Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

ગૌરક્ષાના નામે કોઇપણ વ્‍યક્તિ કાયદાને હાથમાં લઇ ન શકેઃ ગૌરક્ષાના નામે હિંસા માટે કાયદો વ્‍યવસ્‍થાને મજબુત બનાવવાની જરૂરઃ આવી હિંસા ફેલાતી અટકાવવા રાજ્ય સરકારે પગલા ભરવા જોઇએઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ ગૌરક્ષાના નામે થતી હિંસાને રોકવાની જવાબદારી રાજ્ય સરકારની છે તેમ સુપ્રીમ કોર્ટ દ્વારા એક અરજીની સુનાવણી દરમિયાન જણાવવામાં આવ્યું હતું.

સુપ્રીમ કોર્ટે કેંદ્ર સરકાર અને રાજ્ય સરકારને નિર્દેશ જાહેર કરતાં કહ્યું કે 4 અઠવાડિયામાં મોબ લિચિંગ પર દિશા-નિર્દેશ જાહેર કરે. કોર્ટે કહ્યું કે ગૌરક્ષાના નામે કોઇપણ વ્યક્તિ કાયદાને હાથમાં લઇ ન શકે. કેંદ્ર અને રાજ્ય સરકારને ગાઇડલાઇન જાહેર કરતાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે ગૌરક્ષાના નામ પર થનારી હિંસા માટે કાયદો વ્યવસ્થાને મજબૂત બનાવવાની જરૂર છે. 

ગત સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું હતું કે રાજ્ય સરકારોની જવાબદારી છે કે ભીડ દ્વારા આ પ્રકારની હિંસાને કોઇપણ ભોગે અટકાવે. કોર્ટે કહ્યું હતું કે આ ફક્ત કાયદો વ્યવસ્થા સાથે સંકળાયેલો મામલો નથી, પરંતુ આ એક ગુનો છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે કોઇપણ વ્યક્તિને કાયદાને હાથમાં લે તેને સહન કરી લેવામાં નહી આવે. કોર્ટે કહ્યું હતું કે આ મામલે દોષીને કડક સજા મળવી જોઇએ.

અરજીકર્તા ઇંદિરા જયસિંહે કહ્યું કે ભારતમાં અપરાધીઓ માટે ગૌરક્ષાના નામે હત્યા કરવી ગર્વની વાત બની ગઇ છે. તેમણે કહ્યું કે સરકાર પોતાના નાગરિકોના અધિકારોની રક્ષા કરવામાં વિફળ રહી છે અને તેના જીવનની સુરક્ષાની ગેરેન્ટી આપવામાં આવતી નથી. તેમણે કહ્યું કે સરકારો આ પ્રકારના ગુના કરનારાઓ પર સખત કાર્યવાહી કરવામાં વિફળ રહી છે. એટલા માટે સમયની માંગ છે કે તેના વિશે સ્પષ્ટ દિશાનિર્દેશ જાહેર કરવામાં આવે.  

સુનાવણી દરમિયાન એડિશનલ સોલિસિટર જનરલ પી.એસ. નરસિમ્હાએ કહ્યું હતું કે કેંદ્ર સરકાર આ મામલે સજાગ અને સર્તક છે, પરંતુ મુખ્ય સમસ્યા કાનૂન વ્યવસ્થાની છે. કાનૂન વ્યવસ્થા પર કાબૂ રાખવો રાજ્યોની જવાબદારી છે. કેંદ્ર તેમાં ત્યાં સુધી દરમિયાનગિરી ન કરી શકે જ્યાં સુધી રાજ્ય સરકાર પોતે અપીલ ન કરે. 

(5:32 pm IST)