Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

કોરોનાના ડેલ્ટા વેરિયેન્ટએ દુનિયાભરમાં હાહાકાર મચાવ્યો :બ્રિટનમાં એક જ સપ્તાહમાં ૩૩,૬૩૦ કેસ

અમેરિકામાં પણ ડેલ્ટાથી હાહાકાર મચાવે તેવી શક્યતા : ત્રીજી લહેર માટે ડેલ્ટા વેરિયેન્ટ જવાબદાર ઠરે એવી દહેશત વ્યક્ત કરતું WHO

લંડન :ભારતમાં સૌપ્રથમ જોવા મળેલાં કોરોનાના ડેલ્ટા વેરિયેન્ટએ દુનિયાભરમાં હાહાકાર મચાવ્યો છે બ્રિટનમાં એક જ સપ્તાહમાં ૩૩,૬૩૦ કેસ આ વેરિયેન્ટના જોવા મળ્યા હતા. તો અમેરિકામાં પણ ડેલ્ટાથી હાહાકાર મચે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને આ અંગે ચેતવણી આપી હતી.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ડેલ્ટા વેરિયેન્ટ અંગે ચેતવણી આપતા કહ્યું હતું કે કોરોના વાયરસનો આ વેરિયેન્ટ ધીમે ધીમે ખતરનાક બનવા લાગ્યો છે. પહેલાં ભારતમાં નોંધાયેલા વાયરસના આ પ્રકારે હવે દુનિયામાં તરખાટ મચાવવાનું શરૃ કર્યું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને તો દુનિયામાં ત્રીજી લહેર માટે ડેલ્ટા વેરિયેન્ટ જવાબદાર ઠરે એવી પણ દહેશત વ્યક્ત કરી હતી. ડબલ્યુએચઓના કહેવા પ્રમાણે અત્યારે દુનિયામાં જેટલા કેસ નોંધાઈ રહ્યા છે, એમાં ડેલ્ટાનું પ્રમાણ નોંધપાત્ર જોવા મળી રહ્યું છે. ડેલ્ટામાં વાયરસ પ્રસરાવવાની ક્ષમતા વધુ હોવાથી તે દુનિયામાં કોરોના ફરીથી ફેલાવવા માટે કારણભૂત બની રહ્યો છે. ડેલ્ટા વેરિયેન્ટમાં સંક્રમણની ક્ષમતા આલ્ફા વેરિએન્ટની સરખામણીએ ૫૦ ટકા વધારે છે.
બ્રિટનમાં એક જ સપ્તાહમાં કુલ ૭૫,૯૫૩ કેસ નોંધાયા હતા, એમાંથી ડેલ્ટા વેરિયેન્ટના જ ૩૩૬૩૦ કેસ નોંધાયા હતા. બ્રિટનમાં બીજા બધા વેરિયેન્ટની સરખામણીએ ડેલ્ટા વધુ ઝડપથી ફેલાઈ રહ્યો છે. અમેરિકામાં પણ આ વેરિયેન્ટથી હાહાકાર મચે તેવી દહેશત ફેલાઈ છે. ધ સેન્ટર ફોર ડિસીસ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના ડિરેક્ટર રોશેલે વેલેન્કીએ કહ્યું હતું કે ડેલ્ટા વાયરસ આગામી દિવસોમાં અમેરિકામાં સૌથી વધુ ફેલાતો કોરોનાનો પ્રકાર હોય એવી પૂરી શક્યતા છે. ડેલ્ટામાં ખૂબ જ ઝડપથી ફેલાવાની ક્ષમતા હોવાથી આ વાયરસ અન્ય વેરિયેન્ટ કરતાં વધુ ઘાતક સાબિત થઈ રહ્યો છે.
દરમિયાન બ્રાઝિલમાં મૃત્યુઆંક પાંચ લાખને પાર થઈ ગયો છે.

(11:40 pm IST)