરીને હટાવીને તેમના સ્થાને ભાજપ સંસદીય બોર્ડમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવિસને સમાવવામાં આવ્યા

નવી દિલ્લી : બીજેપીએ એના સંસદીય બોર્ડમાંથી કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી અને મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણને ગઈ કાલે પડતા મૂક્યા હતા જે સૂચવે છે કે પાર્ટીમાં આ બન્નેનું કદ ઘટી ગયું છે. બીએસ યેદિયુરપ્પા અને ઇકબાલ સિંહ લાલપુરા સહિત છ નવા ચહેરાઓનો એમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ઉલ્લાખાનીય છે કે, મોદી સરકારમાં કેન્દ્રીય મંત્રી તરીકે દેશભરમાં સડકોનું નેટવર્ક ઝડપથી આગળ વધારવા બદલ નીતિન ગડકરીની પ્રશંસા તેમના વિરોધીઓ પણ કરે છે. પરંતુ ગડકરીને હટાવીને તેમના સ્થાને ભાજપ સંસદીય બોર્ડમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવિસને સમાવવામાં આવ્યા છે.

ભાજપના સર્વોચ્ચ નીતિ નિર્ધારક એકમ કેન્દ્રીય સંસદીય બોર્ડ અને કેન્દ્રીય ચૂંટણી સમિતિમાંથી નીતિન ગડકરીને દૂર કરવામાં આવ્યા છે. ગડકરીના સ્થાને એક સમયે મહારાષ્ટ્ર પ્રદેશ ભાજપમાં તેમના પ્રતિસ્પર્ધી ગણાતા દેવેન્દ્ર ફડણવિસને કેન્દ્રીય ચૂંટણી સમિતિમાં સૌથી યુવા ચહેરા તરીકે સામેલ કરવાને પાર્ટીની ભાવિ રણનીતિ સાથે સાંકળીને જોવામાં આવે છે. આ નિર્ણય પાર્ટીના આંતરીક ઘટનાક્રમોને પણ પ્રભાવિત કરે તેવી સંભાવનાઓની પણ ચર્ચા છે. ભાજપના આંતરીક સમીકરણોની સાથે જ આની ચૂંટણી રાજનીતિ પર પણ અસર થવાની શક્યતા છે.

2009માં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બનીને નીતિન ગડકરી મહારાષ્ટ્રની રાજનીતિથી રાષ્ટ્રીય રાજકારણમાં ઉભર્યા હતા. પરંતુ ત્યારથી સતત ભાજપના નીતિ નિર્ધારણમાં મહત્વની ભૂમિકા ધરાવનારા ગડકરી હવે પાર્ટીના સંસદીય બોર્ડ અને ચૂંટણી સમિતિમાંથી બહાર થયા છે અને તેમની પાર્ટી સંગઠનના નીતિ-નિર્ધારણની ભૂમિકાનો અસ્ત થયો છે. જો કે ગડકરી હાલ કેન્દ્રીય મંત્રી અને ભાજપની રાષ્ટ્રીય કારોબારીના તો સદસ્ય છે જ.. જો કે ગડકરીના ભાજપની અંદર રાજકીય કદને મોટી અસર થયાનું માનવામાં આવે છે.

ગડકરી પોતાના બેબાકપણા માટે રાજકીય ખ્યાતિ ધરાવે છે. તેઓ પોતાના નિવેદનોમાં અલગ દ્રષ્ટિકોણ દર્શાવવા બદલ ચર્ચામાં રહેતા હોય છે. તાજેતરમાં ગડકરીએ એક કાર્યક્રમમાં હાલની રાજનીતિ પર સવાલ ઉભા કર્યા હતા અને સંકેત આપ્યા હતા કે રાજકારણ તેમના માટે હવે વધારે રસનો વિષય રહ્યું નથી. ગડકરીને ભાજપ સંગઠનમાં મોટા પરિવર્તનો માટે જાણવામાં આવે છે. પરંતુ તેમની અલગ કાર્યશૈલીને કારણે તેઓ સૌની સાથે સમન્વય બનાવવામાં સફળ નથી રહ્યા તેવી પણ ચર્ચા થતી રહી છે. જો કે જ્યાં સુધી પરફોર્મન્સનો સવાલ છે, તો મોદી સરકારમાં કેન્દ્રીય મંત્રી તરીકે તેમના કામકાજને સૌથી વધુ વખાણવામાં આવ્યું છે. પરંતુ ભાજપના આંતરીક સમીકરણોની મુશ્કેલીઓ યથાવત છે.

ભાજપના બે સર્વોચ્ચ રાજકીય એકમોમાંથી ગડકરીની બાદબાકી અને ફડણવિસની કેન્દ્રીય ચૂંટણી સમિતિમાં એન્ટ્રીની મહારાષ્ટ્રની રાજનીતિ પર અસર પડશે. તાજેતરમાં જ્યારે શિવસેનાના બળવાખોર જૂથ સાથે ભાજપે મહારાષ્ટ્રમાં સરકાર બનાવી છે તો મુખ્યમંત્રી પદના દાવેદાર દેવેન્દ્ર ફડણવિસે નાયબ મુખ્યમંત્રી બનવાનું સ્વીકાર્યું હતું. હવે ભાજપમાં ફડણવિસનું કદ વધારીને પાર્ટી નેતૃત્વ દ્વારા આની ભરપાઈ કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે.

ગડકરી અને ફડણવિસ બંને આરએસએસના નેતૃત્વની નજીક છે. તેથી ભાજપના કેન્દ્રીય નેતૃત્વ દ્વારા આના સંદર્ભેના નિર્ણયમાં સંઘની સંમતિ પણ સામેલ હશે તેવું માનવામાં આવે છે. મહત્વપૂર્ણ છે કે હૈદરાબાદ ખાતેના ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં પાર્ટીના સંગઠનને આગામી 25 વર્ષોની જરૂરિયાતો પ્રમાણે તૈયાર કરવાની હાકલ કરવામાં આવી હતી. જેને કારણે દેવેન્દ્ર ફડણવિસ અને ભૂપેન્દ્ર યાદવ જેવા નવા નેતાઓને ભાજપ સંગઠનમાં ઘણું મહત્વ આપવામાં આવ્યું છે.

(11:48 pm IST)