Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

૨૦ જ દિ'માં અમરનાથમાં હિમલિંગ પીગળીને અડધું થઇ ગયું

અમરનાથના દર્શન કરવા પહોંચેલા બે લાખ યાત્રાળુઓના શ્વાસોશ્વાસને લીધે

શ્રીનગર તા. ૧૮ : વીસ જ દિવસમાં બાબા અમરનાથનું હિમલિંગ પીગળીને અડધું થઇ ગયું છે. આનું કારણ અનેક કષ્ટ સહન કરીને બાબા અમરનાથના દર્શન કરવા પહોંચેલા બે લાખ યાત્રાળુઓના શ્રાસોશ્રાસને લીધે થયું છે.

પાછલા કેટલાક વર્ષોથી ભકતોના શ્વાસોશ્વાસને લીધે ઝડપથી પીગળી જતા હિમલિંગને લીધે વિવાદ થાય છે. દર વર્ષે અમરનાથ યાત્રા શ્રાઇન બોર્ડના અધિકારીઓ આ બાબતને કુદરતી કારણ જણાવે છે, પણ નિષ્ણાતોના મતે ક્ષમતાથી વધુ ભકતોને યાત્રાની પરવાનગી આપવાને કારણે શિવલિંગ ઝડપથી પીગળી જતું હોય છે.

દર વર્ષે લાખો ભકતોના શ્વાસોશ્વાસને લીધે શિવલિંગ ઝડપથી પીગળતું હોવાની વાત અધિકારીઓ ખાનગીમાં તો સ્વીકારે છે, પણ જાહેરમાં એ સ્વીકારવા તૈયાર નથી થતા. તેઓ આ પાછળ ગ્લોબલ વોર્મિેગનું કારણ પણ આપતા હોય છે.

૧૯૯૬માં અમરનાથમાં થયેલી દુર્ઘટના બાદ નીતિન સેનગુપ્તા કમિટિએ એવો પ્રસ્તાવ મૂકયો હતો કે દર વર્ષે અમરનાથ યાત્રામાં ફકત ૭૫૦૦૦ ભકતોને જ સામેલ કરવા, પણ એ પ્રસ્તાવ કયારેય અમલમાં ન મુકાયો. વર્ષ ૨૦૧૩માં તો ફકત બે દિવસમાં જ ૭૫૦૦૦ ભકતોએ હિમલિંગના દર્શન કરવાનો રેકોર્ડ બનાવ્યો હતો. ૨૦૧૪માં ૨૯ દિવસમાં સાડા ત્રણ લાખ ભકતોએ હિમલિંગના દર્શન કર્યા હતા. પર્યાવરણવાદીઓ આ મામલે હંમેશ નારાજ રહે છે. એમના મતે ભકતોની સંખ્યા વધવાની આડઅસર ફકત ગૂફામાંના હિમલિંગ પર જ નહીં, પરંતુ યાત્રાના માર્ગ અને પહાડો પર પણ થાય છે. કાશ્મીરના અલગતાવાદીઓ પણ આ પર્યાવરણવાદીઓની વાતનું સમર્થન કરતા હોય છે.

શ્રાઇન બોર્ડ ભકતોની સંખ્યા ઓછી કરવા રાજી નથી લાગતું, પણ એ હિમલિંગની સુરક્ષા માટે પગલાં લેવા ઉત્સુક જણાય છે. શ્રાઇન બોર્ડ તો યાત્રાને આખું વર્ષ ચાલું રાખવા માટે લોકોનો ટેકો મેળવવાનો પ્રયત્ન કરી રહ્યું છે.  યાત્રા શરૂ થયા બાદ ગુફાની આસપાસ ભકતોની સુરક્ષા માટે મોટા પ્રમાણમાં સુરક્ષાદળના જવાનો તહેનાત રહે છે અને એમનાં શ્વાસોશ્વાસને લીધે પણ ગરમી વધવાને કારણે હિમલિંગને અસર થતી હોય છે.  ગયા વખતે પહેલે દિવસે હિમલિંગનું કદ ૨૦ ફૂટનું હતું, પણ ત્યાર બાદ ઝડપથી એ પીગળીને ૨-૪ ફૂટનું રહી ગયું હતું. (૨૧.૮)

(11:42 am IST)