Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

છેલ્લા ચાર દિવસમાં ગૌતમ અદાણીને દર સેકન્ડે ૩૨ લાખનું નુકશાન

ચાર દિવસમાં ૧.૧૧ લાખ કરોડની સંપતિ ઘટીઃ ટોપ ૧૫માંથી નીકળી ગયા બહાર

નવી દિલ્હીઃ ભારતના બીજા નંબરના સૌથી અમીર વ્યકિત ગૌતમ અદાણીની મુશ્કેલીઓ ઘટવાનું નામ નથી લેતી. સોમવારથી ગુરૂવાર સુધી અદાણીના શેરોમાં ઘટાડાનો દૌર ચાલુ જ રહયો. જેના કારણે તેમની સંપતિમાં પણ ઘટાડો ચાલુ જ છે. ચાર દિવસમાં તેમની સંપતિમાં ૧૫ અબજ ડોલર એટલે કે ૧.૧૧ લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. તેમને આ ચાર દિવસ દરમ્યાન દર સેકન્ડે ૩૨ લાખ રૂપિયાથી વધારેનું નુકશાન થયું છે. અદાણી ગ્રુપના વિદેશી ફંડોના એકાઉન્ટ ફ્રીઝ થવાના સમાચાર પછી કંપનીઓના શેરોમાં ઘટાડાનું વલણ બંધ નથી થઇ રહયું.

સંપતિમાં આ પ્રકારના ઘટાડા પછી તેઓ પહેલા જ એશિયાના બીજા નંબરના અમીર હોવાનું માન ગુમાવી ચૂકયા છે. તેઓ ૩ સ્થાન નીચે ઉતરી ગયા છે. ફોર્બ્સ અનુસાર દુનિયા અમીરોની યાદીમાં તેઓ ૧૫માં સ્થાનેથી ૧૮માં સ્થાને પહોંચી ગયા છે. જો આ સિલસિલો ચાલુ રહયો તો અમીર શખ્સ બનવા માટે જેફ બેજોસ અને બર્નાડે આર્ર્નોલ્ટ વચ્ચે હરીફાઇ ચાલી રહી છે. બન્ને વચ્ચે બહુ ઓછું અંતર જોવા મળી રહ્યું છે.

ફોર્બ્સની વેબસાઇટ અનુસાર, ગૌતમ અદાણીની સંપતિમાં ગુરૂવારે પ.પ ટકા એટલે કે ૩.૬ બીલીયન ડોલરનું નુકસાન થયું. જેના લીધે તેમની સંપતિ ૬ર.૭ બિલીયન ડોલર થઇ ગઇ છે. આંકડાઓ અનુસાર, ગયા સપ્તાહે શુક્રવારે ગૌતમ અદાણીની સંપતિ ૭૭ બીલીયનથી વધારે હતી. મતલબ સાફ છે કે આ દરમ્યાન તેમની સંપતિમાં ૧પ બીલીયન ડોલરથી વધારે નુકસાન થઇ ચૂકયું છે. જેમાં હજુ પણ વધુ ઘટાડાના શકયતા છે.

સોમવારથી અત્યાર સુધીમાં ૧પ અબજ ડોલર એટલે કે ૧.૧૧ લાખ કરોડ રૂપિયાનું નુકશાન થયું છે એટલે કે ગૌતમ અદાણીનો સંપતિમાં રોજના લગભગ ર૮ હજાર કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. એટલે દર કલાકે તેમણે લગભગ ૧૧૬૦ કરોડ ગુમાવ્યા. ગૌતમ અદાણીને દર મિનીટે ૧૯ કરોડથી વધારે સંપતિ ગુમાવવી પડી જયારે એક સેકન્ડમાં તેમણે ૩ર લાખ રૂપિયાથી વધારેનું નુકશાન ભોગવવું પડયું છે.

(4:09 pm IST)