Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

લૂંટ અને ચોરીના બનાવો અટકાવવા માટે શહેરી વિસ્‍તારમાં રાત્રિના ૯ વાગ્‍યા બાદ ATMમાં કેશ નહીં ભરાયઃ ગ્રામ્ય વિસ્‍તારમાં સાંજે ૬ વાગ્‍યા બાદ ATMમાં કેશ નહીં ભરવામાં નહીં આવેઃ ગુંડા તત્વો અને લૂંટારૂઓથી બચવા નાણાંની હેરફેર કરનારા કર્મચારીઓને ટ્રેનીંગ અપાશે અને આધારકાર્ડનું વેરીફિકેશન પણ કરાશે

નવી દિલ્હીઃ સરકારે ATM સંબંધિત નવા નિયમો જાહેર કર્યા છે, જેમાં જણાવાયું છે કે શહેરી વિસ્તારમાં રાત્રે 9 વાગ્યા બાદ ATMમાં કેશ નહીં ભરવામાં આવે. એક કેશ વાનમાં સિંગલ ટ્રિપમાં 5 કરોડથી વધારે રૂપિયા નહીં હોય. આ સિવાય કેશ વાનમાં તૈનાત કર્મચારીઓ પર હુમલા, કેશ વાનનો પીછો કરતાં ગુંડાતત્વો અને અન્ય ભયનો સામનો કરવા માટે કર્મચારીઓને ટ્રેનિંગ અપાશે.

ગૃહ મંત્રાલય તરફથી આદેશ આપવામાં આવ્યો છે કે કેશ ટ્રાંસપોર્ટ સાથે જોડાયેલા દરેક કર્મચારીઓના બેકગ્રાઉંડની તપાસ કરવા માટે તેમના આધાર કાર્ડનું વેરિફિકેશન કરવામાં આવશે.

નવા નિયમો પ્રમાણે, ગ્રામીણ ક્ષેત્રોમાં સાંજે 6 વાગ્યા બાદ કોઈપણ ATMમાં કેશ નહીં ભરવામાં આવે. એક ATMમાં લોડ કરવા માટે કેશ આગલા દિવસે અથવા તો દિવસની શરૂઆતમાં બેંકમાંથી કલેક્ટ કરવામાં આવશે, જેથી કેશ ભરવાનું કામ નક્કી કરેલા સમય કરતાં વહેલા કરી શકાય.

દરેક કેશ વાનમાં GSM બેસ્ટ ઓટો-ડાયલર સિક્યોરીચ અલાર્મ અને મોટરાઈઝ્ડ સાયરન લગાવવામાં આવશે. SISના મેનેજિંગ ડાયરેક્ટર અને ફિક્કી પ્રાઈવેટ સિક્યોરીટીની કમિટીના ચેરમેન રિતુરાજ સિન્હાએ કહ્યું કે, “આ નિયમ નિશ્ચિતરૂપે ઈંડસ્ટ્રીને બદલી નાખનારા નિયમો છે. અને લાંબા સમયથી અમે આ નિયમોની રાહ જોતા હતા.”

દરેક કેશ વાનમાં હવે CCTV, લાઈવ GPS ટ્રેકિંગ અને બંદૂક સાથે ઓછામાં ઓછા બે સિક્યુરિટી ગાર્ડ જરૂરી છે. સિક્યુરિટી ગાર્ડની બંધૂકથી બે વર્ષમાં ઓછામાં ઓછી એકવાર ટેસ્ટ ફાયરિંગ કરવામાં આવશે અને બુલેટ દર બે વર્ષે બદલવામાં આવશે. કેશ ટ્રાંસપોર્ટેશન સાથે જોડાયેલા કર્મચારીઓને વિશેષ ટ્રેનિંગ આપવામાં આવશે. જેમાં કેશ વ્હીકલનો પીછો કરતાં ગુનેગારો, હુમલાખોરોનો સામનો કરવો અને તેમને ભગાડવા માટે ટ્રેનિંગ અપાશે. સાથે જ મુશ્કેલ પરિસ્થિતિઓમાં કેશ વાનની સુરક્ષિત રીતે નિકાળવા માટે ટ્રેનિંગ અપાશે.

નિયમોમાં એ કેશ વોલ્ટને પણ સામેલ કરવામાં આવ્યું છે જેનો ઉપયોગ કંપનીઓ કેશને ATM લઈ જતા પહેલા રાખવા અને ગણતરી કરવા માટે રાખે છે. આ વોલ્ટ પર CCTVથી નજર રાખવામાં આવશે. અને વોલ્ટને સુરક્ષિત સ્થળોએ રાખવામાં આવશે. પ્રાઈવેટ સિક્યુરીટી એજંસીના દરેક કર્મચારીના ક્રેડિટની પણ હિસ્ટ્રી ચકાસવામાં આવશે. જેથી ડિફોલ્ટ કરનારા લોકોને કેશ ટ્રાંસપોર્ટેશન એક્ટિવિટીથી દૂર રાખી શકાય.

(5:08 pm IST)