Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

જમ્‍મુ-કાશ્‍મીરમાં રહેતા બહારના લોકો પણ કરી શકશે મતદાન

ચૂંટણી પંચનો મહત્‍વનો નિર્ણય : મતદાર યાદીમાં નામ સામેલ કરવા માટે સ્‍થાનિક રહેઠાણનું પ્રમાણપત્ર જરૂરી નથી જમ્‍મુ-કાશ્‍મીરમાં તૈનાત સુરક્ષા દળોના જવાનો પણ મતદાર યાદીમાં નામ સામેલ કરીને મતદાન કરી શકે છે

નવી દિલ્‍હી, તા.૧૮: જમ્‍મુ-કાશ્‍મીરમાં ૨૦૨૩ સુધીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની શકયતા છે. આ પહેલા ચૂંટણી પંચે મોટી જાહેરાત કરી છે. જમ્‍મુ અને કાશ્‍મીરના મુખ્‍ય ચૂંટણી અધિકારી હૃદેશ કુમારે જણાવ્‍યું હતું કે રાજ્‍યમાં રહેતા બિન-કાશ્‍મીરીઓ તેમના નામ મતદાર યાદીમાં સામેલ કરાવીને પોતાનો મત આપી શકે છે. આ માટે તેમને રહેઠાણ પ્રમાણપત્રની જરૂર નથી. એટલું જ નહીં, તેમણે કહ્યું કે જમ્‍મુ-કાશ્‍મીરમાં સુરક્ષા માટે તૈનાત સુરક્ષા દળોના જવાનો પણ મતદાર યાદીમાં તેમના નામ સામેલ કરી શકે છે.

હૃદેશ કુમારે બુધવારે જણાવ્‍યું કે જમ્‍મુ-કાશ્‍મીરમાં આ વખતે લગભગ ૨૫ લાખ નવા મતદારોના નામ મતદાર યાદીમાં સામેલ થવાની શકયતા છે. તેમણે કહ્યું કે કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, મજૂરો અને કોઈપણ બિન-સ્‍થાનિક જે કાશ્‍મીરમાં રહે છે. તેઓ પોતાનું નામ મતદાર યાદીમાં સામેલ કરાવી શકે છે. તેમણે કહ્યું કે મતદાર યાદીમાં નામ સામેલ કરવા માટે સ્‍થાનિક રહેઠાણનું પ્રમાણપત્ર જરૂરી નથી. આ સિવાય જમ્‍મુ-કાશ્‍મીરમાં તૈનાત સુરક્ષા દળોના જવાનો પણ મતદાર યાદીમાં નામ સામેલ કરીને મતદાન કરી શકે છે.

હૃદેશ કુમારે કહ્યું કે જમ્‍મુ અને કાશ્‍મીરને વિશેષ દરજ્જો આપનાર કલમ ૩૭૦ નાબૂદ થયા બાદ પ્રથમ વખત મતદાર યાદીમાં વિશેષ સુધારો કરવામાં આવી રહ્યો છે. આવી સ્‍થિતિમાં આ વખતે મોટો ફેરફાર થવાની આશા છે. આટલું જ નહીં ત્રણ વર્ષમાં મોટી સંખ્‍યામાં યુવાનો ૧૮ વર્ષ કે તેથી વધુ ઉંમરના બની ગયા છે.

તેમણે કહ્યું કે ૧૫ સપ્‍ટેમ્‍બરથી મતદાર યાદીમાં નામ સામેલ કરવાની પ્રક્રિયા શરૂ થશે. જે ૨૫ ઓક્‍ટોબર સુધી ચાલશે. જો કે, દાવાઓ અને વાંધાઓનું નિરાકરણ ૧૦ નવેમ્‍બર સુધીમાં કરવામાં આવશે. હૃદેશ કુમારના જણાવ્‍યા અનુસાર, જમ્‍મુ અને કાશ્‍મીરમાં ૧૮ વર્ષથી વધુ ઉંમરના લગભગ ૯૮ લાખ લોકો છે, જ્‍યારે અંતિમ મતદાર યાદી મુજબ સૂચિબદ્ધ મતદારોની કુલ સંખ્‍યા ૭૬ લાખ છે.

નેશનલ કોન્‍ફરન્‍સના નેતા ઓમર અબ્‍દુલ્લાએ ટ્‍વીટ કર્યું કે શું ભારતીય જનતા પાર્ટી (BJP) J&Kના સાચા મતદારોના સમર્થનને લઈને એટલી અસુરક્ષિત છે કે તેને બેઠકો જીતવા માટે કામચલાઉ મતદારોને આયાત કરવાની જરૂર છે? જ્‍યારે J&Kના લોકોને તેમના મતાધિકારનો ઉપયોગ કરવાની તક આપવામાં આવે છે, ત્‍યારે આમાંથી કોઈ પણ વસ્‍તુ ભાજપને મદદ કરશે નહીં.

(11:06 am IST)