Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

શેલ્ટર હોમ રેપમાં વધુ એક મંત્રીના રાજીનામાની માંગ

નીતિશકુમાર તેમજ સુશિલ મોદી ઉપર તેજસ્વીએ દબાણ વધાર્યું : ટૂંક સમયમાં જ નામ જાહેર થાય તેવી સંભાવના : મંત્રીનું નામ જાહેર નહીં થતા હાલમાં સસ્પેન્સ

મુજફ્ફરપુર, તા.૧૮  : બિહારના મુજફ્ફરપુર શેલ્ટર હોમ રેપ કેસમાં મુખ્ય આરોપી બ્રજેશ ઠાકુરના સાથીઓના નામ સપાટી ઉપર આવી ચુક્યા છે ત્યારે એક મંત્રીનું નામ પણ સપાટી પર આવતા વિપક્ષે આકરા પ્રહારો કર્યા છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને બિહારમાં વિપક્ષના નેતા તેજસ્વી યાદવે આ મંત્રી તરફ ઈશારો કરતા કહ્યું છે કે મુખ્યમંત્રી નીતિશ કુમારે આ મંત્રીને પણ તરત દુર કરી દેવા જોઈએ. જોકે પોતાના ટ્વીટમાં તેજસ્વીએ કોઈપણ પ્રધાનના નામનો ઉલ્લેખ કર્યો નથી. તેજસ્વીએ ટ્વીટ કરીને કહ્યું છે કે તેઓ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને બીજા મંત્રીને પણ દુર કરવાની માંગ કરે છે. મુજફ્ફરપુર શેલ્ટર હોમના મુખ્ય આરોપી બ્રજેશ ઠાકોર સાથે આ મંત્રીના ખૂબ નજીકના સંબંધો રહેલા છે. તેજસ્વીએ કહ્યું છે કે નીતિશકુમાર અને સુશિલ મોદી મંત્રીને તરત દુર કરે તેવી અમારી માંગ રહેલી છે. છેલ્લા કેટલાક દિવસથી પોલીસ દ્વારા ઉંડી તપાસ કરવામાં આવી રહી છે. શહીદ ફુદીરામ બોઝ સેન્ટ્રલ જેલમાં એકાએક ચકાસણી કરવામાં આવી ચુકી છે. આ ગાળા દરમિયાન બ્રજેશ ઠાકોરની ચકાસણી થઈ હતી. બ્રજેશ ઠાકોરની સંબંધિત કેસ સંબંધિત દસ્તાવેજો મળ્યા છે. તેની પાસેથી ૪૦ ફોન નંબર પણ મળી આવ્યા છે. આ ફોન નંબરમાં બિહારના એક મંત્રીના નંબર પણ મળી આવ્યા છે. દસ્તાવેજો મળી આવ્યા બાદ અહીં તૈનાત કરવામાં આવેલા ત્રણ પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હાલમાં જ દરોડા પાડવામાં આવ્યા હતા. અત્રે નોંધનિય છે કે સીબીઆઇ તપાસની બાબત પૂર્વ સમાજ કલ્યાણ પ્રધાન મંજુ વર્મા સુધી પહોંચી ગઇ છે. સીબીઆઇની ટીમ દ્વારા મુઝફ્ફરપુર શેલ્ટર હોમ  કેસને લઇને ગઈકાલે મંજુ વર્માના પટણા આવાસ પર બેગુસરાય સ્થિત આવાસ પર એકસાથે દરોડા પાડ્યા હતા. જેના કારણે રાજકીય વર્તુળોમાં ખળભળાટ ફેલાઇ ગયો હતો. બિહારના મુઝફ્ફરપુરમાં શેલ્ટર હોમમાં ૩૪ યુવતિઓ સાથે રેપનો ખુલાસો થયા બાદ હવે રાજકીય ગરમી વધી ગઇ છે. તાતા ઇન્સ્ટીટ્યુટ ઓફ સોશિયલ સાયન્સના રિપોર્ટ આવ્યા બાદ આ ચકચારી કેસનો ખુલાસો થયો છે.

 

(7:27 pm IST)