Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

ટ્રાન્સપોર્ટરોને ટુંકમાં વધુ માલ ભરવાની છુટ

એકસલ લોડ ક્ષમતામાં વધારાનો પ્રસ્તાવ : ઓવર લોડેડ વાહનો પર ટોલ દંડમાં પણ ઘટાડો

નવી દિલ્હી તા. ૧૮ :  ટ્રાન્સપોર્ટરોને મોટી રાહત આપતા સરકારે એક તરફ ટ્રકોની એકસલ લોડ ક્ષમતામાં વધારો કરવાનો પ્રસ્તાવ કર્યો છે.  ઉપરાંત ઓવર લોડેડ વાહનો પર દંડમાં ઘટાડો પણ કર્યો છે. માનવામાં આવે છે કે આ નિર્ણય૨૦ જુલાઇના ટ્રાન્સપોર્ટરો દ્વારા થનાર ચક્કા જામને રદ્દ કરવાના ઈરાદે લેવાયો છે.

કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ પ્રધાન નિતીન  ગડકરીએ પત્રકાર પરિષદમાં આ નિર્ણયની  જાણકારી આપી હતી.  તેમણે કહ્યુ હતુ કે ટ્રકોની એકસલ લોડ ક્ષમતામાં ૨૦ થી ૨૫ ટકાનો વધારો કરવાનો પ્રસ્તાવ કરાયો છે. ટ્રાન્સપોર્ટરોની ફરીયાદ હતી કે ઓવર લોડીંગ માટે દસ ગણો દંડ ભર્યા પછી  પણ પોલીસ અને આરટીઓવાળા આખા રસ્તે ટ્રકવાળાઓ પાસેથી ઉઘરાણી કરતા રહે છે. ડીઝલની કિંમતો પણ વધી ગઇ છે. આ બધા કારણે ખર્ચો ઘણો વધી જાય છે. એકસલ લોડ ક્ષમતા કેજીએસ ડબલ્યુમાં વધારો થવાથી  પરિવહન ખર્ચમાં ૨ ટકાનો ઘટાડો થશે.  ગડકરીએ કહ્યુ કે આ રાહત આપ્યા પછી  દેશમાં ઓવરલોડીંગ નિયમોનો અમલ કડક રીતે કરાશે. રાજ્યોને પણ અનુરોધ કરાયો છે કે આ નિયમોનો કડક રીતે અમલ કરે અને કોઇ પણ ઓવરલોડેડ ટ્રકને વધારાનુ વજન ખાલી કર્યા વગર આગળ ન જવા દે. ગડકરીના કહેવા મુજબ આ પહેલા ૧૯૮૩માં એકસલ લોડ ક્ષમતામાં વધારો કરાયો હતો. ત્યારથી અત્યાર સુધીમાં ઓટોમોબાઇલ ઉદ્યોગ અને સડક નિર્માણ ટેકનીકોમાં ઘણો સુધારો થયો છે. એટલે એકસેલ લોડ નિયમોને આંતરરાષ્ટ્રિય માપદંડ પ્રમાણે સુધારવા જરૂરી હતા. પ્રસ્તાવ પ્રમાણે ડબલ એકસલ વાળા  જે ટ્રક  અતરે ૧૬.૨ જીવી ડબલ્યુના છે તે હવે ૧૯ જીવી ડબલ્યુ અનુસાર ૨૫.૪ ટન માલભરી શકાશે. આજ રીતે ૨૫ ટન જીએસડબલ્યુવાળા ત્રણ એકસલ ટ્રકોને હવે ૨૮.૫ જીએસડબલ્યુ પ્રમાણે ૧૪ ટન વધારે વજન ભરવાની સગવડ અપાઇ છે. આજ રીતે જુદી જુદી ક્ષમતા વાળા છ એકસલ ટ્રકોને ૨૦.૫ ટન, ૧૮ ટન અને ૧૫ ટન વધારે વજન ભરવાની છુટ અપાઇ છે.

(11:40 am IST)