Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

અડધું ભારત પાણીમાં: લુધિયાણામાં ચાર કલાકમાં નવ ઈંચ વરસાદ

હિમાચલમાં ભૂસ્ખલનથી અનેક મકાન ધરાશાયીઃ કુલુ- મનાલી હાઈવે પાંચ કલાક ઠપ્પ

નવીદિલ્હી,તા.૧૮: દેશનાં લગભગ મોટા ભાગનાં રાજયમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે, જેમાં ગઈકાલે લુધિયાણામાં માત્ર ચાર જ કલાકમાં નવ ઈંચ વરસાદ પડતાં ઠેરઠેર જળબંબાકાર સર્જાયો છે. બીજી તરફ ઉત્તરાખંડમાં સતત બીજા દિવસે પણ વાદળ ફાટતાં ભારે ખાનાખરાબી થઈ છે.

આ ઉપરાંત મનાલીમાં ભૂસ્ખલન થતાં કુલુ-મનાલી હાઈવે પાંચ કલાક ઠપ્પ થઈ ગયો હતો. જયારે દિલ્હીમાં ભારે વરસાદથી પુલ નીચે એક બસ ફસાઈ હતી. હવામાન વિભાગે યુપી અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદની આગાહી કરી છે. ગુજરાતના સોમનાથમાં છ કલાકમાં ૧૨ ઈંચ વરસાદ થતાં વાયુસેનાની મદદ લેવામાં આવી રહી છે.

ઉત્તરાખંડમાં સિઝનના પ્રથમ વરસાદે આફત ઊભી કરી છે. રાજયના ચમૌલી જિલ્લામાં ફરી આભ ફાટતાં વરસાદથી માલસમાનને ભારે નુકસાન થયું છે. ગઈ કાલે થયેલા વરસાદમાં ચમૌલીની ૧૦ દુકાનો અને પાંચ કાર પાણીના વેગમાં વહી ગયાં હતાં.

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદના કારણે ભૂસ્ખલન થતાં તેમજ શિમલામાં ભારે વરસાદના કારણે સર્વત્ર પાણી ભરાઈ ગયાં હતાં. હવામાનખાતાના જણાવ્યા અનુસાર આગામી ૨૦ જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી છે. ગત શનિવારથી હિમાચલપ્રદેશના વાતાવરણમાં પલટો આવ્યો હતો. ધર્મશાળામાં રવિવારથી શરૂ થયેલ વરસાદે સર્વત્ર પાણી પાણી થઈ ગયું હતું.

ભારતનાં મોટા ભાગનાં રાજયમાં હાલ ભારે વરસાદ થઈ રહ્યો છે. ત્યારે મધ્યપ્રદેશમાં ભારે વરસાદથી અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ ઊભી થઈ છે. છિંદવાડામાં પણ છેલ્લા કેટલાક સમયથી અટકી- અટકીને વરસાદ થઈ રહ્યો છે, તેના કારણે અનેક નદીઓ અને નાળા ઊભરાઈ ગયાં છે. નાસિકની ગોદાવરી નદીમાં પૂર આવતાં મંદિર ડૂબી ગયું હતું.

(11:35 am IST)