Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

જબરો વિવાદ

પાક. આર્મી ચીફને ભેટયા સિધ્ધુ : POK રાષ્ટ્રપતિ સાથે બેઠા

ઇમરાન ખાનની શપથવિધિમાં પહોંચેલા નવજોત સિધ્ધુ વિવાદમાં : સોશ્યલ મીડિયા ઉપર ટીકાઓનો વરસાદ : સિધ્ધુના ફોટા - વિડિયો વાયરલ થતાં કોંગ્રેસ મુશ્કેલીમાં : અસહજ સ્થિતિ : ભાજપે આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી

ઇસ્લામાબાદ તા. ૧૮ : ઇમરાન ખાનના પાકિસ્તાનના ૨૨માં વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા છે. તેના શપથગ્રહણ સમારોહમાં ભાગ લેવા માટે ભારતમાંથી પૂર્વ ક્રિકેટર અને પંજાબના મંત્રી નવજોતસિંહ સિધ્ધુ પહોંચ્યા. સમારોહમાં પહોંચેલા સિધ્ધુએ પાકિસ્તાની સેનાના ચીફ કમર જાવેદ બાજવાના ગળે મળ્યા. સમારોહ દરમિયાન તેઓને પીઓકે એટલે કે પાક. અધિકૃત કાશ્મીરના રાષ્ટ્રપતિ મસૂદ ખાનની બાજુમાં બેસાડવામાં આવ્યા. ભારત અને પાક. વચ્ચે પીઓકે અંગે વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે. પીઓકેને ભારત સરકાર માન્યતા આપતી નથી. સિધ્ધુનું બાજવાનું ગળે મળવું એ દેશમાં તીખી ટીકા થઇ રહી છે.

સિધ્ધુએ બાજવાને ગળે મળીને તેમના પક્ષ કોંગ્રેસને અસહજ અવસ્થામાં મૂકી દીધું છે તેનું આમ કરવું કોંગ્રેસના એક પ્રવકતાને પસંદ આવ્યું નથી. પ્રવકતા રાશિદ અલ્વીને એક ચેનલ પર કહ્યું, જો તેઓ મારી સલાહ લીધી હોત તો તેને પાકિસ્તાન જવાની મનાઇ કરી હોત તેઓ મિત્રતાના લીધે ગયા છે, પરંતુ મિત્રતા દેશથી મોટી ન હોય. સરહદ આપણા જવાનો મરી રહ્યા છે. એવામાં પાકિસ્તાન સેનાના ચીફને સિધ્ધએ ગળે લગાડયા એ ખોટો સંદેશ આપે છે.

ભારત સરકારે તેમને પાકિસ્તાન જવાની સંમતિ આપવી જોઇએ નહિ. ભારત સરકારની સંમતિથી તેઓ પાકિસ્તાન ગયા છે.

ઇમરાનખાને ફોન પર સિધ્ધુને શપથગ્રહણ સમારોહમાં સામેલ થવાનું આમંત્રણ આપ્યું હતું. જેને તેઓએ સ્વીકાર કરીને પાડોશી દેશ જવાનો નિર્ણય લીધો. જોકે તેમની યાત્રાનો ભારતમાં ખૂબ જ વિરોધ થયો હતો. ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું હતું જે પાકિસ્તાન જશે તેને ગદ્દાર કહેવાશે તેમ છતાં તે સમારોહમાં ભાગ લેવા ગયા. સિધ્ધુ ઉપરાંત ભારતીય ક્રિકેટના ભૂતપૂર્વ ખેલાડી કપિલ દેવ અને સુનીલ ગાવસ્કરને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું હતું જેને તેઓએ અસ્વીકાર કરી લીધું હતું. જોકે સિધ્ધુનું કહેવું હતું કે, તેઓ અમનનો સંદેશ લઇને પાડોશી દેશ ગયા છે. તેનું એ પણ કહેવું હતું કે, જોડનારનું કદ હંમશા મોટું હોય છે.(૨૧.૨૩)

(2:54 pm IST)