Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

કુલભુષણને જીતાડનાર એડવોકેટ હરીશ સાલ્વે લીધી ફી માત્ર ૧ રૂપિયો

બીજા કેસમાં એક હાજરીના ૬૦ લાખથી ૧ કરોડની ફી લ્યે છે

નવી દિલ્હી, તા.૧૮: ઈન્ટરનેશલ કોર્ટ ઓફ જસ્ટિસમાં આજે ભારતની મોટી જીત થઈ હતી. પાકિસ્તાને જાધવને ફટકારેલી ફાંસીની પર કોર્ટે રોક લગાવી દીધી હતી. ૧૫-૧થી ભારતના પક્ષમાં ફેંસલો આવ્યો હતો. ૧૬માંથી ૧૫ જજે ભારતના પક્ષમાં ફેંસલો સંભળાવ્યો હતો. ભારતને જાધવનું કોન્સ્યુલર એકસેસ પણ મળશે.

કુલભૂષણ જાધવને પાકિસ્તાનમાં ફટકારવામાં આવેલી ફાંસીની સજા વિરુદ્ઘ ભારત તરફથી  જાણીતા વકીલ હરીશ સાલ્વેએ કોર્ટમાં જોરદાર દલીલો કરી હતી.  મે, ૨૦૧૭માં તત્કાલિન  વિદેશ મંત્રી સુષમા સ્વરાજે ટ્વિટર પર એક ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું,  આ કેસ માટે હરિશ સાલ્વે એ માત્ર ૧ રૂપિયાની ટોકન ફી પર કામ કરી રહ્યા છે. પાકિસ્તાનની મિલિટ્રી કોર્ટે જાધવને ફાંસીની સજા ફટકાર્યા બાદ માત્ર ટોકન ફી લઈને હરીશ સાલ્વેએ જાધવને બચાવવાનું બીડું ઝડપ્યું છે.

વિદેશ મંત્રી સુષમા સ્વરાજે એક ટ્વિટર યૂઝર દ્વારા ઉઠાવવામાં આવેલા સવાલના જવાબમાં સાલ્વેની ફીને લઈને આ ખુલાસો કર્યો હતો. યૂઝરે પોતાના ટ્વિટમાં કહ્યું હતું કે કોઈ બીજા વકીલે પણ આ પ્રકારે પક્ષ રજૂ કર્યો હોત અને તે પણ હરીશ સાલ્વે કરતા ઓછી ફી લઈને. વિદેશ મંત્રીએ આ ટ્વિટના જવાબમાં લખ્યું, આ ઠીક નથી. હરીશ સાલ્વેએ આ કેસ માટે માત્ર ૧ રુપિયો ફી લીધી છે.

ઉલ્લેખનીય છે કે હરીશ સાલ્વે ભારતના જ નહીં પણ વિશ્વના સૌથી મોંઘા વકીલોમાં સ્થાન ધરાવે છે. તેઓ એક હાજરીના ૬૦ લાખથી ૧ કરોડની ફી લે છે. રતન ટાટાથી લઈને મુકેશ અંબાણી સુધી ઉદ્યોગપતિઓ માટે તેઓ સુપ્રીમમાં કેસ લડી ચૂકયા છે. તેઓ ૧૯૯૨ થી ૨૦૦૨ સુધી ભારતના સોલિસિટર જનરલ રહ્યાં હતા.

 

(10:12 am IST)