Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

શેર બાવન સપ્તાહના તળિયે : ૫૯.૯૩ ડોલર થઇ ગયો

મોદી સરકારને શિંગડા ભરાવવાનું ટ્વીટરને મોંઘુ પડયું : ૪ માસમાં શેર ૨૫ ટકા તૂટયો

નવી દિલ્હી તા. ૧૮ : સોશિયલ નેટવર્કિંગ સાઈટ ટ્વીટરના ભારત સરકાર સાથે ચાલી રહેલા વિવાદના કારણે કંપનીને મોટું નુકસાન ભોગવવું પડી રહ્યું છે. છેલ્લા ૪ મહિનામાં આ અમેરિકન કંપનીના શેર ૨૫ ટકા જેટલા તૂટ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ભારત સરકારે આઇટી નિયમોમાં મોટો બદલાવ કર્યો છે. જે મુજબ હવે ટ્વીટરને ભારતમાં મળતી કાયદાકીય સુરક્ષા ખતમ થઈ ગઈ છે. ગઈકાલે ટ્વીટરે ભારતમાં મળેલો કાયદાકીય સુરક્ષાનો હક્ક ગુમાવી દીધો છે. હવે ટ્વીટર પર કોઈ પણ થર્ડ પાર્ટી કન્ટેન્ટ (કોઈ પણ યુઝર્સ દ્વારા પોસ્ટ કરવામાં આવેલા કન્ટેન્ટ) માટે ભારતીય દંડ સંહિતા મુજબ કાર્યવાહી કરવામાં આવશે. ફેક ન્યૂઝ પર નિયંત્રણ લગાવવા માટે સરકારે આ પગલું ભર્યું છે.

છેલ્લા ૩-૪ મહિનામાં ભારત સરકાર સાથે સતત ટક્કરના કારણે ટ્વીટરને જંગી નુકસાન થયું છે. અમેરિકાના ન્યૂયોર્ક સ્ટોક એકસચેન્જમાં બુધવારે ટ્વીટરના શેર લગભગ અડધા ટકા તૂટીને ૫૯.૯૩ અમેરિકન ડોલર પર બંધ થયા.

આ વર્ષે ૨૬ ફેબ્રુઆરીએ જ ટ્વીટરના શેર ૫૨ સપ્તાહની ઊંચાઈ ૮૦.૭૫ ડોલર પર પહોંચી ગયા હતા. જો કે તે બાદ તેમાં લગભગ ૨૫.૭૮ ટકાનો ઘટાડો નોંધાયો છે. ટ્વીટરની માર્કેટ વેલ્યુ પણ ઘટીને ૪૭.૬૪ અબજ ડોલર થઈ ગઈ છે.

ગત વર્ષે ૧૩ નવેમ્બરે જયારે ભારત સરકારે ટ્વીટરને એક નોટિસ મોકલીને આ બાબતે વાંધો ઉઠાવ્યો હતો કે, તેણે લેહને લદ્દાખની જગ્યાએ જમ્મુ-કાશ્મીરનો ભાગ કેમ ગણાવ્યો? જે બાદ સોશિયલ મીડિયા પર #BanTwitter ટ્રેન્ડ થવા લાગ્યું હતું. આમ છતાં ટ્વીટરના શેર સતત તેજીમાં હતા.

જે બાદ ભારત સરકારે ટ્વીટરને એક નોટિસ ફટકારીને ખેડૂત આંદોલન સમર્થક અનેક એકાઉન્ટને બેન કરવા કહ્યું. સરકારે કહ્યું હતું કે, આઇટી એકટની સેકશન ૬૯-એ અંતર્ગત જો ટ્વીટર શરતોનું પાલન નહીં કરે, તો તેનું પરિણામ ભોગવવું પડશે.

મોદી સરકારે ૮ ફેબ્રુઆરીએ ટ્વીટરને એવા ૧,૧૭૮ એકાઉન્ટ હટાવવા કહ્યું હતું, જે ખાલિસ્તાની સમર્થક હતા અથવા જેમને પાકિસ્તાનની મદદથી ચલાવવામાં આવી રહ્યા હતા. જો કે ટ્વીટરે આ નોટિસનો કોઈ જવાબ આપ્યો નહતો.

આ વર્ષે ૨૫ ફેબ્રુઆરીએ મોદી સરકારે સોશિયલ મીડિયા સાઈટ અને OTT પ્લેટફોર્મ્સ માટે નવા આઈટી નિયમો બનાવ્યા, ત્યાં સુધી ટ્વીટરના શેર પર કોઈ અસર નહતી થઈ અને ૨૬ ફેબ્રુઆરીએ તેના શેર ટોચ પર પહોંચી ગયા. જો કે ભારત સરકાર સાથે સતત ટકરાવના કારણે ટ્વીટરના શેર ૧૩માં મેના રોજ તૂટીને ૫૦.૧૧ ડોલરના નીચા સ્તરે પહોંચી ગયા. જે બાદ ૫ જૂને ભારત સરકારે ટ્વીટરને એક ફાઈનલ નોટિસ ફટકારી હતી અને તેને નવા આઈટી નિયમો ફોલો કરવા માટે અલ્ટીમેટમ આપ્યું હતું.

(1:00 pm IST)