Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

લગ્નનો એવો મતલબ નથી કે પત્ની શારીરિક સંબંધ માટે હંમેશ તૈયાર હોય

પુરૂષ-મહિલા બન્નેને શારીરિક સંબંધ માટે ના કહેવાનો અધિકાર છે : દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી

નવી દિલ્હી, તા. ૧૮ :. દિલ્હી હાઈકોર્ટે મંગળવારે મહત્વપૂર્ણ ટીપ્પણી કરતા કહ્યું કે લગ્નનો મતલબ એવો નથી કે કોઈ મહિલા પોતાના પતિ સાથે શારીરિક સંબંધ માટે ગમે ત્યારે તૈયાર હોય સાથે જ કોર્ટે કહ્યુ કે બળાત્કાર કરવા માટે શારીરિક બળ વાપર્યુ જ હોય તે જરૂરી નથી.

કાર્યવાહક મુખ્ય ન્યાયમૂર્તિ ગીતા મીતલ અને ન્યાયમૂર્તિ સી હરીશંકરની પીઠે કહ્યું કે લગ્ન જેવા સંબંધોમાં પુરૂષ અને મહિલા બન્નેને શારીરિક સંબંધ માટે ના પાડવાનો અધિકાર છે. અદાલતે વૈવાહીક બળાત્કારને ગુનો ગણવાની માંગણી કરતી અરજીઓની સુનાવણી દરમ્યાન આ ટીપ્પણી કરી હતી. પીઠે કહ્યુ કે લગ્નનો મતલબ એવો નથી કે શારીરિક સંબંધ બનાવવા માટે સ્ત્રી ગમે ત્યારે તૈયાર, ઈચ્છુક અને સંમત હોય. મહિલાએ સંમતિ આપી છે તેવું પુરૂષે સાબિત કરવું પડશે.

અદાલતે મેન વેલફેર ટ્રસ્ટ નામના એનજીઓની દલીલ રદ કરી હતી જેમાં કહેવાયુ હતુ કે પતિ-પત્નિ વચ્ચેની યૌન હિંસામાં બળપ્રયોગ અથવા તેની ધમકી આ અપરાધ માટેનું મહત્વપૂર્ણ કારણ છે. આ એનજીઓ વૈવાહીક બળાત્કારને ગુનો માનવાની અરજીનો વિરોધ કરી રહી છે. હાઈકોર્ટે કહ્યુ કે, બળાત્કાર માટે શારીરિક બળનો ઉપયોગ જરૂરી છે તેમ કહેવુ ખોટુ છે. જરૂરી નથી કે બળાત્કાર વખતે ચોટ લાગી હોય, આજે બળાત્કારની પરિભાષા સંપૂર્ણ રીતે અલગ છે.

એનજીઓના વકીલ અમિત લખાની અને રિત્વીક બીસારીયાએ દલીલ કરી હતી કે અત્યારના કાયદામાં પત્નીને લગ્નમાં યૌન હિંસા સામે રક્ષણ મળેલુ જ છે. જેના પર અદાલતે કહ્યું કે જો બીજા કાયદામાં આ સામેલ છે તો આઈપીસીની કલમ ૩૭૫માં અપવાદ શું કામ હોવો જોઈએ. આ કલમ અનુસાર કોઈ વ્યકિત પોતાની પત્ની સાથે શરીર સંબંધ બાંધવો બળાત્કાર નથી. અદાલતે કહ્યુ કે બળનો ઉપયોગ બળાત્કારની પૂર્વ શરત નથી. જો કોઈ વ્યકિત પોતાની પત્નિને આર્થિક દબાણ આપીને કહે કે જો તે પોતાની સાથે શારીરિક સંબંધ નહીં રાખે તો તેને ઘરખર્ચ અને બાળકોના ખર્ચ માટે પૈસા નહીં આપે અને આવી ધમકીના કારણે તેને તેમ કરવું પડે, પછી તે પતિની વિરૂદ્ધ બળાત્કારનો કેસ દાખલ કરે તો શું થશે ?

કેસમાં હજી દલીલો પુરી નથી થઈ અને આઠમી ઓગષ્ટે હવેની સુનાવણીમાં પણ દલીલો આગળ ચાલશે.

(11:32 am IST)