Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

બોલીવૂડની બે અભિનેત્રીની ચોરીના કેસમાં ધરપકડ થઇ

લોકડાઉનમાં કામ ન મળતા અભિનેત્રીઓ ચોરીના રવાડે : પોપ્યુલર ક્રાઈમ શો સાવધાન ઈન્ડિયા અને ક્રાઈમ પેટ્રોલમાં કામ કરતી બે એક્ટ્રેસે ત્રણ લાખની ચોરી કરી

મુંબઈ, તા. ૧૮ : મુંબઈ પોલીસે પોપ્યુલર ક્રાઈમ શો સાવધાન ઈન્ડિયા અને ક્રાઈમ પેટ્રોલમાં કામ કરતી બે એક્ટ્રેસની ચોરીના કેસમાં ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, બંને એક્ટ્રેસ પોશ વિસ્તારમાં આવેલી રોયલ પામ સોસાયટીમાં પેઈંગ ગેસ્ટ તરીકે શિફ્ટ થઈ હતી અને ત્યાં જ રહેતી અન્ય મહિલાના લાખો રૂપિયા લઈને ફરાર થઈ હતી.

ચોરીનો કિસ્સો ત્યારે પ્રકાશમાં આવ્યો હતો જ્યારે પેઈંગ ગેસ્ટ તરીકે રહેતી મહિલાએ પોલીસમાં ફરિયાદ કરી હતી કે તેના પૈસા ભરેલી બેગ ચોરી થઈ છે અને તેને સુરભી શ્રીવાસ્તવ તેમજ મોહસીના શેખ પર શંકા છે.

મહિલાએ ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે તરત જ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા જ્યાં સુરભી શ્રીવાસ્તવ તેમજ મોહસીના શેખ એમ બંને પૈસા ભરેલી બેગ લઈને બહાર જતી જોવા મળી હતી.

ડીસીપી ચૈત્યનએ બંને એક્ટ્રેસની ધરપકડ થઈ હોવાની વાતની પુષ્ટિ કરી હતી અને તેમની સામે આઈપીસીની કલમ ૩૮૦ (ચોરી) હેઠળ ગુનો નોંધ્યો હોવાનું પણ જણાવ્યું હતું.

લોકડાઉનના કારણે સીરિયલનું શૂટિંગ બંધ થઈ જતાં બંનેએ આ પગલું ભર્યું હોવાનું કહેવાઈ રહ્યું છે. શરૂઆતમાં જ્યારે પોલીસે બંનેની પૂછપરછ કરી તો તેમણે મૌન સાધીને રાખ્યું હતું. પરંતુ બાદમાં પોલીસે સીસીટીવી ફૂટેજ જોયા હતા અને તેમાં તેઓ બેગ લઈને જતી જોવા મળી હતી. આ બાદ બંને પોલીસ સમક્ષ ભાંગી પડી હતી અને ગુનો કબૂલ્યો હતો. તેમણે ૩ લાખ રૂપિયાથી વધુની રકમ ચોરી હોવાનું ખબર છે. તેમની પાસેથી પોલીસે ૬૦ હજાર રૂપિયા જપ્ત કર્યા છે. સુરભી શ્રીવાસ્તવ તેમજ મોહસીના શેખને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. જ્યાં કોર્ટે ૨૩ જૂન સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો છે.

(7:50 pm IST)