Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

અમરનાથ યાત્રાઃ ૧૭ દિવસમાં ૧૬ શ્રધ્ધાળુઓના મોત

મેડીકલ સર્ટીફીકેટમાં ઘાલમેલની શંકાઃ બધાના મોતનું કારણ હૃદયરોગનો હુમલો? આવું બની શકેઃ ચોમેર ચર્ચા ૧૭ દિવસમાં સવા બે લાખ લોકો દર્શને આવ્યાઃ નવો વિક્રમ

જમ્મુઃ ૪૫ દિવસની પવિત્ર અમરનાથ યાત્રામાં જોડાનાર લોકોનું દિલ ફરી એક વાર દગો દઇ રહ્યું છે. પરિણામે યાત્રામાં જોડાવા માટે અપાતા જરૂરી મેડીકલ સર્ટીફીકેટ શંકાના ઘેરામાં છે આ મેડીકલ સર્ટીફીકેટો એવું કહે છે કે આ તમામ મરનારાઓ યાત્રામાં સામેલ થવા માટે ફીટ હતા. તો પછી ૭ દિવસમાં ૧૬ મોત કેમ થયા? આ દરમિયાન યાત્રામાં સામેલ થનાર લોકોનો આંકડો સવા બે લાખ કરતા વધી ગયો છે.

આ યાત્રામાં અત્યાર સુધીમાં ૧૬ લોકોના મોત થયા છે બધાનું મોત હૃદયે દગો દેવાના કારણે થયું છે. ચોકાવનારી વાત એ છે કે આ બધાએ અમરનાથ યાત્રામાં જોડાવા માટે મેડીકલ સર્ટીફીકેટ રજુ કર્યા હતા જેમાં તેમને અમરનાથ યાત્રા માટે ફીટ હોવાનું દર્શાવાયું હતું. એક અધિકારીનો સવાલ હતો કે શું ખરેખર તેઓ ફીટ હતા ખરા?

આવા મોત ન થાય તે માટે શ્રાઇન બોર્ડે ૭૫ વર્ષથી વધુ વયના લોકોને યાત્રા કરવા પર પ્રતિબંધ મુકેલો છે. ખાણીપીણીના સામાનમાં ફાસ્ટફુડ અને દેશી ધી પણ પ્રતિબંધીત છે. મેડીકલ સર્ટીફીકેટ પણ ફરજીયાત બનાવાયું હોવા છતાં પણ થયેલા આ મોત દર્શાવે છે કે યાત્રામાં ખોટા લોકો પણ સામેલ થઇ રહ્યા છે. કેમકે મરનારાઓમાં ઓછી વયના લોકો પણ પણ હતા જે વાસ્તવમાં વિચારતા કરી દયે તેવી વાત છે.

અમરનાથ યાત્રા શ્રાઇન બોર્ડ દ્વારા વારંવાર એવો પ્રચાર કરવામાં આવે છે કે આ યાત્રામાં એવા લોકો જ આવે જે શારિરીક રીતે સ્વસ્થ હોય તેમ છતાં પણ તેને મોક્ષ પ્રાપ્તીની યાત્રા ગણીને ઘણા બુઝુર્ગો પોતાની ઉમર છુપાવીને પણ આમાં જોડાઇ રહ્યા છે અને સૌથી ચિંતાજનક વાત એ છે કે નકલી મેડીકલ સર્ટીફીકેટની મદદથી મોણની યાત્રા કરી રહ્યા છે.

આ દરમિયાન અમરનાથ બાબાના દર્શન બાબતે છેલ્લા ૪ વર્ષનો રેકોર્ડ તુટી ગયો છે. લગભગ સવા બે લાખ થી વધારે શ્રધ્ધાળુઓએ છેલ્લા ૧૭ દિવસમાં  બર્ફાની બાબાના દર્શન કરી લીધા છે. ગઇકાલે જમ્મુથી ૪૫૮૪ શ્રધ્ધાળુઓનો વધુ  એક જથ્થો રવાના થયો હતો. શ્રાઇન બોર્ડે જણાવ્યું કે છેલ્લા ૧૭ દિવસોમાં ૨,૨૫,૦૮૩ શ્રધ્ધાળુઓએ પવિત્ર શિવલીંગના દર્શન કરી લીધા છે.

(11:36 am IST)