Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

કોરોનાની બીજી લહેરમાં બાળકોમાં પણ વયસ્કો જેટલું સંક્રમણ

જો બાળકોને કોરોના થાય તો જાતે ડોકટર બનવાની કોશિશ કરવાના બદલે ડોકટરની યોગ્ય સલાહ લેવાનું રાખવું : દિલ્હી એમ્સ દ્વારા કરાયેલા સીરો સર્વેમાં થયો મોટો ખુલાસોઃ ત્રીજી લહેરની સંભાવના અંગે પણ સીરોમાં કેટલીક બાબતો સામે આવી

નવી દિલ્હી, તા.૧૮: કોરોનાની બીજી લહેરમાં મોટી સંખ્યામાં બાળકો સંક્રમિત થયા છે. બાળકો અને વયસ્કોમાં સંક્રમણનું પ્રમાણ લગભગ સરખું છે. એમ્સના એક સીરો સર્વેના સ્ટડીમાં તેનો ખુલાસો થયો છે. પહેલીવાર સીરો સર્વેમાં બાળકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સર્વેના આધારે એમ્સના ડોકટરોનું કહેવું છે કે પરિણામ દર્શાવી રહ્યા છે કે બાળકોમાં પણ સંક્રમણ ઘણું વધારે છે અને જો ત્રીજી લહેર આવે છે, તો તેમને પણ ખતરો છે. જો વાયરસમાં વધારે મ્યુટેશન હોય છે, માત્ર બાળકો નહીં પરંતુ વયસ્કો માટે પણ તે ખતરનાક છે.

આ સર્વેમાં કુલ ૪૫૦૯ લોકોએ ભાગ લીધો હતો. જેમાં ૩૮૦૯ એડલ્ટ અને ૭૦૦ બાળકો હતા. વૃદ્ઘોમાં પોઝિટિવિટી રેટ ૬૩.૫% નોંધાયો છે અને બાળકોમાં આ ૫૫.૭% હોવાનું સામે આવ્યું છે. સ્ટડી કરનાર એમ્સના કમ્યુનિટી મેડિસિનના ડોકટર પુનીત મિશ્રાએ કહ્યું કે આ આંકડો દર્શાવે છે કે જેટલું વધારે સંક્રમણ વયસ્ક વ્યકિતમાં મળ્યું છે તેટલું જ બાળકોમાં પણ મળ્યું છે. માટે જ કહેવામાં આવે છે કે બાળકોને કોરોના થાય ત્યારે તેને હળવામાં લેવાની કોશિશ કરવાના બદલે ડાઙ્ખકટરની મદદ લેવી જોઈએ, નહીં કે જાતે ડોકટર બનવું જોઈએ.

ડો. પુનીત મિશ્રાએ કહ્યું કે જે પ્રકારના રિપોર્ટ છે, તેના આધારે એ કહેવાય છે કે જો ભવિષ્યમાં કોઈ ત્રીજી લહેર આવે છે તો બાળકો પર તેની અસર પ્રતિકૂળ હશે. વધારે પ્રભાવ પડવાની સંભાવના છે. કારણ કે જે સ્તર પર સંક્રમણ છે, લગભગ એટલું એટલું જ સંક્રમણ બાળકોમાં થયું છે. ડો. પુનીતે કહ્યું કે જો વાયરસમાં વધારે મ્યુટેશન હોય તો બાળકોને જ નહીં વયસ્કને પણ એટલો જ ખતરો છે.

એમ્સના એક સર્વેમાં યુપીના ગોરખપુરનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. ડો. પુનીતે કહ્યું કે ગોરખપુરમાં સીરો સર્વેલન્સ દર ઘણો હાય આવ્યો છે.અહીં કુલ સીરો પોઝિટિવ ૮૭.૯ ટકા આવ્યો છે. ૨થી ૧૮ વર્ષના બાળકો વચ્ચે પોઝિટિવ દર ૮૦.૬% અને ૧૮ વર્ષથી ઉપરનામાં તે ૯૦.૩% હોવાનું સામે આવ્યું છે. ડોકટરનું કહેવું છે કે આટલા સીરો પોઝિટિવ મળ્યા બાદ થર્ડ વેવ ના આવવી જોઈએ.

(11:37 am IST)