Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

મુખ્‍તાર અન્‍સારી અને સંબંધીઓ પર EDનો શકંજોઃ ૧૧ ઠેકાણે પાડયા દરોડા

દિલ્‍હી અને ઉત્તરપ્રદેશના અન્‍સારીના ૧૧ ઠેકાણાઓ પર EDના દરોડાઃ અન્‍સારીના સીએ અને પરિવારજનો સહીત કેટલાક સહયોગીઓને ત્‍યાં પણ તપાસ

લખનૌ, તા.૧૮: ઉત્તર પ્રદેશના બાહુબલી નેતા મુખ્‍તાર અન્‍સારીના ઠેકાણાઓ પર હવે EDની કાર્યવાહી શરૂ કરવામાં આવી હોઇ ED દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે. EDની આ કાર્યવાહી દિલ્‍હી અને ઉત્તરપ્રદેશના મુખ્‍તાર અન્‍સારીના ૧૧ ઠેકાણાઓ પર ચાલી રહી છે. જાણકારી મુજબ આ કાર્યવાહી મુખ્‍તાર અન્‍સારીના સીએ અને પરિવારજનો સહીત કેટલાક સહયોગીઓને ત્‍યાં ચાલી રહી છે.

ઉત્તર પ્રદેશમાં લખનૌથી EDની ટીમ મુખ્‍તાર અન્‍સારીના ગાઝીપુરના મોહમ્‍મદબાદ સ્‍થિત ઘરે પહોંચી છે. આ ઉપરાંત ટાઉન હોલમાં ખાન બસ સર્વિસના માલિક, સોનાના વેપારી વિક્રમ અગ્રહરી અને પ્રોપર્ટી ડીલર ગણેશ દત્ત મિશ્રા પર પણ દરોડા પાડવામાં આવ્‍યા છે. ગણેશ દત્ત મિશ્રા, વિક્રમ અગ્રહરી અને મુસ્‍તાક ખાન મુખ્‍તાર અંસારીની નજીક છે. EDની ટીમે પોલીસ ફોર્સની સાથે તમામના ઘરને ઘેરી લીધા છે.

વિગતો મુજબ માફિયા મુખ્‍તાર અંસારીની મુશ્‍કેલીઓ વધુ વધી શકે છે. સાંસદ-ધારાસભ્‍ય કોર્ટે સંપત્તિના કેસમાં તેમની સામે આરોપો પણ ઘડ્‍યા છે. હવે આ મામલામાં આગામી સુનાવણી ૨૯ ઓગસ્‍ટે થશે. બુધવારે હાથ ધરાયેલી સુનાવણી દરમ્‍યાન સાંસદ-ધારાસભ્‍ય કોર્ટે અંસારી વિરુદ્ધ આરોપો ઘડ્‍યા છે. અદાલતે તેમની સામે દુશ્‍મન સંપત્તિના કેસમાં આરોપો ઘડ્‍યા છે. કોર્ટે મુખ્‍તારને કોર્ટમાં વ્‍યક્‍તિગત હાજરી પર આરોપોની સહી કરેલી નકલ આપવાનો પણ નિર્દેશ કર્યો છે.

(3:44 pm IST)