Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

ખાસ પેકેજની માંગને લઇને ટીડીપી દ્વારા હોબાળો કરાયો

રાજ્યસભાની કામગીરી પ્રથમ દિવસે મોકૂફ કરાઈ : ટીડીપીના સભ્યોની માંગ પર ચર્ચા કરવા અધ્યક્ષ વેંકૈયા નાયડુ સહમત થયા હોવા છતાંપણ ભારે હોબાળો કરાયો

નવીદિલ્હી,તા. ૧૮ : સંસદનું મોનસુન સત્ર આજે શરૂ થયું હતું. પ્રથમ દિવસે રાજ્યસભાની કામગીરી મોકૂફ કરવામાં આવી હતી. ખાસ પેકેજ માટેની ટીડીપીની માંગને લઇને ભારે હોબાળો થયો હતો અને ત્યારબાદ કામગીરી મોકૂફ કરવામાં આવી હતી. આંધ્રપ્રદેશ માટે સ્પેશિયલ પેકેજ માટેની માંગણી ઉપર તરત ચર્ચા કરવાની ટીડીપી તરફથી માંગ કરવામાં આવી હતી. ચેરમેન એમ વેંકૈયા નાયડુએ આ મામલા પર આવતીકાલે અથવા તો ત્યારબાદ ચર્ચા માટે સહમતિ દર્શાવી હતી. શૂન્યકલાક દરમિયાન પેપરો રજૂ કરવામાં આવ્યા હતા. તે ગાળા દરમિયાન જ ટીડીપીના સીએમ રમેશે ઉભા થઇને આંધ્રપ્રદેશના મુદ્દા પર ચર્ચા કરવાની માંગ કરી હતી. નાયડુએ કહ્યું હતું કે, તેઓ જુદા જુદા મુદ્દા ઉપર ચર્ચા માટે નિયમોને સસ્પેન્સ રાખવાની નોટિસ મેળવી ચુક્યા છે. રમેશ સહિતના સભ્યો તરફથી રજૂઆત કરવામાં આવી હતી.

મોનસુન સેશનના પ્રથમ દિવસે મોદી સરકાર સામે અવિશ્વાસ દરખાસ્ત સ્વીકારી લેવામાં આવી હતી. ધાંધલ ધમાલનો દોર પ્રથમ દિવસે જ શરૂ થઇ ગયો હતો. અગાઉ સત્ર શરૂ થતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કહ્યું હતું કે, તેમની સરકાર કોઇપણ મુદ્દા પર ચર્ચા માટે તૈયાર છે. તેલુગુદેશમ પાર્ટીના સભ્ય વાયએસ ચૌધરીએ ચાર કલાક ચર્ચાની માંગ કરી હતી.

૭ નવા ચૂંટાયેલ સભ્યોના રાજ્યસભામાં શપથ......

        નવીદિલ્હી, તા. ૧૮ : મોનસુન સત્રના પ્રથમ દિવસે જુદા જુદા મુદ્દા ઉઠાવવામાં આવ્યા હતા. બીજી બાજુ સત્રના પ્રથમ દિવસે નવા સાત સભ્યોએ રાજ્યસભામાં શપથ લીધા હતા. આજે હોદ્દા અને ગુપ્તતાના શપથ સાત સભ્યોએ લીધા હતા જેમાં આરએસએસ સાથે જોડાયેલા રાકેશ સિંહા, ક્લાસીકલ ડાન્સર સોનલ માનસિંહ અને શિલ્પકાર રઘુનાથ મહાપાત્રાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ભાજપના પૂર્વ સભ્ય રામ સંકલ્પનો પણ સમાવેશ થાય છે. આ તમામ સભ્યો ઉપલા ગૃહ માટે ગયા સપ્તાહમાં ચૂંટાયા હતા. આ ઉપરાંત કેરળના સીપીઆઈએમના નેતા ઇ કરીમ, સીપીઆઈના બિનોય વિશ્વામ અને કેરળ કોંગ્રેસના જોસ કે મણિનો સમાવેશ થાય છે. નવા સભ્યોની અધ્યક્ષ વેંકૈયા નાયડુએ સ્વાગત કર્યું હતું.

(7:18 pm IST)