Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

સોનાના ભાવમાં સતત ઘટાડોઃ મહિનામાં રૂ.૮૦૦ તૂટયા

સોનું સંભાળીને ખરીદોઃ જીએસટીની નોટિસ મળી શકે

મુંબઇ, તા.૧૮:  આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું એક વર્ષની ૧૨૨૮ ડોલર પ્રતિ ઔંસની નીચી સપાટીએ પહોંચી ગયું છે. છેલ્લા છ મહિનામાં વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં ૭.૬૬ ટકાથી વધુનો ઘટાડો નોંધાઇ ચૂકયો છે. તેના પગલે સ્થાનિક બજારમાં પણ સોનાના ભાવમાં પણ સતત ઘટાડો જોવા મળ્યો છે.

આજે શરૂઆતે સોનાના ભાવમાં વધુ રૂ. ૨૦૦નો ઘટાડો નોંધાઇ રૂ. ૩૧,૦૫૦ની સપાટીએ ભાવ ખૂલ્યો હતો, જયારે ચાંદીમાં પણ વધુ રૂ. ૩૦૦નો ઘટાડો નોંધાઇ રૂ. ૩૯,૨૦૦ના મથાળે ભાવ જોવા મળ્યો હતો. એક જ મહિનામાં ૮૦૦ રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો.

જાણકારોના જણાવ્યા પ્રમાણે રૂપિયામાં જોવા મળેલી મજબૂતાઇ તથા ડોલર ઇન્ડેકસમાં નોંધાયેલા સુધારાના પગલે સોનાના ભાવમાં ઘટાડાની ચાલ જોવા મળી છે. દરમિયાન સોનાના ભાવમાં ઘટાડાના પગલે ગોલ્ડ એકસચેન્જ ટ્રેડેડ ફંડમાં પણ રોકાણકારો નાણાં પાછાં ખેંચી રહ્યા હોવાની વિગતો બહાર આવી છે તથા સોનામાં રોકાણ ઘટાડી રહ્યા છે. સ્થાનિક સહિત વૈશ્વિક ઇકિવટી બજારમાં ટૂંકા ગાળામાં જોવાયેલ ઉછાળાના પગલે સોના-ચાંદીના ભાવમાં સતત દ્યટાડો જોવા મળ્યો છે.

ભારતમાં સોનાના ભાવ ઊંચા હોય કે નીચા હોય, ખરીદીનું આકર્ષણ હંમેશાં જોવા મળ્યું છે. તો બીજી બાજુ વેપારીઓ પણ ગ્રાહકોને આકર્ષવા નીતનવા પેંતરા રચે છે. ત્રણ ટકા જીએસટીના પગલે નવી જવેલરી મોંદ્યી થઇ છે, પરંતુ જવેલર્સ જીએસટી બચાવવા માત્ર ચિઠ્ઠી ઉપર જ ખરીદ વેચાણ કરતા હોવાનું બહાર આવ્યું છે, જેમાં નવી જવેલરી ખરીદનાર ગ્રાહકને કેટલાક જવેલર્સ ખરીદ વેચાણની માત્ર કાચી રિસિપ્ટ આપીને જીએસટી બચાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે રાજયના સ્ટેટ જીએસટી ડિપાર્ટમેન્ટને કેટલાક જવેલર્સ દ્વારા જીએસટીની ચોરી થતી હોવાની વિગતો બહાર આવી છે.

(4:17 pm IST)