Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

રેલવે મંત્રાલયે અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનના કામ અંગે માહિતી આપી : કહ્યું - લગભગ 98 ટકા જમીન સંપાદનનું કામ પૂર્ણ

162 કિલોમીટર પાઇલિંગનું કામ પુરૂ થઇ ચુક્યુ : 79.2 કિલોમીટર સુધીનો પિયર વર્ક પણ પુરો થઇ ચુક્યો

નવી દિલ્હી: ભારતમાં લોકો લાંબા સમયથી બુલેટ ટ્રેનની રાહ જોઈ રહ્યા છે. અમદાવાદ અને મુંબઈ વચ્ચે પ્રસ્તાવિત બુલેટ ટ્રેન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સૌથી મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પૈકીની એક છે. આવી સ્થિતિમાં આ પ્રોજેક્ટ પર રેલવેનું કામ ચાલી રહ્યું છે. હવે રેલવે મંત્રાલયે અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનના કામ અંગે માહિતી આપી છે.

બુલેટ ટ્રેન આવતા વર્ષે એટલે કે 2023માં ચાલવાની હતી પરંતુ મહારાષ્ટ્રમાં જમીન અધિગ્રહણની ધીમી ઝડપને કારણે તેમાં મોડુ થયુ હતું. આ પહેલા કોરોના મહામારીને કારણે પ્રોજેક્ટને સમય પર પૂર્ણ કરવામાં મોડુ થયુ હતુ. જાણકારી અનુસાર મહારાષ્ટ્રની પૂર્વ સરકાર બુલેટ ટ્રેન માટે જમીન અધિગ્રહણ કરવામાં રસ દાખવતી નહતી.

બુલેટ ટ્રેનનું કેટલુ કામ પુરૂ થયુ છે અને કેટલુ બાકી છે, તેને લઇને રેલ મંત્રાલયે ટ્વીટ કરીને પ્રોગ્રેસ રિપોર્ટ શેર કર્યો છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ક્યા રાજ્યમાં કેટલી જમીનનું અધિગ્રહણ થઇ ચુક્યુ છે. રેલ મંત્રાલયના ટ્વીટ અનુસાર, ગુજરાતમાં 98.8 ટકા, દાદરા અને નગર હવેલીમાં 100 ટકા અને મહારાષ્ટ્રમાં 75.25 ટકા ભૂમિ અધિગ્રહતિ થઇ ચુકી છે. બીજી તરફ વર્ક પ્રોગ્રેસની વાત કરીએ તો 162 કિલોમીટર પાઇલિંગનું કામ પુરૂ થઇ ચુક્યુ છે જ્યારે 79.2 કિલોમીટર સુધીનો પિયર વર્ક પણ પુરો થઇ ચુક્યો છે. આ સિવાય સાબરમતીમાં પેસેન્જર ટર્મિનલ હબનું કામ લગભગ પુરૂ થવાનું છે.

મહત્વપૂર્ણ છે કે પ્રથમ તબક્કામાં બુલેટ ટ્રેનનો રૂટ 508.17 કિલોમીટર લાંબો છે, જે મહારાષ્ટ્રમાં મુંબઇ, ઠાણે અને પાલઘરમાં થઇને પસાર થશે. ગુજરાતમાં વલસાડ, નવસારી, સૂરત-ભરૂચ, વડોદરા, આણંદ, ખેડા અને અમદાવાદ થઇને પસાર થશે. રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે માર્ચ મહિનામાં લોકસભામાં પૂછવામાં આવેલા એક સવાલનો જવાબ આપતા કહ્યુ હતુ કે મુંબઇ-અમદાવાદ હાઇ સ્પીડ રેલ વિશેષ રીતે મહારાષ્ટ્ર રાજ્યમાં ભૂમિ અધિગ્રહણમાં મોડુ અને કોવિડ-19ના પ્રભાવને કારણે મોડુ થયુ છે.

અમદાવાદ અને મુંબઇ વચ્ચે ચાલનારી બુલેટ ટ્રેનની સ્પીડ 320 કિલોમીટર પ્રતિ કલાકની હશે. આ બન્ને શહેરો વચ્ચે લાગનારા સમયને છ કલાક સુધી ઓછુ કરી દેશે.

પરિયોજનાનો કુલ ખર્ચ 1.08 લાખ કરોડ રૂપિયા છે અને શેર પેટર્ન અનુસાર, કેન્દ્ર સરકારે NHSRCLને 10,000 કરોડ રૂપિયાની ચુકવણી કરવાની છે, જ્યારે તેમાં સામેલ બે રાજ્ય ગુજરાત અને મહારાષ્ટ્રને દરેકને 5 હજાર કરોડ રૂપિયાની ચુકવણી કરવી પડશે. બાકી રકમની ચુકવણી જાપાન દ્વારા 0.1 ટકાના વ્યાજ પર કરવામાં આવશે.

(9:25 pm IST)