Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

નીરવ મોદી કૌભાંડનો ભોગ બનેલી પંજાબ નેશનલ બેન્કને સરકારે 2816 કરોડ રૂપિયા ફાળવ્યા: જાહેર ક્ષેત્રની પાંચ બેન્કોને નાણાં મંત્રાલય દ્વારા 11336 કરોડ રૂપિયાની ફાળવણી

ન્યુ દિલ્હી: નીરવ મોદી કૌભાંડનો સૌથી મોટો ભોગ બનેલી પંજાબ નેશનલ બેન્કને કેન્દ્ર સરકારે 2816 કરોડ રૂપિયા ફાળવવાની સાથે જાહેર ક્ષેત્રની પાંચ બેન્કોને  કુલ 11336 કરોડ રૂપિયા ફાળવ્યા છે. આ બેન્કોમાં PNB, કોર્પોરેશન બેન્ક અને આંધ્ર બેન્કનો સમાવેશ થાય છે. ચાલુ નાણાકીય વર્ષમાં સરકારે PSU બેન્કોને મૂડીકરણનો પહેલો હપતો આપ્યો છે. બાકીના ₹53,664 કરોડની વહેંચણી વર્ષ દરમિયાન કરવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર સરકારની યોજના પ્રમાણે નીરવ મોદી કૌભાંડનો ભોગ બનેલી PNBને સૌથી વધુ ₹2,816 કરોડ મળશે. ત્યાર પછી અલ્હાબાદ બેન્કને ₹1,790 કરોડ આપવામાં આવશે.

આંધ્ર બેન્કને ₹2,019 કરોડ, IOBને ₹2,157 કરોડ અને કોર્પોરેશન બેન્કને નાણામંત્રાલય ₹2,555 કરોડની સહાય કરશે. ઉલ્લેખનીય છે કે, એડિશનલ ટિયર-1 (AT-1) બોન્ડ્સના રોકાણકારોને વ્યાજની ચુકવણીના મુદ્દે આ બેન્કો પર દબાણ વધ્યું હતું. નાણાંની તીવ્ર તંગી ધરાવતી 4-5 બેન્કને સરકારે મૂડી આપવાનો નિર્ણય લીધો છે.

ઉલ્લેખનીય છે કે, બેન્કો ATI બોન્ડ્સ દ્વારા મૂડી એકત્ર કરે છે. આ પરપેચ્યુઅલ બોન્ડ્સ હોય છે અને એટલે રોકાણકારોને ઊંચું વ્યાજ આપે છે. બેડ લોનના પ્રમાણમાં વધારો અને સતત વધી રહેલી ખોટના કારણે બેન્કો માટે આ બોન્ડ્સનું વ્યાજ ચૂકવવાનું મુશ્કેલ બન્યું છે. તેને લીધે તેમના ડિફોલ્ટના જોખમમાં વધારો થયો છે.

અન્ય એક અધિકારીના જણાવ્યા અનુસાર RBIના પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શન (PCA) હેઠળની કેટલીક બેન્કોને સરકારની આ મૂડીસહાયથી ફાયદો થશે. તેમણે કહ્યું હતું કે, “આ બેન્કોએ ટિયર-2 બોન્ડ્સ ઇશ્યૂ કર્યા હતા. જેના વ્યાજની ચુકવણી સ્ટેચ્યુટરી મૂડી રેશિયો સાથે લિંક્ડ છે. અમે તેમની જરૂરિયાતનું મૂલ્યાંકન કરી રહ્યા છીએ.” અગાઉ ચાલુ વર્ષે સરકારે PCA હેઠળની બેન્કોને એડિશનલ ટિયર-1 બોન્ડ્સ રિકોલ કરવા જણાવ્યું હતું. ઓરિએન્ટલ બેન્ક અને બેન્ક ઓફ મહારાષ્ટ્રએ તો આ બોન્ડ્સ પાછા પણ ખેંચી લીધા છે.

રેટિંગ એજન્સી ICRAના તાજેતરના અહેવાલમાં જણાવ્યા અનુસાર 2017-’18નાં પરિણામ જાહેર કરનારી ૧૫ PSU બેન્કમાંથી પાંચ બેન્કની ટિયર-1 મૂડીની સ્થિતિ સાત ટકાની લઘુતમ મૂડી જરૂરિયાતની નજીક છે. અહેવાલમાં જણાવ્યા અનુસાર “બેઝલ-2 ધોરણો મુજબ ડેટ કેપિટલ ઇન્સ્ટ્રુમેન્ટ્સની ચુકવણીનો આધાર બેન્ક દ્વારા 9 ટકાની ટિયર-1 મૂડીના નિયમના પાલન પર હોય છે. એટલે રેગ્યુલેટરી કેપિટલ એડિક્વસી રેશિયો (CAR) 9 ટકાના સ્તરે રાખવામાં આવ્યો છે.

 

]]>

(11:30 am IST)