Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

કર્ણાટકના કોડાગુના હાલ બેહાલ લશ્કર-નેવી મદદે દોડયા

નૈકાદળના ડાઇવરોએ ૮૭૩ નાગરિકોને બચાવી લીધાઃ ડોગરા રેજીમેન્ટના ૬૦ જવાનો ખડેપગે

કોડાગુ તા.૧૮: કેરાળા જયારે દાયકાઓના ખરાબ પુર પરિસ્થિતી સામે ઝઝુમી રહયું છે ત્યારે પડોશી રાજય કર્ણાટકમાંમાં અવિરત વરસાદના કારણે પુરની સ્થિતી બદથી બદતર થઇ ગઇ છે. બેંગ્લોરથી ર૫૦ કિ.મી. દૂર આવેલ કોડાકુ જિલ્લો જુનના પહેલા સપ્તાહથી નૈઋયના વરસાદને સોૈથી પ્રભાવિત જિલ્લાઓમાંનો એક છે.

કર્ણાટક સરકારે રાજયના પુર પ્રભાવિત જિલ્લાઓમાં બચાવ અને રાહત કાર્ય માટે સેના અને નેવીની મદદ માગી છે. મુખ્ય પ્રધાન કાર્યાલયમાંથી અપાયેલ સ્ટેટમેન્ટ પ્રમાણે ડોગરા રેજીમેન્ટના ૬૦ જવાનો અને નેવીના ૧૨ નિષ્ણાંત ડાઇવરોએ પુર પ્રભાવિત જિલ્લામાં પાણીમાં ફસાયેલા ૮૭૩ વ્યકિતઓને બચાવી લીધા છે, જયાં આખી રાત વરસેલા વરસાદના લીધે લેન્ડ સ્લાઇડીંગ અને નિચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો થયો છે.

પરિસ્થિતીના નિરીક્ષણ અને બચાવ કામગીરીની સમીક્ષા માટે મુખ્યપ્રધાન કુમારસ્વામી કોડાગુની મુલાકાતે શનિવારે જવાના છે. જયાં લેન્ડસ્લાઇડીંગની ઘટનાના કારણે ગુરૂવારે ૪ મોત થયા હતા. કોડાગુમાં લગભગ ૫૭૩ લોકોને સ્થળાંતરિત કરીને રાજય સરકાર દ્વારા બનાવાયેલ ૧૭ રાહત કેમ્પમાં મોકલાયા હતા.

લોકોના બચાવ અને સ્થળાંતર કરીને સુરક્ષિત જગ્યાએ પહોંચાડવા માટે સેનાએ ૭૩ બોટ, જરૂરી સાધનો અને રાફટ મોકલી આપ્યા છે. પહાડી જિલ્લાના મડીકેરીમાં બચાવ અને રાહત કામગીરી માટે બોટ અને સાધન સામગ્રી સાથે એનડીઆરએફના ૬૦ જવાનો સાથે સીવીલ ડીફેન્સના ૪૫ સભ્યો પણ જોડાયા છે.

રાજય અગ્નિશામક દળના ૨૦૦ જવાનો તેમની બોટ અને સામગ્રી દ્વારા પુર પ્રભાવીત શહેરો અને ગામડાઓમાં બચાવ કામગીરી કરી રહયા છે. ભારે વરસાદ અને સખ્ત પવનના લીધે ટેલીફોનના થાંંભલાઓ અને લાઇનો ઉખડી જવાથી ટેલીફોન સેવાઓ પણ બંધ થઇ છે, જેને યુધ્ધના ધોરણે ચાલુ કરવામાં આવશે. હેમ ઓપરેટરોની મદદ લેવાઇ રહી છે. વિજ પુરવઠાના પુનઃસ્થાપનની કામગીરી પણ તરત જ શરૂ કરાશે.

કર્ણાટક અને કેરળ વચ્ચેની રાજય અને આંતરરાજય બસ અને ટ્રેન સેવાઓ લેન્ડ સ્લાઇડીંગ અને રસ્તા અને પાટા પર પાણી ભરાઇ જવાના કારણે રોકી દેવાઇ છે. મૈસુર અને ચમારજ નગરથી ઉટી અને કુન્નુર હીલસ્ટેશનની બસ સેવાઓ ઘાટ વિભાગમાં પુર અને વૃક્ષો પડવાને કારણે સ્થગિત કરી દેવાઇ છે.

અસરગ્રસ્ત જિલ્લાઓમાં શનિવારે પણ ટ્રેન અને બસ સેવાઓ બંધ હોવાના કારણે શાળા કોલેજો બંધ રહેશે. રાજયના હવામાન ખાતાએ દરિયાકાંઠામાં, દક્ષિણ અને ઉત્તરના અંતરિયાળ વિસ્તારોમાં રવિવાર સુધી હળવાથી ભારે વરસાદની ચેતવણી આપી છે.(૧.૧૯)

ઉતર કર્ણાટકમાં કુદરતનો કેર

- ૨૦૦ લોકોને રિલીફ કેમ્પમાં ખસેડાયા

- ૬ જિલ્લામાં પુરની સ્થિતિ

- પુરમાં ૧૪ લોકોના મોત

- કોડાગુ જિલ્લામાં સોૈથી વધુ તબાહી

- હાઇ-વે પર ભુસ્ખલનની ઘટના

- વાહનવ્યવહાર કરાયો બંધ

-નદીઓ વહી રહી છે બે કાંઠે

- સર્જાઇ પુરની સ્થિતિ

(2:15 pm IST)