Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

લોન્ગ કોવિડના લક્ષણો વર્ષો સુધી દર્દીમાં જોવા મળે છે

કોરોનામાંથી સાજા થયેલા દર્દીઓ હજી પણ પરેશાન : આ અવધિ દરમિયાન ખાસ કરીને પુરતો આરામ, સ્વસ્થ ભોજન અને લાઇટ એક્સરસાઇઝની એક્સપર્ટ્સની તાકીદ

વોશિંગ્ટન, તા.૧૮ : કોરોના વાયરસ એક ઘાતક વાયરસ છે અને તેના ઇન્ફેક્શન બાદ સાજા થયેલા દર્દીઓને હજુ પણ લોન્ગ કોવિડના લક્ષણો પરેશાન કરી રહ્યા છે.

એવા લોકો જેઓને કોરોના થઇ ગયો હોય અને તેઓના રિપોર્ટ્સ નેગેટિવ આવ્યા હોવા છતાં તેઓના શરીરમાં લાંબા સમય સુધી કોવિડના લક્ષણો જોવા મળી રહ્યા છે. મેડિકલ ભાષામાં તેને લોન્ગ કોવિડ કહેવામાં આવે છે.

એક્સપર્ટ્સ અનુસાર, લોન્ગ કોવિડના લક્ષણો અઠવાડિયા અને મહિના સુધી નહીં પણ વર્ષ સુધી શરીરમાં દેખાઇ શકે છે. આ અવધિ દરમિયાન ખાસ કરીને પુરતો આરામ, સ્વસ્થ ભોજન અને લાઇટ એક્સરસાઇઝ કરવાની એક્સપર્ટ્સ તાકીદ કરે છે.

લોન્ગ કોવિડ દરમિયાન દેખાતા લક્ષણોમાં ખાંસી, થાક, તાવ અને કમજોરી વગેરે સામેલ છે.

 વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ડોક્ટર જેનેટ ડિયાઝે લોન્ગ કોવિડથી થતાં લક્ષણો વિશે માહિતી આપી છે. લોન્ગ કોવિડના લક્ષણો હૃદય માટે જોખમી સાબિત થઇ શકે છે. કોરોના શરીરના શ્વસનમાર્ગ જ નહીં અન્ય અવયવોને પણ નુકસાન પહોંચાડી શકે છે.

ડબલ્યુએચઓના અનુસાર, મોટાંભાગના દર્દીઓ જેઓને કોવિડ રિપોર્ટ્સ નેગેટિવ આવ્યા બાદ સંપુર્ણ રીતે સ્વસ્થ થઇ ગયા છે. જો કે, હાલના રિપોર્ટ્સને જોતાં ૧૦થી ૨૦ ટકા દર્દીઓમાં આંશિક કે લોન્ગ ટર્મ ઇફેક્ટ જોવા મળે છે.

કોરોનાના મધ્યમથી ગંભીર સંક્રમણના લક્ષણો મહિનાઓ સુધી શરીરમાં જોવા મળે છે. કેટલાંક દર્દીઓમાં થાક, શ્વાસ લેવામાં તકલીફ અને માસપેશીઓમાં દર્દના લક્ષણો જોવા મળે છે.

(7:15 pm IST)