Gujarati News

Gujarati News

News of Sunday, 18th August 2019

મંદીગ્રસ્ત ઓટો મોબાઇલને પેકેજ આપવા માટેની તૈયારી

લોકોની નોકરીને બચાવવા મોદી પેકેજ આપશે : નાણા અને ઉદ્યોગ મંત્રાલયને આંકડા આપવા માટે આદેશ

નવી દિલ્હી, તા. ૧૮ : ઓટો સેક્ટરમાં પ્રવર્તી રહેલી મંદીના પરિણામ સ્વરુપે મોટાપાયે છટણીના અહેવાલ આવી રહ્યા છે. આ અહેવાલોને લઇને પીએમઓ ભારે પરેશાન છે. સુત્રોના કહેવા મુજબ પીએમઓ દ્વારા હવે નાણાં અને ભારે ઉદ્યોગ મંત્રાલય પાસેથી આ અંગેના આંકડા માંગ્યા છે. સાથે સાથે ઓટો સેક્ટર માટે રાહત પેકેજ બનાવવા માટેની સૂચના પણ આપી છે જેથી નોકરીઓને બચાવી શકાય. સેક્ટરને ફંડ વધારવા, ડીલરોને ૬૦ની જગ્યાએ ૯૦ દિવસ માટે લોન આપવા અને કેટલાક સમય માટે ટેક્સ છુટછાટ આપવા જેવી રાહતો પર વિચારણા કરવામાં આવનાર છે. આર્થિક સંકટનો નિકાલ લાવવા માટે બેઠકોનો દોર ચાલી રહ્યો છે. મંદીની અસરથી બહાર કાઢવા માટે નાણામંત્રાલય ઓટો, રિયાલીટી સહિતના જુદા જુદા ક્ષેત્રોના પ્રતિનિધિઓ સાથે વાતચીતમાં વ્યસ્ત છે.

        ઓટો મેન્યુફેક્ચર્સ સંગઠનનું કહેવું છે કે, મંદીના કારણે ઓટો કંપનીઓ હજુ સુધી ૨૦૦૦૦ લોકોને નોકરીમાંથી છુટા કરી ચુકી છે જ્યારે ૧૩ લાખ લોકોની નોકરી ઉપર તલવાર લટકી રહી છે. દિલ્હીના વેપારીઓએ કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરને મળીને આ સમસ્યા ઉપર ચર્ચા કરી હતી. વેપારીઓએ રજૂઆત કરી હતી કે, ઓટોના મોટાભાગના પાર્ટ ઉપર ૨૮ ટકા જીએસટી લાગે છે. સામાન્ય લોકોની જરૂરિયાતને ધ્યાનમાં લઇને ઓટો પાર્ટ્સને લકઝરી સ્લેબમાં રાખવા જોઇએ નહીં. વેપારીઓએ ઓટો પાર્ટ્સ પર જીએસટીના દરને ૧૮ ટકા અથવા તો ૧૨ ટકાના સ્લેબમાં લાવવાની માંગ કરી છે. સાથે સાથે જુની ગાડીઓ માટે સ્ક્રેપ પોલિસી માટેની પણ માંગ કરી છે. રાજ્યસભાના સાંસદ સંજયસિંહના નેતૃત્વમાં યોજાયેલી મુલાકાતમાં ટોપના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

          સીટીઆઈના કન્વીનર બ્રજેશ ગોયેલે કહ્યું હતું કે, મિટિંગમાં ઓટો મોબાઇલ સેક્ટરમાં આવી રહેલી મંદી ઉપર ચર્ચા કરવામાં આવી હતી. આ સેક્ટરમાં મોટી સંખ્યામાં લોકોની નોકરીઓ જઇ રહી છે. માંગમાં ઘટાડો થવાના કારણે ઉત્પાદનમાં ઘટાડો થઇ રહ્યો છે. વેપારીઓના કહેવા મુજબ ઓટો મોબાઇલ સેક્ટરમાં ખતમ થઇ રહેલી નોકરીઓને ધ્યાનમાં લઇને કેન્દ્ર સરકાર ઓટો મોબાઇલ વેલ્ફેર બોર્ડની રચના કરવા ઇચ્છુક છે. સાથે સાથે ઓટો મોબાઇલ કંપનીઓની સાથે ઓટો રિપ્લેશમેન્ટ પાર્ટ્સ સાથે વેપારીઓને સામેલ કરવા માટે કહેવામાં આવ્યું છે. આનાથી કારોબારીઓની પરેશાની સરકાર સુધી પહોંચી જશે. જીએસટીની તારીખ ૩૧મી ડિસેમ્બર કરવા માટેની રજૂઆત પણ કરવામાં આવી રહી છે.

(7:54 pm IST)