Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

લો બોલો! અમેરિકાના રસ્‍તાઓ પર નીકળ્‍યું ‘બાબાનું બુલડોઝર'

મુખ્‍ય પ્રધાન યોગી આદિત્‍યનાથની સરકારમાં ગુનેગારોની સંપત્તિ પર ચાલતું બુલડોઝર અમેરિકામાં પણ લોકપ્રિય બન્‍યું છે

ન્‍યુજર્સી,તા.૧૮ : ભારત આ વર્ષે આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી કરી રહ્યું છે. ૧૫ ઓગસ્‍ટના રોજ, સમગ્ર વિશ્વમાં ભારતીયોએ સ્‍વતંત્રતા દિવસની ઉજવણી કરી હતી. આ દરમિયાન અમેરિકામાં વસતા ભારતીય સમુદાયે ન્‍યુ જર્સીમાં તિરંગા યાત્રા પણ કાઢી હતી. આમાં ‘બાબાનું બુલડોઝર' પણ બહાર કાઢવામાં આવ્‍યું હતું. મુખ્‍ય પ્રધાન યોગી આદિત્‍યનાથની સરકારમાં ગુનેગારોની સંપત્તિ પર ચાલતું બુલડોઝર અમેરિકામાં પણ લોકપ્રિય બન્‍યું છે. ત્‍યાં પણ લોકો રસ્‍તાઓ પર બાબાનું બુલડોઝર ચલાવીને રેલી કાઢી રહ્યા છે.
અમેરિકાના ન્‍યુ જર્સીમાં તિરંગા યાત્રા દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્‍ય પ્રધાન યોગી આદિત્‍યનાથનું ‘બુલડોઝર'જોવા મળ્‍યું હતું. તિરંગા યાત્રા દરમિયાન લોકોએ બુલડોઝર ચલાવીને આઝાદીની ઉજવણી કરી હતી. ન્‍યુ જર્સીના રસ્‍તાઓ પર લોકોએ બાબાના બુલડોઝર સાથે મોટી રેલી કાઢી હતી. જેમાં ત્‍યાં રહેતા ભારતીય સમુદાયે પૂરા ઉત્‍સાહ સાથે ભાગ લીધો હતો. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ દરમિયાન ન્‍યૂ જર્સીની સડકો પર સીએમ યોગી ઝિંદાબાદ અને બુલડોઝર બાબા ઝિંદાબાદના નારા સંભળાયા હતા. બાબાના બુલડોઝર પર ઉત્તર પ્રદેશના મુખ્‍ય પ્રધાન યોગી આદિત્‍યનાથ અને વડાપ્રધાન મોદીના ફોટાવાળા પોસ્‍ટર પણ લગાવવામાં આવ્‍યા હતા.
નોંધનીય છે કે એડિશન ટાઉનશીપ, ન્‍યુજર્સીમાં મોટી સંખ્‍યામાં ભારતીયો રહે છે. સ્‍વતંત્રતા દિવસે આ બધાએ મળીને ત્રિરંગા યાત્રાનું આયોજન કર્યું હતું.

 

(10:55 am IST)