Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

૭૩ દિવસ બાદ એકિટવ કેસ ૮ લાખથી ઓછાઃ રિકવરી રેટ ૯૬ ટકા

ભારતમાં ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૬૨૪૮૦ નવા કેસ નોંધાયાઃ ૧૫૮૭ દર્દીઓએ જીવ ગુમાવ્યો

નવી દિલ્હી, તા.૧૮: કોરોના વાયરસના હાહાકારનો સામનો કરી રહેલા ભારતવાસીઓ માટે મોટા રાહતના સમાચાર છે. શુક્રવારે સવારે જાહેર થયેલા આંકડાઓ મુજબ, દેશમાં ૭૩ દિવસ બાદ કોરોના એકિટવ કેસની સંખ્યા ૮ લાખથી નીચે નોંધાઈ છે. બીજી રાહતની બાબત એ છે કે રોજેરોજ સંક્રમિત થનારા દર્દીઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. આ ઉપરાંત મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. સંક્રમિત દર્દીઓની સાજા થવાની સંખ્યા વધતા દેશનો કોવિડ રિકવરી રેટ સુધરીને ૯૬ ટકા થયો છે

 કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા શુક્રવાર ૧૮ જૂને જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૬૨,૪૮૦ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૧,૫૮૭ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૨,૯૭,૬૨,૭૯૩ થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ ૨૬,૮૯,૬૦,૩૯૯ લોકોને કોરોના વેકસીનના ડોઝ આપવામાં આવ્યા છે

નોંધનીય છે કે, કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૨ કરોડ ૮૫ લાખ ૮૦ હજાર ૬૪૭ લોકો સાજા પણ થઇ ચૂકયા છે. ૨૪ કલાકમાં ૮૮,૯૭૭ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં ૭,૯૮,૬૫૬ એકિટવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ ૩,૮૩,૪૯૦ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે

 વિશેષમાં, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ આજે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૧૭ જૂન, ૨૦૨૧ સુધીમાં ભારતમાં કુલ ૩૮,૭૧,૬૭,૬૯૬ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે ગુરૂવારના ૨૪ કલાકમાં ૧૯,૨૯,૪૭૬ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

 ગુજરાતમાં કોરોના બીજી લહેરની વાત કરીએ તો, નવા કેસોની સંખ્યામાં દ્યટાડો આવી રહ્યો છે. રાજયમાં છેલ્લા ૨૪ કલાકમાં ૫૦૦થી પણ ઓછા નવા કેસ નોંધાયા છે. કોરોના સંક્રમણના ૨૮૩ કેસ નોંધાયા છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે ૬ દર્દીના મૃત્યુ થયા છે. રાજયમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક ૧૦૦૧૮ પર પહોચ્યો છે. રાજયમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજયમાં આજે ૭૭૦ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજયમાં હાલ સાજા થવાનો દર ૯૭.૮૪ ટકા છે.

(10:56 am IST)