Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

આસામ-યુપી-બિહારમાં પૂરની સ્થિતિ જૈસે થેઃ ૧૦૯ના મોતઃ ૧ કરોડથી વધુ લોકો અસરગ્રસ્તઃ ત્રાહીમામ

નવી દિલ્હી : આસામ, ઉત્તરપ્રદેશ અને બિહારમાં પૂર ઓસરવાનું નામ નથી લેતુ. લાખો લોકો રાહત શિબિરોમાં આશ્રય મેળવી રહ્યા છે. ૧૦૯ લોકો મૃત્યુ પામ્યા છે. કેટલાય ગામડાઓ હજુ પણ પાણીમાં ડૂબેલા છે. ટ્રાન્સર્પોટેશન પણ ખૂબ જ ઓછી સંખ્યામાં ચાલુ છે.

બિહારના ૧૨ જિલ્લાઓમાં પૂરથી અત્યાર સુધીમાં ૬૭ લોકોના મોત થયા છે. જયારે ૪૭ લાખ લોકો પ્રભાવિત થયા છે. બીજીતરફ યુપીમાં સતત થઈ રહેલ વરસાદ અને નેપાળથી આવતા પાણીના કારણે નદીઓ બે કાંઠે વહી રહી છે. યુપીમાં ૧૪ના મોત થયા છે અને અનેક જિલ્લાઓ પુરગ્રસ્ત છે. જયારે આસામના પણ ૨૯ જિલ્લાઓમાં પૂરની સ્થિતિ જૈસે થે જેવી જ છે. આસામમાં અત્યાર સુધીમાં ૨૮ લોકો મૃત્યુ પામ્યા છે અને ૫૭ લાખ લોકોને અસર પહોંચી છે.

નેપાળના કારણે ઉત્તરપ્રદેશની સ્થિતિ વધુ ખરાબ છે. યુપીમાં ભારે વરસાદ પછી નેપાળે વાલ્મીકી બૈરાજથી ૧.૯૪ લાખ કયુસેક પાણી છોડતા એકવાર ફરથી પૂર્વાચલને તકલીફમાં મૂકી દીધુ છે. પાણી છોડતા જ પૂર્વોચલના ૮ જિલ્લાઓને એલર્ટ કરી દેવાયેલ. કાયદો વ્યવસ્થા માટે પોલીસને પણ સતર્ક રહેવા આદેશ અપાયેલ. પૂર્વાંચલના ગોરખપુર, મહારાજગંજ, સિદ્ધાર્થનગર, બહરાઈચ, શ્રાવસ્તી, બલરામપુર, ખીરી અને પીલીભીતમાં એલર્ટ અપાયુ છે. તમામ નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. શારદા નદીનું જળસ્તર ૧૫૪.૯૪૦ કયુસેક છે, જે ૧૫૩.૬૨૦ કયુસેકના નિશાનથી ઉપર છે. સાથે રાપ્તી નદીનું ૧૦૪.૯૪૦ કયુસેક જળસ્તર છે. આગામી ૪૮ કલાકમાં નદીનું સ્તર વધવાની સંભાવના હોવાથી તટીય વિસ્તારો ઉપર મોટો ખતરો પેદા થયો છે.

આસામમાં પૂરથી અત્યાર સુધી ૨૮ લોકો પૂરથી મૃત્યુ પામ્યા છે. એએસડીએમએ દ્વારા અપાયેલ માહિતી મુજબ રાજયના ૨૯ જિલ્લાઓ પ્રભાવિત થયા છે. બ્રહ્મપુત્રા અને તેની સહાયક નદીઓ ગુવાહાટી સહિત અનેક જગ્યાએ ખતરાના નિશાનથી ઉપર છે. જો કે હૈલાકાંડીમાં જળસ્તર ઘટ્યુ છે છતાં ૫૭.૫૭ લાખ લોકો પ્રભાવિત છે. રાજયમાં કુલ ૩૯૨ રાહતવિત કેન્દ્ર બનાવ્યા છે ઉપરાંત ૪૨૭ આશ્રય શિબિરો સરકાર દ્વારા ચલાવાઈ રહી છે.

ઉપરાંત બિહારના પૂર પ્રભાવિત ૧૨ જિલ્લાઓમાં ૬૭ લોકોના મોત થયા છે. આ જિલ્લાઓમાં ૧૩૭ રાહત શિબિરો ચલાવાઈ રહી છે. જયાં ૧.૧૫ લાખ એનડીઆરએફ અને એસડીઆરએફની કુલ ૨૬ ટીમો અને ૧૨૫ મોટર બોટને કામે લગાડાઈ છે. કેન્દ્રીય જળ આયોગ દ્વારા મળેલ માહિતી મુજબ બિહારની ગંડક, બુઢી ગંડક, બાગમતી, અધવારા સમૂહ, કમલા બલાન, કોસી, મહાનંદા અને પરમાન નદી અલગ - અલગ જગ્યાએ આજે સવારે પણ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે.

(3:24 pm IST)