Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

ફોટોસેશન તથા ફિલ્મોના શુટીંગ માટે અનુકુળ એવું

પ્રકૃતિપ્રેમી સહેલાણીઓને દિવાના બનાવી દેતું અનોખુ હીલ સ્ટેશન ઇગતપુરી

ઊંચા હરીયાળીયુકત પર્વતો, ઘાટ તથા વહેતી નદીઓ સાથે અખૂટ સૌંદર્ય ધરાવતું પર્યટન સ્થળઃ મુંબઇ-પુનાના લોકોનું માનીતું વીકેન્ડ ડેસ્ટીનેશન : ઘાટનદેવી સહિતના પ્રાચીન મંદિરો, સુપ્રસિધ્ધ વિપશ્યના કેન્દ્ર, ત્રિંગલવાડીનો ઐતિહાસિક કિલ્લો, કસારા ઘાટ, વિહિગોન વોટરફોલ, સંથાન તથા કૈમલ ઘાટી, કુલંગગઢ, અમૃતેશ્વર મંદિર વિગેરે જોવા લાયક સ્થળોઃ રોક કલાઇમ્બીંગ અને ટ્રેકીંગનું પણ આકર્ષણ

રાજકોટ તા. ૧૮ :.. કોરોનાની બીજી લહેરનો ખૌફ ધીમે-ધીમે ઓછો થઇ રહ્યો છે અને સમગ્ર દેશ સરકારની કોવિડ ગાઇડલાઇન્સ મુજબ ક્રમશઃ અનલોક થઇ રહ્યો છે ત્યારે હરવા-ફરવાના શોખીન લોકો અનુકુળતા અને બજેટ પ્રમાણે નવા-નવા ફરવાના સ્થળો તરફ નજર દોડાવી રહ્યા છે. પ્રકૃતિપ્રેમી સહેલાણીઓને દિવાના બનાવી દે તેવું, ઊંચા હરીયાળીયુકત પર્વતો, ઘાટ તથા ખળખળ વહેતી નદીઓ સાથે અખૂટ સૌંદર્ય ધરાવતું હીલ સ્ટેશન ઇગનપુરી મુંબઇ-પુનાના લોકોનું માનીતું વીકેન્ડ ડેસ્ટીનેશન છે.

મહારાષ્ટ્રના નાસિક જીલ્લામાં પશ્ચિમ ઘાટ ખાતે આવેલ સહયાદ્રી પર્વતમાળામાં ઘેઘુર જંગલો વચ્ચે આવેલ ઇગનપુરી પ્રકૃતિપ્રેમીઓ માટે ખરેખર કોઇ જન્નતથી કમ નથી તેવું સંજય શેફર્ડ જણાવી રહ્યા છે. ઇગતપુરીની ગણતરી મહારાષ્ટ્રના મુખ્ય હીલ સ્ટેશનોમાં થાય છે. અહીંનું સૌંદર્ય મંત્રમુગ્ધ કરી દે તેવું છે અને ચારે બાજુ પ્રકૃતિ  સોળેકળાએ ખીલેલી જોવા મળે છે. મુંબઇથી ઇગનપુરી જતા રસ્તામાં ઘણાં બધા ઘાટ મનોહર દ્રશ્ય સાથે જોવા મળે છે. આ જગ્યા ફોટોગ્રાફી તથા ફોટો સેશન માટે ખૂબ અનુકુળ છે. આથી જ અહીં ઘણાં ફીલ્મોના શુટીંગ પણ થાય છે.

ઇગતપુરી પ્રાચીન મંદિરો માટે દુનિયાભરમાં જાણીતું છે. અહીં આવીને ઘાટોનું રક્ષણ કરતી ઘાટનદેવીને સમર્પિત ઘાટનદેવીનું મંદિર ખાસ જોવું જોઇએ. આ મંદિરથી નીચેની ઘાટી તથા સહયાદ્રી પર્વતમાળાનો ખૂબસુરત નઝારો જોઇને માનવીનું મન ખુશીથી ઝૂમી ઉઠે છે. ઇગનપુરી પર્યટન સિવાય અહીંનું વિપશ્યના કેન્દ્ર ખૂબ જાણીતું છે, કે જયાં ધ્યાન-યોગનો કોર્ષ પણ ચલાવવામાં આવે છે.

ઇતિહાસ અને વાસ્તુકલાના ચાહકો માટે અહીં ત્રિંગલવાડી કિલ્લો આકર્ષણરૂપ છે. પ્રવાસીઓએ આ કિલ્લો જોવા માટે તત્પર રહેવું જોઇએ. દરીયાની સપાટીથી ૩ હજાર ફુટ જેટલો ઉપર આવેલ આ કિલ્લા ઉપરથી આખું ઇગનપુરી શહેર તથા સહયાદ્રી પર્વતમાળાના મનમોહક દ્રશ્યો પર્યટકોને રોમાંચિત કરી દે છે. આ જગ્યાએ શિવાજી મહારાજના સમગ્ર જીવનના દર્શન કરાવતું અનોખુ મ્યુઝીયમ પણ આવેલ છે. હરવા - ફરવા તથા ટહેલવાની જગ્યા એવા ઇગતપુરી ખાતે રહેવા-જમવા માટે પણ વિવિધ વિકલ્પો ઉપલબ્ધ છે. અહીં જવા માટે શિયાળા તથા ચોમાસાનો સમય ઉતમ ગણાય છે.

શહેરની ભીડભાડથી દૂર એકાંતની તલાશ કરવાવાળા સહેલાણીઓ માટે આ જગ્યા ખરેખર સ્વર્ગસમાન છે. જુના પ્રાચીન કિલ્લા, વહેતા ઝરણાં તથા ઊંચા પર્વતો સિવાય ઇગનપુરી રોક કલાઇમ્બીંગ અને ટ્રેકીંગ જેવી  એડવેન્ચર પ્રવૃતિઓ માટે પણ ખૂબ  સારૃં ગણાય છે. ઇગનપુરીની યાત્રા દરમ્યાન   કુલંગગઢ, કૈમલઘાટી, અમૃતેશ્વર મંદિર, કસારા ઘાટ, સંથાન ઘાટી, ભત્સા નદી ઘાટી, ભવાલી ડેમ, વિહિગોન વોટરફોલ, કાલસુબાઇ પીક વિગેરે સ્થળોની મુલાકાત અચૂક લેવા જેવી છે.    ટૂંકમાં ઇગનપુરીની મુલાકાત જીવનની યાદગાર મુલાકાત બની શકે તેમ છે.

  • ઇગનપુરી પહોંચવું કઇ રીતે? રહેવું કયાં ?

મુંબઇથી ઇગનપુરી હીલ સ્ટેશન મુંબઇ-આગરા નેશનલ હાઇ-વે ઉપર અંદાજે ૧૩૦ કિલો મીટર જેટલું થાય છે. અહીં જવા માટે વિવિધ સાર્વજનિક (પબ્લીક ટ્રાન્સપોર્ટ) પરિવહનના સાધનો મળી રહે છે. પરંતુ મોટા ભાગના લોકો પોતાના પ્રાઇવેટ વાહનમાં જતા જોવા મળે છે. પ્રાઇવેટ ટેકસી, મિની બસ, ટેમ્પો ટ્રાવેલર્સ વિગેરે પણ કરી શકાય છે. ટ્રાવેલ એજન્ટસ પણ મદદરૂપ થાય છે. દેશના મોટાભાગના તમામ મુખ્ય મથકોએથી મુંબઇ જવા માટે બસ-ટ્રેન-ફલાઇટ વિગેરે મળી રહે છે. ગુગલનો સહારો લઇને ઓનલાઇન સર્ચ પણ કરી શકાય છે.

અહીં રહેવા માટે ૧ર૦૦ રૂપિયાથી માંડીને ૧ર૦૦૦ રૂપિયા સુધીના ટેરીફ સાથેની  ફેસિલિટી વાઇઝ અને વિવિધ સ્ટાન્ડર્ડસની હોટલો મળી રહે છે. અલગ-અલગ રૂમ ભાડા સાથેના ગેસ્ટ હાઉસ પણ ઉપલબ્ધ છે. ઘણાં કિસ્સામાં હોટલ-ગેસ્ટ હાઉસ, રેસ્ટોરન્ટસ વિગેરેમાં સિઝનલ ડીસ્કાઉન્ટ પણ મળતું હોય છે. રીસોર્ટસ તથા કોટેજીસ પણ ઉપલબ્ધ છે. ટ્રાવેલ એજન્ટસ પણ બુકીંગ કરી આપે છે. ઓનલાઇન બુકીંગ સમગ્ર વર્ષ દરમ્યાન ચાલુ જ હોય છે. ગુગલ ઉપર પણ સર્ચ કરી શકાય છે. accommodations in igatpuri

(10:10 am IST)