Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

કેનેડામાં સપ્ટે. ઈનટેક એડમિશન મેળવનારા છાત્રો ભેરવાઈ ગયા

કેનેડામાં અભ્યાસનો ભારતીયોમાં ક્રેઝ વધ્યો : સપ્ટેમ્બર મહિનામાં યુનિવર્સિટીમાં સત્રની શરુઆત થઈ જવાની છે, અને આ વિદ્યાર્થીઓને હજુ વિઝા નથી મળ્યા

મુંબઈ, તા.૧૮ :  પાછલા થોડા સમયમાં ભારતીય વિદ્યાર્થીઓમાં કેનેડા ભણવા જવાનો ક્રેઝ જોવા મળ્યો છે. પરંતુ કેનેડા પહોંચવાની સમગ્ર પ્રક્રિયા સરળ નથી હોતી. વર્તમાન સ્થિતિની વાત કરવામાં આવે તો, સપ્ટેમ્બર ઈનટેક માટે એડમિશન મેળવી ચૂકેલા હજારો વિદ્યાર્થીઓના જીવ અત્યારે તાળવે ચોંટ્યા છે. સપ્ટેમ્બર મહિનામાં યુનિવર્સિટીમાં સત્રની શરુઆત થઈ જવાની છે, અને આ વિદ્યાર્થીઓને હજી સુધી વિઝા નથી મળ્યા. યુનિવર્સિટી દ્વારા સૂચના આપવામાં આવી છે કે કેમ્પસમાં હાજર થવામાં આવે અથવા તો એડમિશન કેન્સલ કરવામાં આવે અથવા તો પોસ્ટપોન કરવામાં આવે.

તમને જણાવી દઈએ કે કેનેડાની કોલેજોમાં એડમિશનના ૩ ઈનટેક હોય છે, સપ્ટેમ્બર, જાન્યુઆરી અને મે. કેનેડાની મોટી યુનિવર્સિટીઓ જેમ કે મેકગિલ યુનિવર્સિટી, યુનિવર્સિટી ઓફ ટોરન્ટો, યુનિવર્સિટી ઓફ બ્રિટિશ કોલમ્બિયા, વગેરેના વિદ્યાર્થીઓ અત્યારે મુશ્કેલીમાં મૂકાયા છે. તેમણે એક વર્ષની ફી લગભગ ૪૦-૫૦ લાખ રુપિયા ચૂકવી દીધી છે. આટલુ જ નહીં, ત્યાં રહેવાની પણ વ્યવસ્થા કરી દીધી છે અને પૈસા ભરી દીધા છે.

એસડીએસ (સ્ટૂડન્ટ્સ ડિરેક્ટ સ્ટ્રીમ)ની વાત કરીએ તો તેમાં વિદ્યાર્થીને બે અઠવાડિયાથી ઓછા સમયમાં વિઝા મળી જવાની જોગવાઈ હોય છે. પરંતુ તેના માટે વિદ્યાર્થીએ આખા વર્ષની ફી ફરી દેવાની હોય છે, આ સિવાય વધારાના ૧૦,૦૦૦ કેનેડિયન ડોલર પર ડિપોઝિટ કરવાના હોય છે. આઈવેટ્સની સાથે સાથે મેડિકલ ચેકઅપ પણ થઈ ગયું હોવું જોઈએ. ઈન્ટરનેશનલ એજ્યુકેશન કાઉન્સિલર પ્રતિભા જૈન જણાવે છે કે, પાછલા થોડા વર્ષોથી યુનિવર્સિટીઓ તેમજ આઈઆરસીસીદ્વારા આ રૃટ પસંદ કરવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ આ વર્ષે સ્થિતિ ભયંકર છે. વિઝાની પ્રક્રિયા આગળ કેમ નથી વધી રહી તે બાબતે કેનેડાની સરકાર અને યુનિવર્સિટી તરફથી કોઈ જવાબ નથી મળી રહ્યો. વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતા ચિંતામાં મૂકાઈ ગયા છે.

ઉલ્લેખનીય છે કે ઘણાં વિદ્યાર્થીઓએ તો ફ્લાઈટની ટિકિટ પણ બુક કરાવી દીધી છે. આ વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીને વિનંતી કરી છે કે વિઝા મળે ત્યાં સુધી તેમને ઓનલાઈન કોર્સ ઓફર કરવામાં આવે છે, પરંતુ મોટાભાગની યુનિવર્સિટીએ આ માંગ સ્વીકારી નથી અથવા તો કોઈ પ્રતિક્રિયા જ નથી આપી. પ્રતિભા જૈન જણાવે છે કે, ફોલ ૨૦૨૨ એટલે કે સપ્ટેમ્બર ઈનટેક માટે તેમણે વિદ્યાર્થીઓને ઓનલાઈન ક્લાસની સુવિધા આપવી જોઈએ, જેથી જ્યારે તેઓ કેમ્પસ પહોંચે તેમને સિલેબસ કવર કરવામાં તકલીફ ના પડે. ૨૦૨૦ અને ૨૦૨૧માં તમામ યુનિવર્સિટીઓએ આ સુવિધા પૂરી પાડી હતી. જાન્યુઆરીમાં જ્યારે સેમેસ્ટર ૨ની શરુઆત થશે ત્યારે વિદ્યાર્થીઓએ પ્રથમ સેમેસ્ટરને ધ્યાનમાં રાખીને વિષયો પસંદ કરવાના હોય છે, માટે પ્રથમ સેમેસ્ટર જરૃરી છે.

વિદ્યાર્થીઓના માતા-પિતા સાથે. વાતચીત દરમિયાન જાણવા મળ્યું કે, તેમણે યુનિવર્સિટી અનુસાર ગ્રુપ તૈયાર કર્યા છે અને કેનેડિયન બ્યૂરોને તેમજ જે તે સંસ્થાને ઈ-મેઈલ કરીને વિઝાની પ્રક્રિયા ઝડપી કરવાની અને ત્યાર સુધી ઓનલાઈન ક્લાસ ઓફર કરવાની માંગ કરી છે. મુંબઈના એક વિદ્યાર્થીના વાલી જણાવે છે કે, યુનિવર્સિટી એડમિશન કેન્સલ કરવાની અથવા બીજા ઈનટેકમાં લેવાની સલાહ આપે છે, પરંતુ તે યોગ્ય સમાધાન નથી. ઘણાં એવા કોર્સ છે જે જાન્યુઆરી ઈનટેકમાં ઉપલબ્ધ નથી, તો વિદ્યાર્થીનું વર્ષ બગડી શકે છે.

નોંધનીય છે કે ભારતમાં લગભગ ૩૫થી ૫૦ હજાર વિદ્યાર્થીઓ વિઝાનીરાહ જોઈ રહ્યા છે.

એક વિદ્યાર્થીના પરિવારના સભ્યએ જણાવ્યું કે, અમારી માંગણી છે કે પ્રક્રિયામાં એક પારદર્શિતા હોવી જીએ, અમારા ભયનો જવાબ મળવો જોઈએ , અમને જાણકારી મળવી જોઈએ કે આગળ અમારે શું પગલા લેવાના છે અને ત્યાં સુધી વિદ્યાર્થીઓને ઓનલાઈન ક્લાસની સુવિધા મળવી જોઈએ.

(7:17 pm IST)