Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

કાગદડી પાસે 'કાળ'૯ ને 'કોળીયો' કરી ગયોઃ સોની વૃધ્ધ, ત્રણ સોની દંપતિ, પુત્ર અને કારચાલકના મોતથી કાળો કલ્પાંતઃ અંતિમયાત્રામાં આંસૂનો દરિયો

રાજકોટના વાણીયાવાડી, વિવેકાનંદનગર, ગ્વાલિયરથી આવેલું દંપતિ જયરાજપ્લોટના સોની યુવાનની કાર ભાડે કરી ભુજના લાકડીયાથી સૂરાપુરાના દર્શને ગયા'તાઃ સાંજે પરત આવતા'તા ને અકસ્માત નડ્યોઃ ટ્રક સાથે અથડાયા બાદ ઇકો કાર સળગીઃ વાણીયાવાડીના બલવંતભાઇ ઠાકરશીભાઇ કલાડીયા (ઉ.૬૪), તેમના ભાઇ દેવપરાના રમેશભાઇ ઠાકરશીભાઇ (ઉ.૫૭), પત્નિ મીનાબેન રમેશભાઇ (ઉ.૫૨), રમેશભાઇનો પુત્ર સાગર (ઉ.૨૪) તથા વિવેકાનંદનગરના મહેશભાઇ કલાડીયા (ઉ.૪૭) અને પત્નિ સંગીતાબેન મહેશભાઇ (ઉ.૪૫) તથા કાર ચાલક જયરાજ પ્લોટના સુરેશભાઇ આડેસરા અને ગ્વાલિયરથી આવેલા રાજેશભાઇ કલાડીયા (ઉ.૪૫) તથા પત્નિ ભાવનાબેન રાજેશભાઇ (ઉ.૩૮નો ભોગ લેવાયોઃ ૮ના રાત્રે મોત થયાઃ મહેશભાઇ કલાડીયાએ સવારે દમ તોડ્યો

કોણ કોને છાના રાખે?...: હતભાગી મૃતકો બલવંતભાઇ કલાડીયા, સાગર કલાડીયા, રમેશભાઇ કલાડીયા-મીનાબેન કલાડીયા, મહેશભાઇ કલાડીયા-સંગીતાબેન કલાડીયા, ગ્વાલિયરના ભાવનાબેન કલાડીયા-રાજેશભાઇ કલાડીયા તથા સોૈથી છેલ્લે કાર ચાલક સુરેશભાઇ આડેસરાની ફાઇલ તસ્વીરો જોઇ શકાય છે. નીચેની તસ્વીરમાં વાણીયાવાડી ખાતેથી બલવંતભાઇ કલાડીયા, તેમના ભાઇ રમેશભાઇ, તેના પત્નિ મીનાબેન રમેશભાઇ અને પુત્ર સાગર રમેશભાઇની અંતિમયાત્રા નીકળી ત્યારના દ્રશ્યો અને કરૂણ આક્રંદ કરતાં સ્વજનો જોઇ શકાય છે. અન્ય તસ્વીરમાં સુરેશભાઇ આડેસરાની અંતિમયાત્રાના દ્રશ્યો જોઇ શકાય છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૮: 'કાળ' કયારે, કયાં અને કેવી રીતે ભેટી જાય તેની ખબર પડતી નથી. રાજકોટના સોની પરિવારના ૯ લોકો સાથે આવું જ થયું છે. ગઇકાલે સવારે રાજકોટથી ભુજના લાકડીયા ગામે ઇકો કારમાં બેસી સૂરાપુરાના દર્શન કરવા નીકળેલા આ લોકોએ 'અમે રાત સુધીમાં પાછા આવી જઇશું' તેમ કહ્યું હતું...પણ કોઇને કયાં ખબર હતી કે 'કાળ' તેમની રાહ જોઇને જ બેઠો હશે!? લાકડીયાથી પરત ફરતી વેળાએ સાંજે સાડા આઠેક વાગ્યે ટંકારાથી રાજકોટ તરફ કાગદડીના પાટીયા પાસે ટ્રક રૂપી કાળ ભેટી ગયો હતો. ઇકો કાર ટ્રક સાથે અથડાતાં છના ઘટના સ્થળે, દંપતિનું રાજકોટ સિવિલમાં મોત નિપજ્યા બાદ વહેલી સવારે વધુ એકનું મોત થતાં મૃત્યુ આંક ૯ થયો હતો. કાગદડી પાસે ભેટેલા કાળથી સોની પરિવારોમાં કાળો કલ્પાંત સર્જાયો છે. વાણીયાવાડીના સોની વૃધ્ધ, તેના સગાભાઇ, ભાઇના પત્નિ, તેનો પુત્ર, ગ્વાલિયરનું એક દંપતિ, વિવેકાનંદનગરનું એક દંપતિ અને કારચાલક સોની યુવાન સહિત નવના મોત થતાં પરિવારોના માળા વેરણ-છેરણ થઇ ગયા છે. સવારે અંતિમયાત્રાઓ નિકળી ત્યારે કાળજા કંપાવતા દ્રશ્યો સર્જાયા હતાં...હજ્જારો આંખો રડી પડી હતી.

આ ગોઝારા અકસ્માતની વિગતો જણાવતાં હસનવાડી મેઇન રોડ પર શેરી નં. ૪ના ખુણે રહેતાં હસમુખભાઇ ઠાકરશીભાઇ કલાડીયા (સોની) (ઉ.૬૧)એ જણાવ્યું હતું કે, 'અમારા કલાડીયા પરિવારના સૂરાપુરા કલાબાપા ભુજ નજીક લાકડીયા ગામે બિરાજે છે. ત્યાં દર વર્ષે હોમહવનના આયોજન થતાં હોઇ ઠેકઠેકાણેથી કલાડીયા પરિવારના લોકો ત્યાં દર્શન કરવા જાય છે. ગઇકાલે વાણીયાવાડી-૩માં વૃજ વિશાખા એપાર્ટમેન્ટમાં રહેતાં મારા મોટા ભાઇ બલવંતભાઇ ઠાકરશીભાઇ કલાડીયા (ઉ.૬૪), દેવપરામાં ભાડેથી રહેતાં મારા નાના ભાઇ રમેશભાઇ ઠાકરશીભાઇ કલાડીયા (ઉ.૫૭), તેના પત્નિ મીનાબેન રમેશભાઇ કલાડીયા (ઉ.૫૨), તેનો પુત્ર સાગર રમેશભાઇ કલાડીયા (ઉ.૨૪) તેમજ વિવેકાનંદનગર-૭-ડીના ખુણે રહેતાં અમારા કુટુંબી ભાઇ મહેશભાઇ પ્રવિણચંદ્ર કલાડીયા (ઉ.૪૭), તેના પત્નિ સંગીતાબેન મહેશભાઇ કલાડીયા (ઉ.૪૫) તેમજ ગ્વાલિયરથી લક્ષ્મીવાડીમાં સાઢુભાઇના ઘરે આવેલા રાજેશભાઇ રસિકભાઇ કલડીાય (ઉ.૪૫) તેમજ તેના પત્નિ ભાવનાબેન રાજેશભાઇ કલાડીયા (ઉ.૪૨) એમ કુલ આઠ લોકો જયરાજ પ્લોટ-૯માં રહેતાં અમારા સોની પરિવારના જ કારચાલક સુરેશભાઇ જયંતિભાઇ આડેસરા (ઉ.૪૦)ની ઇકો કાર નં. જીજે૩એફડી-૬૫૬૩ ભાડે બાંધીને લાકડીયા ગામે ગયા હતાં.'

હસમુખભાઇએ વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે આ આઠેય લોકો મંગળવારે સવારે સાતેક વાગ્યે રવાના થયા હતાં અને રાત્રે જ પરત રાજકોટ આવી જવાના હતાં.  દરમિયાન સાંજે સાડાઆઠ પોણાનવેક વાગ્યે મારા દિકરા ગોૈરવે મને ફોન કરી જણાવેલ કે મારા ભાઇઓ, ભાભી, ભત્રીજા સહિતના જે કારમાં લાકડીયા ગયા હતાં તે કારને મોરબી રોડ પર કાગદડી પાસે ટ્રક સાથે અકસ્માત નડ્યો છે અને બધાને સિવિલ હોસ્પિટલે લઇ આવે છે. આ સાંભળતા જ હું તથા બીજા પરિવારજનો હોસ્પિટલે દોડી ગયા હતાં. હોસ્પિટલે મારા ભાઇઓ, ભાભી, ભત્રીજા, ગ્વાલિયરના પતિ-પત્નિ, કાર ચાલક સહિત આઠના મૃતદેહ જ લાવવામાં આવ્યા હતાં. ગંભીર ઇજા પામેલા વિવેકાનંદનગરના મહેશભાઇ કલાડીયાને સિનર્જી હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતાં. પણ વહેલી સવારે તેણે પણ દમ તોડી દેતાં કારમાં બેઠેલા તમામ ૯ લોકો કાળનો કોળીયો થઇ ગયા હતાં.

કાગદડી નજીક ખોડિયાર આશ્રમ પાસે આ અકસ્માત સર્જાયો હતો. કાર રાજકોટ તરફ આવી રહી હતી ત્યારે સામેથી નંબર વગરનો ટ્રક કાર સાથે ધડાકાભેર અથડાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે મહેશભાઇ, રાજેશભાઇ અને ભાવનાબેન સિવાયના છ લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતાં. બધાને બહાર કાઢી લેવાયા હતાં પણ કારચાલક સુરેશભાઇ અંદર જ ફસાયેલા હતાં. ત્યાં જ કારમાં આગ ભભૂકી ઉઠી હતી અને ચાલકનો કારમાં ફેસાયેલો મૃતદેહ લગભગ વીસેક મિનીટ સુધી ભડભડ સળગતો રહ્યો હતો.

ગોઝારા અકસ્માતની જાણ થતાં કાગદડી આસપાસ દોઢેક કિલોમીટર સુધી ટ્રાફિક જામ થઇ ગયો હતો. બનાવને પગલે ડીસીપી બલરામ મીના, ડીસીપી કરણરાજ વાઘેલા, એડી. ડીસીપી હર્ષદ મહેતા, કુવાડવાના પી.આઇ. એ. આર. મોડીયા, પીએસઆઇ પી. સી. મોલીયા, એએસઆઇ હમીરભાઇ, હેમતભાઇ, રાઇટર એએસઆઇ હીરાભાઇ રબારી, હિતેષભાઇ ગઢવી સહિતનો કાફલો દોડી ગયો હતો. મોરબી અને ટંકારા પોલીસનો કાફલો પણ મદદે દોડી આવ્યો હતો. કલાકો બાદ ટ્રાફિક કલીયર થયો હતો. આઠેય મૃતદેહોને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ માટે ખસેડાયા હતાં.

કુવાડવા પોલીસે મૃતકો પૈકીના બલવંતભાઇ કલાડીયાના ભાઇ હસનવાડીમાં રહેતાં અને ગુંદાવાડીમાં ઇમિટેશનનું કામ કરતાં હસમુખભાઇ ઠાકરશીભાઇ કલાડીયાની ફરિયાદ પરથી નંબર વગરના ટ્રકના ચાલક વિરૂધ્ધ આઇપીસી ૧૭૯, ૩૩૭, ૩૦૪ (અ), એમવીએકટ ૧૭૭, ૧૩૪, ૧૮૪ મુજબ બેદરકારીથી ટ્રક હંકારી અકસ્માત સર્જી મોત નિપજાવવા સબબ ગુનો નોંધ્યો હતો. અકસ્માત બાદ ટ્રક રેઢો મુકીને ચાલક ભાગી ગયો હતો.

અંતિમયાત્રામાં કરૂણ દ્રશ્યો

હતભાગી મૃતકોમાં વાણીયાવાડીના બલવંતભાઇ ઠાકરશીભાઇ કલાડીયા (ઉ.૬૪) તથા દેવપરામાં રહેતાં તેમના ભાઇ રમેશભાઇ ઠાકરશીભાઇ કલાડીયા (ઉ.૫૭), તેમના પત્નિ મીનાબેન (ઉ.૫૨) અને એકના એક પુત્ર સાગર (ઉ.૨૪)ની અંતિમયાત્રા સવારે વાણીયાવાડી-૩માં આવેલા બલવંતભાઇના નિવાસ સ્થાનેથી નીકળી હતી. બે સગા ભાઇ, પતિ-પત્નિ અને પુત્ર એમ ચાર ચાર સ્વજનોની એક સાથે અરથી ઉઠતાં આંસૂનો દરિયો ઘુઘવ્યો હતો. કોણ કોને છાના રાખે એ જ સમજ પડતી નહોતી. સ્વજનોના કરૂણ આક્રંદથી પાષાણ હૃદય પણ પીગળી ગયા હતાં. જ્યારે વિવેકાનંદનગર-૭-ડીમાંથી મહેશભાઇ પ્રવિણચંદ્ર કલાડીયા (ઉ.૪૭) અને તેમના પત્નિ સંગીતાબેન કલાડીયા (ઉ.૪૫)ની અંતિમયાત્રા તેમના નિવાસેથી અને કારચાલક સુરેશભાઇ જયંતિભાઇ આડેસરા (ઉ.૪૦)ની અંતિમયાત્રા જયરાજપ્લોટ ખાતેના તેમના નિવાસેથી નીકળી હતી. તમામના સ્વજનોના હૈયાફાટ રૂદને હજ્જારો આંખોને ભીંજવી નાંખી હતી.

રાજેશભાઇ અને ભાવનાબેનના મૃતદેહ ગ્વાલિયર લઇ જવાયા

મુળ રાજકોટના રાજેશભાઇ રસિકભાઇ કલાડીયા (ઉ.૪૫) અને તેમના પત્નિ ભાવનાબેન રાજેશભાઇ કલાડીયા (ઉ.૩૮)  સૂરાપુરાના દર્શન કરવા માટે જ રાજકોટ આવ્યા હતાં અને લક્ષ્મીવાડીમાં સાઢુભાઇના ઘરે ઉતર્યા હતાં. ત્યાંથી બંને કલાડીયા પરિવારના બીજા લોકો સાથે જોડાયા હતાં.  આ બંનેના મૃતદેહ વહેલી સવારે ગ્વાલિયર લઇ જવામાં આવ્યા હોવાનું જણાવાયું હતું.

નાના ભાઇ, તેના પત્નિ અને ભત્રીજા સાથે મોતને ભેટેલા બલવંતભાઇ પાંચ ભાઇ, ત્રણ બહેનમાં મોટા હતાં: એક જ પરિવારના ચાર સભ્યોના એક સાથે મોત

. ગોઝારા અકસ્માતમાં મોતને ભેટેલા વાણીયાવાડી-૩માં રહેતાં બલવંતભાઇ ઠાકરશીભાઇ કલાડીયા (ઉ.૬૪) પાંચ ભાઇ અને ત્રણ બહેનમાં મોટા હતાં અને નિવૃત જીવન જીવતાં હતાં. તેમના પત્નિ ઘરે જ રોકાયા હતાં. સંતાનમાં બે પુત્ર અતુલભાઇ, હર્ષદભાઇ, ત્રણ પુત્રીઓ અલ્કાબેન, રાજેશ્રીબેન અને મયુરીબેન છે. પુત્રો સોની કામ કરે છે. બલવંતભાઇના અન્ય ભાઇઓના નામ વિનુભાઇ (રહે. બેડીનાકા), હસમુખભાઇ (રહે. હસનવાડી) અને રાજેશભાઇ (રહે. કુંભારવાડા) છે. દેવપરામાં રહેતાં નાના ભાઇ રમેશભાઇ, તેના પત્નિ મીનાબેન અને આ બંનેનો એકનો એક ૨૪ વર્ષનો દિકરો સાગર પણ બલવંતભાઇની સાથે જ મોતને ભેટ્યા છે. એક જ કુટુંબે ચાર-ચાર સ્વજનોએ એક સાથે ગુમાવતાં પરિવારના હર્યાભર્યા માળા વીખેરાઇ ગયા છે.   બળવંતભાઇના બંને પુત્રો સોની કામ કરે છે. તેમજ રમેશભાઇ અને સાગર પણ સોની કામ કરતાં હતાં. બનાવથી ઝાલાવાડી વાણીયા સોની સમાજમાં પણ અરેરાટી સાથે ગમગીની છવાઇ ગઇ છે.

ગ્વાલીયરથી રાજેશભાઇ અને પત્નિ ભાવનાબેન ખાસ દર્શન કરવા આવ્યા'તા...

પરત મૃતદેહ જ પહોંચ્યાઃ બે બહેનના એક જ ભાઇ હતાં

. મુળ રાજકોટના અને લાંબા સમયથી ગ્વાલિયરમાં સ્થાયી થયેલા તેમજ ત્યાં સોની કામં  કરતાં રાજેશભાઇ રસિકભાઇ કલાડીયા (ઉ.૪૫) અને તેમના પત્નિ ભાવનાબેન રાજેશભાઇ કલાડીયા (ઉ.૪૫) ગ્વાલિયરથી ખાસ સૂરાપુરાના દર્શને લાકડીયા જવા માટે જ રાજકોટ આવ્યા હતાં. તેઓ પરમ દિવસે મોડી રાત્રે રાજકોટ આવ્યા હતાં અને લક્ષ્મીવાડીમાં રહેતાં ભાવનાબેનના બહેનના ઘરે રોકાયા બાદ ગઇકાલે સવારે રાજકોટથી ઇકો કારમાં કલાડીયા પરિવારના અન્ય લોકો સાથે ભુજ જવા રવાના થયા હતાં. ભાવનાબેને બહેનને પોતે રાત્રે પાછા આવી જશે તેમ કહ્યું હતું. પણ રાત્રે બંનેના મૃતદેહ જ પાછા આવતાં સ્વજનો શોકમાં ગરક થઇ ગયા હતાં. બંનેના મૃતદેહને અંતિમવિધી માટે ગ્વાલિયર લઇ જવાયા હતાં. મૃતક બે બહેનના એકના એક ભાઇ હતાં. રાજકોટથી બંનેના મૃતદેહ વહેલી સવારે જ શબવાહીની મારફત ગ્વાલિયર મોકલાયા હતાં. મૃતકને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે જે ત્રણેય અભ્યાસ કરે છે. માતા-પિતા એક સાથે ગુમાવતાં ત્રણેય નોધારા થઇ ગયા છે.

મહેશભાઇ અને ભાવનાબેનના મોતથી બે પુત્રી નિધી અને આયુષી મા-બાપ વિહોણી

. વિવેકાનંદનગર શેરી નં. ૭-ડીમાં રહેતાં અને અકસ્માતમાં ધર્મપત્નિ સંગીતાબેન સાથે મોતને ભેટેલા મહેશભાઇ પ્રવિણચંદ્ર કલાડીયા (ઉ.૪૭) બે ભાઇ અને બે બહેનમાં મોટા હતાં. તેમના અન્ય ભાઇનું નામ મયુરભાઇ છે અને બહેનોના નામ રીટાબેન તથા રેખાબેન છે. મહેશભાઇને રજપૂતપરામાં ચેતના ડાઇનીંગ હોલ નીચે સ્કૂલ બેગની દૂકાન છે. ત્યાં બેસી વેપાર કરતાં હતાં. સંતાનમાં બે પુત્રી નિધી (ઉ.૨૩) અને આયુષી (ઉ.૧૮) છે. નિધી પ્રાઇવેટ જોબ કરે છે અને આયુષી કોલેજમાં અભ્યાસ કરે છે. આ બંને દિકરી પરથી મા-બાપ બંનેની છત્રછાંયા ગુમાવતાં અરેરાટી વ્યાપી ગઇ છે. મહેશભાઇના પિતા હયાત નથી, માતા વીણાબેન હયાત છે. વૃધ્ધ જનેતાએ એક કંધોતર અને પુત્રવધૂ ગુમાવતાં તે તે પણ ઉંડા આઘાતમાં ગરક થઇ ગયા છે.

કાર ચાલક સુરેશભાઇ છ ભાઇમાં સૌથી નાનાઃ પત્નિ-પુત્રી નોધારાઃ જયરાજપ્લોટના આડેસરા પરિવારજનો શોકમાં ગરક

. જે ઇકો કારને અકસ્માત નડ્યો અને બાદમાં સળગી ગઇ તે કારના ચાલક સુરેશભાઇ જયંતિભાઇ આડેસરા (ઉ.૪૦) જયરાજ પ્લોટ-૯માં રહેતાં હતાં અને ટ્રાવેલીંગનું કામ કરી ગુજરાન ચલાવતાં હતાં. તે છ ભાઇમાં સોૈથી નાના હતાં. તેમના મોતથી પત્નિ કાજલબેન અને ૧૭ વર્ષની દિકરી રિન્કુ (રોહીણી) નોધારા થઇ ગયા છે. સુરેશભાઇના પિતા હયાત નથી. માતાનું નામ હંસાબેન છે. દર વર્ષે રાજકોટથી સોની કલાડીયા પરિવારના લોકો ભુજ સૂરાપુરાના દર્શને જાય ત્યારે મોટે ભાગે સુરેશભાઇ જ તેમની કાર લઇને સાથે જતાં હતાં. તેઓ પણ પત્નિ-પુત્રીને રાતે તો પરત આવી જશે તેમ કહીને ગયા હતાં. પણ કોઇને કયાં ખબર હતી કે સુરેશભાઇના બદલે તેમનો ભડથુ થઇ ગયેલો દેહ જ પાછો આવશે? અકસ્માત બાદ સુરેશભાઇ કારમાં ફસાઇ ગયા હતાં અને કાર સળગી ઉઠતાં તેમનો દેહ ભડથું થઇ ગયો હતો. (

(10:34 am IST)