Gujarati News

Gujarati News

News of Sunday, 18th August 2019

શેરબજારમાં પ્રવાહી સ્થિતિ રહેવા માટે ભણકારા : કારોબારી ચિંતિત

એફપીઆઈ પ્રવાહ, સ્ટીમ્યુલસ પેકેજને લઇને ચર્ચાઓનો દોર : ડોલર સામે રૂપિયામાં છેલ્લા સપ્તાહમાં ૩૫ પૈસાથી વધુનો ઘટાડો થયા બાદ ટ્રેડ વોરને લઇને ચિંતા અકબંધ : કારોબારીઓ જોખમ લેવા માટે તૈયાર નથી

મુંબઈ, તા. ૧૮ : શેરબજારમાં જુદા જુદા પરિબળોની અસર જોવા મળે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. બજારની દિશા નક્કી કરવામાં જે પરિબળો ભૂમિકા અદા કરનાર છે તેમાં આરબીઆઈની બેઠક, એફપીઆઈના આંકડા, સરકારના સંભવિત સ્ટીમ્યુલસ પેકેજ, ડોલર સામે રૂપિયાની ચાલ અને વૈશ્વિક ઘટનાક્રમનો સમાવેશ થાય છે. છેલ્લા સપ્તાહમાં સેંસેક્સમાં ૨૩૧ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૩૭૩૫૦ રહી હતી. નિફ્ટી ઇન્ડેક્સમાં ૬૨ પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. સ્થાનિક શેરબજારમાં ૧૨મી અને ૧૫મી ઓગસ્ટના દિવસે ક્રમશઃ બકરી ઇદ અને સ્વતંત્રતા દિવસની રજા રહી હતી. આવતીકાલથી શરૂ થતાં નવા કારોબારી સેશનમાં તેજી રહી શકે છે. આરબીઆઈ દ્વારા હવે ૨૧મી ઓગસ્ટના દિવસે ઓગસ્ટની નાણાંકીય નીતિ સમીક્ષાના આંકડા જારી કરવામાં આવશે.

          રિઝર્વ બેંકે હાલમાં જ બેંચમાર્ક રેપોરેટમાં ૩૫ બેઝિક પોઇન્ટનો ઘટાડો કર્યો હતો. વિદેશી મૂડીરોકાણકારોએ પહેલી જુલાઈથી ૯મી ઓગસ્ટ વચ્ચેના ગાળામાં ૨૩૫૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. ઓટો ઇન્ડસ્ટ્રીની હાલત કફોડી બનેલી છે ત્યારે જુદા જુદા પેકેજની વાત થઇ રહી છે. ઓટો ઇન્ડસ્ટ્રીમાં પ્રાણ ફૂંકવા માટે પેકેજની જાહેરાત થઇ શકે છે. આના ભાગરુપે પીએમઓ દ્વારા હવે નાણાં અને ભારે ઉદ્યોગ મંત્રાલય પાસેથી આ અંગેના આંકડા માંગ્યા છે. સાથે સાથે ઓટો સેક્ટર માટે રાહત પેકેજ બનાવવા માટેની સૂચના પણ આપી છે જેથી નોકરીઓને બચાવી શકાય. સેક્ટરને ફંડ વધારવા, ડીલરોને ૬૦ની જગ્યાએ ૯૦ દિવસ માટે લોન આપવા અને કેટલાક સમય માટે ટેક્સ છુટછાટ આપવા જેવી રાહતો પર વિચારણા કરવામાં આવનાર છે. આર્થિક સંકટનો નિકાલ લાવવા માટે બેઠકોનો દોર ચાલી રહ્યો છે. મંદીની અસરથી બહાર કાઢવા માટે નાણામંત્રાલય ઓટો, રિયાલીટી સહિતના જુદા જુદા ક્ષેત્રોના પ્રતિનિધિઓ સાથે વાતચીતમાં વ્યસ્ત છે.

           ઓટો મેન્યુફેક્ચર્સ સંગઠનનું કહેવું છે કે, મંદીના કારણે ઓટો કંપનીઓ હજુ સુધી ૨૦૦૦૦ લોકોને નોકરીમાંથી છુટા કરી ચુકી છે જ્યારે ૧૩ લાખ લોકોની નોકરી ઉપર તલવાર લટકી રહી છે. બીજી બાજુ મંદી વચ્ચે કંપનીઓ દ્વારા જીએસટી ઘટાડાના સ્વરુપમાં ચોક્કસ સેક્ટરોમાં સ્ટીમ્યુલસની માંગ પણ થઇ રહી છે. ઇન્ડસ્ટ્રીએ સુપરરિચ ઉપર ઇન્કમટેક્સ સરચાર્જને રોલબેક કરવાની માંગ થઇ રહી છે. વિદેશી મૂડીરોકાણકારોએ ઓગસ્ટ મહિનાના પ્રથમ હાફમાં મૂડી માર્કેટમાંથી નેટ આધાર પર ૮૩૧૯ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. આની સાથે જ ભારતીય માર્કેટમાંથી જંગી નાણાં પાછા ખેંચવાનો સિલસિલો જારી રહ્યો છે. એફપીઆઈ ટેક્સ અને ગ્લોબલ ટ્રેડ ચિંતાને લઇને અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે જેના કારણે વિદેશી મૂડીરોકાણકારો ચિંતાતુર દેખાઈ રહ્યા છે. ડિપોઝિટરી ડેટાના જણાવ્યા મુજબ વિદેશી પોર્ટફોલિયો ઇન્વેસ્ટરો દ્વારા ૧-૧૬મી ઓગસ્ટના ગાળા દરમિયાન નેટ આધાર પર ૧૦૪૧૬.૨૫ કરોડ રૂપિયાની ઇક્વિટીનું વેચાણ કર્યું છે. આ ઉપરાંત ડોલર સામે રૂપિયાની ચાલ ઉપર પણ તેની અસર રહેશે. સાપ્તાહિક આધાર પર ગયા સપ્તાહમાં ડોલર સામે રૂપિયામાં ૩૫ પૈસાનો ઘટાડો થયો હતો.

(7:48 pm IST)