Gujarati News

Gujarati News

News of Sunday, 18th August 2019

હવે શોએબ અખ્તરે કલમ ૩૭૦ હટાવવાનો વિરોધ કર્યો

ઇસ્લામાબાદ,તા.૧૮: કેન્દ્ર સરકારે જ્યારથી કાશ્મીરમાંથી કલમ  ૩૭૦ અને ૩૫ એ હટાવ્યો છે ત્યારથી સમગ્ર પાકિસ્તાન ગુસ્સામાં છે. પાકિસ્તાન તરફથી દરરોજ કોઇને કોઇ નિવેદન સામે આવી રહ્યું છે. શાહિદ આફ્રીદી બાદ હવે શોએબ અખ્તરે કલમ ૩૭૦ હટાવવા પર પોતાનું નિવેદન આપ્યું છે.

પાકિસ્તાનનો શાનદાર બોલર અને રાવલપિંડી એક્સપ્રેસના નામથી જાણીતો શોએબ અખ્તરે જમ્મુ કાશ્મીરથી ૩૭૦ હટાવવા પર વિરોધ કર્યો છે. અખ્તરે એ જ ખોટો દાવો કર્યો જે મોટાભાગે પાકિસ્તાની સરકાર કરતી આવી છે કે કાશ્મીરમાં ભારત સરકાર નાગરિકો પણ અત્યાચાર કરી રહી છે.  અખ્તરે સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો છે, જેમાં એક બાળકીનો ફોટો છે. જેની એક આંખ પર પટ્ટી બાંધેલી છે. એ ફોટા પર લખ્યું છે, તમે ત્યાગને પરિભાષિત કરો છો. અમે તમારી આઝાદી માટે પ્રાર્થના કરીએ છીએ અને આ હેતુ માટે જીવવું શાનદાર છે.

પાકિસ્તાન સરકારે હંમેશા જમ્મુ કાશ્મીરને ભારતમાં સામેલ કરવા માટે આપત્તિ વ્યક્ત કરી છે. ૩૭૦ હટાવવા પર પાકિસ્તાન ભડક્યું છે. ઇમરાન ખાને સરકારે ભારતની સાથે કૂટનીતિક સંબંધોમાં ઘટાડો કર્યો છે. ભારતીય ઉચ્ચાયુક્ત અજય બિસારિયાને પાકિસ્તાને હાંકી કાંઢ્યા છે. આ ઉપરાંત ભારત અને પાકિસ્તાનની વચ્ચે સમજૌતા એક્સપ્રેસને પણ રદ કરી દેવામાં આવી છે. આ પગલા બાદ ભારતે દિલ્હીથી અટારીની વચ્ચે ચાલતી લિંક એક્સપ્રેસને રદ કરી દીધી. આ ઉપરાંત બંને દેશોની વચ્ચે દિલ્હી લાહોર સહિત અન્ય બસ સેવાઓને પણ બંધ કરી દેવામાં આવી છે.

એ યાદ રહે કે  આ પહેલા પૂર્વ પાકિસ્તાની ખેલાડી આફ્રિદીએ  ટ્વિટર કરીને કહ્યું હતું કે, 'કાશ્મીરીઓને સંયુક્ત રાષ્ટ્ર પ્રસ્તાવ અંતર્ગત તેમના અધિકારો મળવા જોઇએ. જે રીતે આપણા બધા પાસે આઝાદીનો અધિકાર છે એ જ રીતે.યુએન કેમ બનાવવામાં આવ્યું અને તે ઊઁઘી રહ્યું છે. કાશ્મીરમાં માનવતા વિરુદ્ધ જે ઉશ્કેરણી વિનાના અપરાધ અને દખલગીરિ કરવામાં આવી રહી છે તે જોવું જરૂરી છે. અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખે મધ્યસ્થતા કરવી જોઇએ.'

 

(1:26 pm IST)