Gujarati News

Gujarati News

News of Sunday, 18th August 2019

'વખાણી ખીચડી દાઢે ચોંટી':તેલંગાણાનો બેસ્ટ કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો :સ્વતંત્રતા દિવસે મળ્યો હતો અવોર્ડ

સર્વશ્રેષ્ઠ કોન્સ્ટેબલ પુરસ્કારથી સન્માનિત તિરુપતિ રેડ્ડી 24 કલાક બાદ 17 હજારની લાંચ લેતા ઝડપાયો

હૈદરાબાદઃ તેલંગાણાના એક કોન્સ્ટેબલે 'વખાણી ખીચડી દાઢે ચોંટી' કહેવત સાચી પાડી છે. 24 કલાક પહેલા સર્વશ્રેષ્ઠ કોન્સ્ટેબલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલ પોલીસવાળો 24 કલાક બાદ જ લાંચ લેતાં ઝડપાઈ ગયો. લાંચ લેતા પકડાયેલ આ કોન્સ્ટેબલનું નામ તિરુપતિ રેડ્ડી છે. તે તેલંગાણાના મહબૂબ નગર સ્થિત આઈ-ટાઉન પોલીસ સ્ટેશનમાં તહેનાત હતો. જેને એન્ટી કરપ્શન બ્યૂરોએ 17 હજાર રૂપિયા રોકડ લેવાના એક મામલામાં ઝડપી પાડવામાં આવ્યો છે.

 તિરુપતિ રેડ્ડીને સ્વતંત્રતા દિવસે આબકારી મંત્રી વી શ્રીનિવાસ ગૌડેથી સન્માન અને પ્રશસ્તિ પત્ર મળ્યાં હતાં. રેડ્ડીને જિલ્લા પોલીસ અધીક્ષક રેમિની રાજેશ્વરીની હાજરીમાં આ અવોર્ડ આપવામાં આવ્યો હતો. પરંતુ અવોર્ડ મળ્યાના એક જ દિવસ બાદ તે લાંચ લેતા ઝડપાયો.  આ કોન્સ્ટેબલને રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. તેમના પર આરોપ છે કે તેમણે એક શખ્સ વિરુદ્ધ મામલો ન નોંધવાના બદલે લાંચ લીધી હતી.

એન્ટી કરપ્શન બ્યૂરોએ કોન્સ્ટેબલ તિરુપતિ રેડ્ડીને 17000 રોકડા રૂપિયા સાથે પકડી પાડ્યો. તેની વિરુદ્ધ ફરિયાદ કરનાર રમેશે દાવો કર્યો કે કોન્સ્ટેબલ તેમને સતત પરેશાન કરી રહ્યો હતો. તેમણે કહ્યું કે તેની પાસે કાયદેસરના દસ્તાવેજ હોવા છતાં તેની પાસેથી રેતીના ટ્રાન્સપોર્ટ માટે લાંચ માંગવામાં આવી. રેડ્ડીને એસીબીની કોર્ટમાં રજૂ કર્યા બાદ ન્યાયિક હિરાસતમાં મોકલી આપવામાં આવ્યો છે.

  એન્ટી કરપ્શન બ્યૂરોના ડીએસપી એસ કૃષ્ણ ગૌડે પત્રકારોને જણાવ્યું કે કોન્સ્ટેબલ પર આરોપ છે કે તે વેંકટાપુર ગામના નિવાસી રમેશને એક વર્ષથી હેરાન કરી રહ્યો હતો. રમેશને ટ્રેક્ટરથી રેતીની સપ્લાય બદલ લાંચ આપવા માટે કહી રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે પાછલા મહિને એન્ટી કરપ્શન અધિકારીઓએ એક રાજસ્વ અધિકારીઓના ઘરેથી 93.5 લાખ રોકડ અને 400 ગ્રામ સોનું પકડી પાડ્યું હતું.

(12:00 am IST)