Gujarati News

Gujarati News

News of Sunday, 18th August 2019

ભારતીય ટીમને ખતમ કરવાની ધમકી :પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને આવ્યો ઈમેલ ;ટીમની સુરક્ષા વધારાઈ

પીસીબીએ બીસીસીઆઈને માહિતી આપતા બોર્ડે ગૃહમંત્રાલયને જાણ કરી :ઈમેલ બાદ ત્રણ દિવસ સુધી મીટિંગોનો ધમધમાટ

નવી દિલ્હી :ભારતીય ક્રિકેટ ટીમને ખતમ કરી નાખવાની ધમકી મળી છે. આ કારણે વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસે ગયેલી ટીમની સુરક્ષા વધારી દેવાઈ છે
  ઇન્ડિયા ટીવીના રિપોર્ટ પ્રમાણે ભારતીય ટીમને ખતમ કરવાની ધમકીનો ઇ-મેલ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ(પીસીબી) પાસે આવ્યો હતો. પીસીબીએ બીસીસીઆઈને જાણ કરી હતી. આ પછી ભારતીય બોર્ડે ગૃહ મંત્રાલયને મામલાની જાણકારી આપી હતી. આ કારણે ટીમની સુરક્ષા વધારી દેવામાં આવી છે.
    વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ બોર્ડને પણ આ વિશે જાણ કરી દેવામાં આવી છે. વિન્ડીઝ બોર્ડે દરેક સંભવ મદદનો ભરોસો આપ્યો છે. રિપોર્ટમાં કહેવાયું છે કે ટીમ ઇન્ડિયાના મેનેજર સુનીલ સુબ્રમણ્યમે બધા ખેલાડીઓને આ વિશે જણાવી દીધું છે અને ખેલાડીઓને સાવધાન રહેવા કહ્યું છે. સાથે ક્યાંક બહાર જાય તો સૂચના આપવા કહ્યું છે.

ધમકી ભર્યો ઇ-મેલ સામે આવ્યા પછી ત્રણ દિવસ મીટિંગ કરવામાં આવી હતી. જેમાં વિન્ડીઝ બોર્ડ સિવાય ખેલાડીઓ સાથે અલગથી મિટિંગ કરવામાં આવી હતી. હાલ ભારતીય ટીમ એન્ટીગામાં છે. જ્યાં તે 22 ઓગસ્ટથી પ્રથમ ટેસ્ટ રમશે

(10:54 pm IST)