Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

વાહન ચોરાઇ જાય તો વીમા પાસ કરાવવા બંને ચાવીઓ બતાવવી પડે?

વીમા કંપનીએ માગી કારની બંને ચાવી : આરસી બુક હોવા છતાં સાબિતી આપવી પડી

નવી દિલ્હી તા. ૧૮ : વાહન ચોરાઈ જાય તો વીમો પાસ કરાવવા માટે બંને ચાવીઓ બતાવવી પડે કે નહીં? આ અંગે IRDA દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી અને આ અંગેનો નિર્ણય લેવાની સત્તા જે-તે વીમા કંપનીને આપી છે. મોટા ભાગની વીમા કંપનીઓ છેતરપિંડીથી બચવા માટે બંને ચાવીઓ માગે છે.

દિલ્હીના સુરેશ કુમાર (નામ બદલ્યું છે) સરકાર હસ્તગતની એક વીમા કંપની પાસે તેમની ચોરાયેલી હોન્ડાસિટી કારનું વળતર માગ્યું. કાર ફેબ્રુઆરી મહિનામાં તેમના ઘરની બહારથી જ ચોરાઈ હતી. સુરેશ કુમારે જણાવ્યું કે, 'મેં કયારેય જોયું નથી કે વીમાના દસ્તાવેજો સાથે કારની બે અસલ ચાવી પણ આપવી પડે. એજન્ટે મને કીધું કે બંને ચાવી નહીં આપું તો કંપની મારો કલેમ રિજેકટ કરી દેશે. નસીબજોગે મારી પાસે બંને ચાવી હતી.'

પરિવહન મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું કે, 'ઘણા કિસ્સામાં લોકોની એક ઓરિજિનલ ચાવી ખોવાઈ ગઈ હોય તેવું બને છે. જેથી તેમણે ડુપ્લિકેટ ચાવી બનાવી હોય છે. આ સંજોગોને પણ વીમા માટેના દરેક કેસમાં ધ્યાનમાં લેવામાં આવે છે.' સુરેશ કુમાર પાસે કારની આરસી બુક હતી તેમ છતાં વીમો પાસ કરાવવા માટે ચોરાયેલી કાર તેમની જ હતી તે સાબિત કરતો પત્ર પણ આપવો પડ્યો. આ તમામ પ્રક્રિયાઓ પૂરી કર્યાના ૫ મહિના બાદ પણ હજુ સુધી સુરેશને વીમાની રકમ મળી નથી.સુરેશ હજુ સુધી વીમા કંપની અને RTOમાં ફરી અને ફરી દસ્તાવેજો જમા કરાવવા માટે ધક્કા ખાધા કરે છે. સુરેશે કહ્યું કે, 'વીમા કંપનીના અધિકારીઓએ મને ખાતરી આપી છે કે ઉચ્ચ અધિકારીઓ સુધી મારી ફરિયાદ પહોંચશે એટલે કેસ બંધ થઈ જશે. સ્થાનિક પોલીસે મને ટૂંક સમયમાં જ નોન-ટ્રેસબલ સર્ટિફિકેટ આપવાનું કહ્યું છે, જેથી મને વળતર મળે. જો કે મારી પાસે કારનો વીમો હોવાથી પોલીસ ઉતાવળે કામગીરી નથી કરી રહી.'

IRDA (ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈંડિયા)ના વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, 'કેટલીક કંપનીઓએ જોખમ ઘટાડવા માટે પોતાના જ નિયમો બનાવ્યા છે. આ નિયમો અંગે તેમણે પોતાના ગ્રાહકોને જાણ કરવી જોઈએ જેથી કરીને જયારે દસ્તાવેજો આપવાના આવે ત્યારે ગ્રાહકોને વધારે પરેશાન ન થવું પડે. ગ્રાહક જાગૃતિ જરૂરી છે.' જનરલ ઈન્સ્યોરંસ કોર્પોરેશન (GIC)ના ટોપ એકસકયુટિવે સ્વીકાર્યું કે, વીમા કંપનીઓ આ બાબતો અંગે ગ્રાહકોમાં જાગૃતિ લાવવામાં નિષ્ફળ નીવડી છે.(૨૧.૮)

(11:42 am IST)