Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

ડેથ વેલીમાં વરસી રહ્યા છે અંગારા : ગરમી તોડી દેશે ૧૦૦ વર્ષ કરતા પણ જૂનો રેકોર્ડ

કેલિફોર્નિયાની ડેથ વેલીમાં બુધવારથી શનિવાર સુધીમાં તાપમાન ૧૨૪ ડિગ્રી ફેરનહેટ પહોંચી ગયું હતું : ૧૯૧૩માં અહીં પાંચ દિવસ ચાલેલા હિટ વેવમાં તાપમાન ૧૩૪ ડિગ્રી પહોંચી ગયું હતું

ન્યુયોર્ક,તા.૧૮: અમેરિકાના કેલિફોર્નિયામાં સ્થિત ડેથ વેલીમાં ગરમી રોજ નવો રેકોર્ડ બનાવી રહી છે. જો આવું જ ચાલતું રહ્યું તો, આ જગ્યા પૃથ્વી પરની સૌથી ગરમ તાપમાનનો પોતાનો જ ૧૯૧૩નો રેકોર્ડ તોડી નાખશે. વૈાનિકોએ ચેતવણી આપી છે કે, અમેરિકાના દક્ષિણ-પશ્યિમ વિસ્તારમાં આવનારા દિવસોમાં કલ્પના ન કરી હોય તેવી ગરમી અનુભવાઈ શકે છે. એકયુવેધર મુજબ, બુધવારથી શનિવાર સુધી ડેથ વેલીનું તાપમાન ૧૨૪ ડિગ્રી ફેરનહેટ પહોંચી ગયું છે. આવનારા દિવસોમાં તાપમાનમાં હજુ વધારો થવાનો અંદાજ છે. આ ડેથ વેલીમાં ૧૯૧૩જ્રાક્નત્ન પાંચ દિવસ સુધી ચાલેલા હીટ વેવ દરમિયાન તાપમાન રેકોર્ડ ૧૩૪ ડિગ્રી ફેરનહેટ સુધી પહોંચી ગયું હતું. ધરતી પર કોઈ અન્ય જગ્યાએ આટલી ગરમ હવા કયારેય અનુભવાઈ નથી.

વૈજ્ઞાનિકોનું માનવું છે કે, આવનારા દિવસોમાં ડેથ વેલીમાં દરરોજ તાપમાન સતત વધશે. વૈજ્ઞાનિકો મુજબ પહેલા અંદાજ લગાવાયો હતો કે, ડેથ વેલીમાં જૂનમાં સરેરાશ તાપમાન ૧૧૦ ડિગ્રી ફેરનહેટ રહેશે, પરંતુ હવાના ઉલટા પ્રવાહે બધા અંદાજને આશ્ચર્યજનક રીતે બદલી નાખ્યા છે. ડેથ વેલી દરિયાની સપાટીથી ૩૦૦ મીટર નીચે એક ઊંડી અને પાતળી ખીણ છે. જયાં ઝાડ-પાનનું કોઈ નામોનિશાન નથી. અહીં મનુષ્ય રહેતા નથી, પરંતુ એડવેન્ચરના શોખીનો કલાઈબિંગ અને ટ્રેકિંગ કરવા માટે આવતા રહે છે. આ વેલી ગરમ રહેવાનું કારણ છે લાલ રંગના પથ્થરો અને થોડી-દ્યણી માટીથી બનેલી તેની જમીન. આ જમીન ગરમીને પાછી ધકેલે છે, પરંતુ તે વેલીમાંથી બહાર નથી નીકળી શકતી, તેના કારણે વેલીમાં હવા દ્યણી ગરમ થઈ જાય છે. અહીં ચારે તરફ પર્વતો હોવાથી ગરમ હવા બહાર નીકળી શકતી નથી.

અમેરિકાનો આખો દક્ષિણ-પશ્યિમ વિસ્તાર એક સપ્તાહ કરતા વધુ સમયથી ૧૦૦થી વધુ ડિગ્રી ગરમીમાં શેકાઈ રહ્યો છે. તાપમાનનો આ વધારો આવનારા દિવસોમાં પણ ચાલુ રહેવાની શકયતા છે. એવામાં આ વિસ્તારને વધુ ગરમીનો સામનો કરવો પડી શકે છે. એકયુવેધરના હવામાન શાસ્ત્રીઓનું કહેવું છે કે, હાલની ગરમીની લહેરને તેની તીવ્રતા ઉપરાંત તેની અવધિ માટે પણ યાદ કરવામાં આવશે. તે વિજળીની ગ્રિડો પર દબાણ ઊભું કરી રહી છે અને પાણીની આપૂર્તિને પ્રભાવિત કરી રહી છે. આ પ્રચંડ ગરમીથી વિસ્તારોમાં જે પણ થોડી-ઘણી વનસ્પતિઓ, વૃક્ષો બચ્યાં છે, તે પણ સૂકાવા લાગ્યા છે. એવામાં જો કેલિફોર્નિયાના જંગલોમાં આગ લાગી જશે તો તેને રોકવી મુશ્કેલ થઈ જશે. ગરમ હવા અને સૂકા ઝાડ-પાન આગની ઝપેટને ક્ષણભરમાં આખા વિસ્તારમાં ફેલાવી દેશે.

જો કેલિફોર્નિયામાં ગરમી આવી જ રીતે વધતી રહી તો, આ વિસ્તારમાં રહેતા ૪થી ૫ લાખ લોકો પ્રભાવિત થઈ શકે છે. એકયુવેધર મુજબ, કેલિફોર્નિયા, એરિઝોના, મોંટાના અને ઈડાહો સહિત સમગ્ર વિસ્તારમાં તાપમાન પહેલેથી જ રેકોર્ડ સ્તર પર પહોંચી ચૂકયું છે. જણાવાઈ રહ્યું છે કે, આ સપ્તાહના અંતથી તાપમાનમાં ઘટાડો જોવા મળી શકે છે. ગરમીના કારણે લોકોમાં નસકોરી ફૂટવી, લૂ લાગવી અને હીટ સ્ટ્રોક જેવી બીમારીઓનો ખતરો વધી શકે છે. અમેરિકાના નેશનલ વેધર સર્વિસે લોસ એન્જલસ કાઉન્ટી કોસ્ટ આસપાસના વિસ્તારોમાં હીટ વેવની ચેતવણી આપી છે. આ ચેતવણી બુધવારે સાંજથી શુક્રવારની રાત સુધી પ્રભાવી રહેશે.

કેલિફોર્નિયા પાવર ગ્રિડ ઓપરટરે આ વિસ્તારોમાં વિજળીના સપ્લાયને લઈને ચેતવણી બહાર પાડી છે. તેમાં લોકોને વધુમાં વધુ વિજળી સ્ટોર કરવા કહેવાયું છે. કેલિફોર્નિયા ઈન્ડિપેડન્ટ સિસ્ટમ ઓપરેટર (આઈએસઓ)એ એક નિવેદનમાં કહ્યું કે, જોકે, હાલ વીજ કાપ કે સપ્લાયમાં અડચણની કોઈ આશંકા નથી, તો પણ અમે માગને ઓછી કરવા અને વધારાની ઉર્જા પ્રાપ્ત કરવા માટે દ્યણા પગલાં ઉઠાવી રહ્યા છીએ. વધુ ગરમીના કારણે વિજળીની હાઈ વોલ્ટેજ લાઈન ટ્રિપ થવાની શકયતા રહે છે. ટેકસાસના પાવર ગ્રિડ ઓપરેટરે પહેલેથી જ સોમવારે લોકોને આગ્રહ કર્યો હતો કે, વિજળીનો ઉપયોગ શકય તેટલો ઓછો કરે. આ વિસ્તારમાં દ્યણા પાવર પ્લાન્ટ પહેલેથી જ બંધ છે.

વિસ્તારમાં જંગલની આગ પણ એક મોટી સમસ્યા બનતી જઈ રહી છે. એકિસયોસ મુજબ, એરિઝોના, કેલિફોર્નિયા અને પશ્ચિમના અન્ય વિસ્તારોમાં પહેલેથી જ ૨૦થી વધુ મોટા જંગલોમાં આગ લાગેલી છે. ધ વેધર ચેનલના રિપોર્ટ મુજબ, પશ્ચિમ અમેરિકાનો લગભગ ૮૯ ટકા ભાગ દુષ્કાળની સ્થિતિનો સામનો કરી રહ્યો છે. વૈજ્ઞાનિકોને આશંકા છે કે, આ વિસ્તાર ઈતિહાસમાં સૌથી ભીષણ દુષ્કાળ તરફ આગળ વધી રહ્યો છે.

(10:17 am IST)