Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

OMG! ગર્ભ ધારણ કર્યા વગર જ આ ગાય આપી રહી છે રોજનું ૧૦થી ૧૨ લિટર દૂધ

પટના મંદિરમાં રખાયેલી લક્ષ્મી ગાયઃ લક્ષ્મીને મંદિરના પાછળના ભાગમાં રાખવામાં આવી છે

પટણ, તા.૧૮: સમુદ્ર મંથન વિશે આપણે સૌ જાણીએ છીએ. સમુદ્ર મંથન દરમિયાન ૧૪ રત્નો ઉત્પન્ન થયા હતા જેમાંથી એક કામધેનુ ગાય પણ હતી. પૌરાણિક કથાઓમાં કામધેનુ ગાયની વ્યાખ્યા એક ચમત્કારી ગાયના રૂપમાં ગણવામાં આવે છે. હિન્દુ ધર્મમાં આ ગાયને માતા ગણવામાં આવે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, આ ચમત્કારી ગાય જેમાં અનેક દૈવિય શકિતઓ છે. આ ગાયના દર્શન માત્રથી જ લોકોની બધી મુશ્કેલીઓ દૂર થઇ જાય છે એવી માન્યતા છે.

વેબસાઇટ પત્રિકામાં આવેલા આર્ટિકલ પ્રમાણે બિહારની રાજધાની પટનામાં આવી જ એક ગાય છે. જે એક સમાન્ય ગાયથી તદ્દન અલગ છે. પટના શહેરના પટનદેવી મંદિરમાં આ ગાય છે. મંદિરના મહંતે આ ગાયનું નામ લક્ષ્મી પાડ્યું છે. આ મંદિરના પુજારી પ્રમાણે વર્ષ ૨૦૧૧માં લક્ષ્મીનો જન્મ થયો હતો. તેના જન્મની સાથે જ તેની માતાનું મૃત્યું થયું હતું.

ત્યારબાદ લક્ષ્મીન ઉછેર મંદિરના દરેક મહંતોએ કર્યો હતો. અનેક ગાયો વચ્ચે રહેનારી લક્ષ્મી સૌથી અલગ હતી. પરંતુ ચોંકાવનારી વાત તો એ છે કે, ગર્ભધારણ કર્યા વગર જ માત્ર એક વર્ષની અદર લક્ષ્મીએ દૂધ આપવાનું શરૂ કર્યું હતું. આવું થતાં જોઇને મંદિરના મહંતે આને દેવીની ઇચ્છા ગણાવી હતી. ત્યારથી લઇને આજ દિવસ સુધી લક્ષ્મી દરરોજ ૧૦થી ૧૨ લિટર દૂધ આપે છે. આ દૂધથી બનાવેલી ખીરથી જ દેવીનો પહેલો ભોગ ચડે છે.

મંદિરમાં આવનારા દરેક ભકતોને લક્ષ્મીના દર્શન કરવાની મંજૂરી આપવામાં આવતી નથી. લક્ષ્મીને મંદિરના પાછળના ભાગમાં રાખવામાં આવી છે. લક્ષ્મીને દરરોજ કેળા અને ગોળ ખવડાવવામાં આવે છે. આ મંદિર અને લક્ષ્મીના ભકતોમાં બિહારના પૂર્વDGP લઇને પટનાના SSP સુધી બધાનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે, પટનદેવી મંદિર ૫૧ શકિતપીઠોમાંથી એક છે. દેવી ભાગવત અને તંત્ર ચૂડામણી અનુસાર સતીની જમણી જાંઘ અંહી પડી હતી. સામાન્ય રીતે અહીં બારેમાસ ભકતોની ભીડ રહે છે પરંતુ નવરાત્રી દરમિયાન વધારે ભીડ જામે છે.

(3:34 pm IST)