Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

શિકાગોની જૈન સોસાયટી ઓફ મેટ્રોપોલીટન શિકાગોએ પોતાના જીનાલયની રજત જયંતી મહોત્‍સવની રંગેચંગે કરેલી ઉજવણીઃ રર મી જુનથી ૧લી જુલાઇ દરમ્‍યાન દસ દિવસોનું કરેલું ભવ્‍ય આયોજનઃ ઇલીનોઇ રાજયના ગવર્નર બ્રુસ રાઉનરે ર૯મી જુનનો દિવસ સમગ્ર રાજયમાં અહિંસા દિન તરીકે ઉજવવાની કરેલી ઘોષણાઃ કુક કાઉન્‍ટીના અધીકારીઓએ એક ઘોષણાપત્ર દ્વારા જૈન સોસાયટી સમાજ હિર્તાર્થે જે કાર્ય કરી રહેલ છે તેની સરાહના કરવામાં આવીઃ ગુરૂદેવ ચિત્ર-ભાનુજીના જીવંત સ્‍મારકનું થયેલું ઉદઘાટનઃ પ્રમોદાબેને આપેલી હાજરીઃ તિર્થભૂમિ ગિરિરાજ પાલીતાણા ડુંગરની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી હજારોની સંખ્‍યામાં શ્રાવક અને શ્રાવિકાએ લાભ લીધોઃ મોટા ભાગના લોકોએ નવ્‍વાણુની જાત્રા કરી ધન્‍યતા પ્રાપ્ત કરીઃ સંઘના ચેરમેન અતુલ શાહ તેમજ પ્રમુખ વિપુલ શાહે સૌનો માનેલો આભાર

(કપિલા શાહ દ્વારા) બાર્ટલેટ(શિકાગો): શિકાગો નજીક બાર્ટલેટ ટાઉનમાં જૈન સમાજના લોકોનું એક ભવ્‍ય અને કલાત્‍મક જૈન જિનાલય આવેલ છે. અને તેને રપ વર્ષ જેટલો સમય પરિપૂર્ણ થતો હોવાથી જૈન સોસાયટી ઓફ મેટ્રોપોલીટન શિકાગોના સંચાલકોએ રરમી જુનથી ૧લી જુલાઇના સમય દરમ્‍યાન દસ દિવસ માટે રજત જયંતી મહોત્‍સવનું આયોજન કર્યુ હતુ અને તેને સારી એવી  સફળતા મળી હતી. આ દસ દિવસ માટે યોજવામાં  આવેલું રજત જયંતિ મહોત્‍સવ દરમ્‍યાન એવરેજ એક અંદાજ અનુસાર બે હજાર જેટલા લોકોએ હાજરી આપી અને આ સમય દરમ્‍યાન વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમો  તથા પ્રવચનોનું આયોજન કરવમાં આવ્‍યું હતુ અને તેની સાથે સાથે  સાંસ્‍કૃતિક કાર્યક્રમ તેમજ મુંબઇના બે પ્રખ્‍યાત નાટકો જેમાં શેઠ મોતીશા  તથા વીરના વારસદારનો સમાવેશ થાય છે તે અત્રે રજુ કરવામાં આવ્‍યા હતા  અને તેની  સાથે સાથે શિકાગો જૈન સંઘના કલાકારો દ્વારા એક નૃત્‍ય નાટિકા નેમ રાજુલ તેમજ પાઠશાળાના બાળકો દ્રારા કાર્મિક ફાર્સીસ નામનું સુંદર નાટક રજુ કરવામાં આવ્‍યા હતો.

રજત જયંતિ મહોત્‍સવમાં ભાગ લેવા માટે ભારતથી (૧) ડો. કુમારપાળ દેસાઇ (ર) મારૂકિર્તિ ભટૃારકજી (૩) ડો. સંજીવ ગોધા (૪) વિધિલર હિતેશ શાહ (પ) નરેન્‍દ્ર નંદુ (૬) શ્રી જીનચંદ્રજી (૭) ડો. લોકેશ મુનીજી (૮) દિપકભાઇ શાહ બારડોલી વાલા (૯)  દિપકભાઇ જૈન (૧૦) પ્રમોદાબેન ચિત્રભાનુજી (૧૧)  સંજય શાહ (૧ર) ગુરૂદેવ રાકેશભાઇ ઝવેરી (૧૩) સમન શ્રુતપ્રસાજી (૧૪) લલીતભાઇ ધામી (૧પ) સન્‍મુખભાઇ  ભકત (૧૬) શ્રીમતી તરલાબેન દોશી (૧૭)  ડો. મંજુ જૈન (૧૮)  રાહુલ કપુર (૧૯)  જીનયભાઇ શાહ તથા અન્‍યજનો ખાસ  શિકાગો પધાર્યા હતા અને તેમણે  જૈન ધર્મને સ્‍પર્શતા વિવિધલક્ષી પ્રવચનો કર્યા હતા.

આ પ્રસંગે ઇલીનોઇ રાજયમાં વિવિધ પ્રકારના હોદાઓ ભોગવતા રાજકીય  આગેવાનો તેમજ સરકારી અધીકારીઓ જેમાં (૧) બ્રુસ રાઉનર ગવર્નર  ઇલીનોઇ રાજય (ર) નિતા ભૂષણ કોન્‍સ્‍યુલ જનરલ શિકાગો (૩) રાજા કૃષ્‍ણમૂર્તિ યુ એસ કોંગ્રેસમેન (૪) પીટર રોસ્‍કોમ કોંગ્રેસમેન (પ) ક્રિસ્‍ટીન વીંગર (૬) લોરા મરફી સ્‍ટેટ રીપ્રેઝટેન્‍ટીવ તેમજ  ટોમ કલરટન સ્‍ટેટ સેનેટર તથા બાર્ટલેટ ટાઉનના ટ્રસ્‍ટી અને ટીમ સ્‍નાઇડર કુક કાઉન્‍ટી કમીશ્નર તથા શામ્‍બર્ગ ટાઉનશીપના ટ્રસ્‍ટી નિમિષભાઇ જાનીનો  સમાવેશ  થાય છે તે સર્વેએ આ રજત જયંતિ મહોત્‍સવમાં હાજરી આપી હતી.

ઇલીનોઇ રાજયના  ગવર્નર  બ્રુસ  રાઉનર જેવા જૈન સેન્‍ટરના પટાંગણમાં  પધાર્યા હતા તે વેળા અતુલ શાહ ચેરમેન, વિપુલ શાહ પ્રમુખ, ડો. મુકેશ દોશી ભૂતપૂર્વ ચેરમેને તેમનું સ્‍વાગત કર્યુ હતુ અને  તેઓ સર્વે જૈન જિનાલયમાં ગયા હતા અને ત્‍યાં આગળ મુળ નાયક ભગવાન મહાવીર સ્‍વામીની આરતી ઉતારી હતી અને જિનાલય વિષે માહિતી મેળવી હતી. તેમણે ધ્‍યાન મંદિરની પણ મુલાકાત લીધી હતી અને ડો. મુકેશભાઇ દોશીએ  ગવર્નરશ્રીને ધ્‍યાન મંદિર અને તેમાં મુકવામાં આવેલ ધ્‍યાન અંગેના ભીન્ન ભીન્ન ચિત્રો અંગે સંપૂર્ણ માહિતી આપી હતી. ત્‍યારબાદ  તેઓ કલ્‍ચરલ  કોમ્‍પલેક્ષમાં પધારતા હાજર રહેલા સંઘના તમામ ભાઇ બહેનોએ  ઉભા થઇને ઉષ્‍મા ભર્યો આવકાર આપ્‍યો હતો અને તે નિહાળી ગવર્નરશ્રી ભાવ વિભોર બની ગયા હતા.

જૈન સોસોસાયટીના સંચાલકોએ  ગવર્નરશ્રીનું જાહેર સન્‍માન કર્યા બાદ તેમણે  પોતાના પ્રવચનમાં જૈન સમાજના સભ્‍યોએ ઇલીનોઇ  રાજયના વિકાસમાં જે અમુલ્‍ય સહયોગ અને ફાળો આપેલ છે તેની તેમણે મુકત કંઠે પ્રશંસા કરી હતી. આ સમયે  તેમણે તમામ સભ્‍યો સમક્ષ એક  જાહેરનામાનું વાંચન કર્યુ હતુ અને  તેમાં તેમણે સમગ્ર ઇલીનોઇ  રાજયમાં ર૯મી જુનનો દિવસ અહિંસા દિન તરીકે  ઉજવવાની જાહેરાત કરતાં તમામ  સભ્‍યોએ  આ કરવામાં આવેલી જાહેરાતને તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી. આ વેળા તેમના વરદ હસ્‍તે શાકબર્ગ ટાઉનશીપના ટ્રસ્‍ટી નિમિષભાઇ જાનીનું પણ જાહેર સન્‍માન કરવામાં આવ્‍યું હતુ.

આ દસ દિવસના મહોત્‍સવમાં વિવિધ પ્રકારના પૂજનો ભણાવવામાં આવ્‍યા હતા જેમાં વિધિકાર હિતેશભાઇ શાહ, નરેન્‍દ્રભાઇ નંદુ તેમજ જીનયભાઇ શાહ અને લલીતભાઇ  ધામીએ સારો એવો સહયોગ આપ્‍યો હતો. જૈન સોસાયટીના વિશાળ પટૃાંગણમાં તિર્થાધીરાજ ગિરિરાજની પ્રતિકૃતિ તૈયાર કરવામાં  આવી હતી અને તમામ લોકોએ  આ ભવ્‍ય તીર્થની આરાધના  કરી હતી અને મુલાકાત પણ લીધી હતી.

જુન માસની ૩૦મી તારીખને  શનિવારે શોભાયાત્રાનું  આયોજન કરવામાં આવ્‍યું હતુ આ વેળા સખત પ્રમાણમાં ગરમી પડતી હોવાથી પ૦૦ જેટલા સભ્‍યોએ તેમાં ભાગ લીધો હતો અને પ્રભુજીને પાલખીમાં પધરાવવામાં આવ્‍યા હતા અને સૌ સભ્‍યોએ તેનો  લાભ લીધો હતો. ભારતથી પધારેલા જાણીતા ગાયક વિકિ ડી. પારેખે સંગીતનો પ્રોગ્રામ રજુ કર્યો હતો. આ દિવસો દરમ્‍યાન શિખરજી ધ્‍વજાઓ પણ બદલવામાં આવી હતી તેમજ ભગવાન મહાવીર સ્‍વામીના ચિત્રોની  ગેલેરી તથા સરસ્‍વતી દેવીની દાર્શનીક પ્રતિમાજીની પણ ᅠઅનાવરણ વિધિ કરવામાં આવી હતી.ᅠ

શિકાગોના  જૈન સઘની સાથે ગુરૂદેવ ચિત્રભાનુજીનો આત્‍મીયતાનો  નાતો રહ્યો હોવાથી તેમના જીવંત સ્‍મારકમાં આરસની તેમની અર્ધ પ્રતિમાની અનાવરણ વિધિ સતીષભાઇ અને કિન્નાબેન તેમજ  રવીન્‍દ્ર અને પલ્લવી કોબા વાલાના વરદ હસ્‍તે કરવામાં આવી હતી. આ વેળા ગુરૂદેવ ચિત્રભાનુજીના ધર્મપત્‍ની પ્રમોદાબેન તથા પૂ્‌ત્ર દર્શને પરિવારની સાથે હાજરી આપી હતી. આ વેળા સાંસ્‍કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતુ. નાની વયના કિશોરો તથા કિશોરીઓ માટે ફીલ્‍ડ ટ્રીપનું પણ આયોજન  કરવામાં આવેલ જેમાં ૧૦૦  જેટલા લોકોએ ભાગ લીધો હતો.

શિકાગોના  જૈન જિનાલયની રજતજયંતિ મહોત્‍સવના સંઘપતિઓ તરીકે (૧)કિશોરચંદ્ર છગનલાલ શાહ તથા રશ્‍મીબેન કિશોરચં્‌દ્ર શાહ (ર) પ્રબોધભાઇ અને લતાબેન વૈધ (૩) સંજય અને હેમાલી શાહ (૪) ડો.શૈલેષ અને મયુરીબેન શાહ તથા (પ) જયેન્‍દ્રભાઇ અને  લીનાબેન શાહ હતા.

જૈન સોસાયટીના ચેરમેન અતુલ શાહ તેમજ પ્રમુખ વિપુલ શાહે જૈન જિનાલયનો રજત જયંતિ મહોત્‍સવ વિના વિધ્ને પરિપૂર્ણ થયો તે બદલ આનંદની લાગણીઓ વ્‍યકત કરી હતી તેમજ સંઘના  સભ્‍યોએ આ કાર્ય પરિપૂર્ણ કરવા માટે  ઉદાર દિલે અનુદાનો આપી કૃતજ્ઞતા વ્‍યકત કરી તે બદલ તે  સર્વેનો તેમજ  ર૦૦ જેટલા  વોલેન્‍ટરી ભાઇ બહેનોએ જે સેવાઓ આપી તેઓનો તેમણે  હ્‍દયપુર્વક આભાર માન્‍યો હતો.

(11:20 pm IST)