Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

મહિલાને ટ્રેનમાં ઉંદર દેખાયાઃ હવે ૧૯૦૦૦ વળતર આપશે રેલવે

ફોરમે કહ્યું કે, લોકો સારી સુવિધાઓ માટે પૈસા આપે છે, તેમને સારી સુવિધાઓ મળવી જોઈએ.

મુંબઈ, તા.૧૮: મુંબઈ-એર્નાકુલમ દુરંતો ટ્રેનમાં ઉંદર દેખાયા હોવાની ફરિયાદ કરનાર મહિલા વકીલને કન્ઝયુમર કોર્ટે ૧૯૦૦૦ રુપિયા વળતર આપવાનો આદેશ આપ્યો છે. ફોરમે ખરાબ સર્વિસ માટે સેન્ટ્રલ રેલવેને જવાબદાર ઠેરવી છે. ફોરમે કહ્યું કે, લોકો સારી સુવિધાઓ માટે પૈસા આપે છે, તેમને સારી સુવિધાઓ મળવી જોઈએ.

એડવોકેટ શીતલ કનકિયા અને તેમની એક સંબંધી હેમા કનકિયાએ ૨૦૧૫માં આ ફરિયાદ કરી હતી. તેમણે સાઉથ મુંબઈની ડિસ્ટ્રિકટ કન્ઝયુમર કોર્ટમાં ૨ ડિસેમ્બર, ૨૦૧૫ના રોજ ફરિયાદ કરી હતી. તેમણે જણાવ્યું કે, જયારે તેમણે ટ્રેનમાં ઉંદર દેખાયાની ફરિયાદ કરી તો તેમને કહેવામાં આવ્યું કે, ટ્રેનમાં તો આ સામાન્ય વાત છે અને આટલી મોટી ટ્રેન સાફ કરવા માટે સ્ટાફને ૩ દિવસ મળે છે. તેમણે ટિકિટચેકરને પણ લેખિતમાં ફરિયાદ કરી, પરંતુ કોઈ જવાબ ન મળ્યો.

તેમણે દાવો કર્યો કે, તેમને ટ્રેનમાં જે ભોજન પીરસવામાં આવ્યુ હતું તેની અસર તેમના સ્વાસ્થ્ય પર પડી. તેમણે મેડિકલ રિપોર્ટ પણ ફોરમમાં આપી હતી. તેમણે જણાવ્યું કે, બીમાર થવાને કારણે તેમની રજાઓ ખરાબ થઈ ગઈ. તેમણે ટિકિટના પૈસા અને માનસિક તકલીફ માટે વળતર માંગ્યુ.

રેલવેએ આ દરેક આરોપ ફગાવ્યા અને કહ્યું કે સફાઈ સમયસર થાય છે. તેમણે ટોઈલેટની સફાઈ અને પાણીની ફરિયાદોને પણ ખોટી જણાવી. જો કે ફોરમે કહ્યું કે, જો દરેક કામ યોગ્ય રીતે થઈ રહ્યા છે તો તેના રેકોર્ડ દસ્તાવેજ જમા કેમ ન કરાવ્યા? જયારે ફરિયાદી પક્ષ પાસે દરેક પ્રકારના પુરાવા હતા. (૨૩.૧૨)

(3:39 pm IST)