Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

કોવેક્સીન વિવાદમાં હવે PETAની એન્ટ્રી : પ્રાણીઓના ઉપયોગ પર DGCI પાસે માંગી ખાતરી

PETAએ DGCI પાસે આશ્વાસન માગ્યુ કે, એ સુનિશ્ચિત કરવામાં આવે કે વેક્સીનના પ્રોડક્શનમાં પ્રાણીઓનો ઉપયોગ નહીં થાય

નવી દિલ્હી : ભારત બાયોટેકની કોવેક્સીનમાં વાછરડાના સીરમના ઉપયોગને લઈને કોંગ્રેસ નેતાના સવાલ પર ખૂબ જ વિવાદ થયો. ત્યારબાદ સ્વાસ્થ્ય મંત્રાલય અને ભારત બાયોટેક બંનેએ તેનો જવાબ આપ્યો અને જણાવ્યું કે, આ એક ફેક ન્યૂઝ છે. પરંતુ આ મામલો હજુ પણ સંપૂર્ણરીતે પૂર્ણ નથી થયો. હવે એનિમલ રાઈટ ઓર્ગેનાઈઝેશન PETAએ તેમાં એન્ટ્રી કરી છે. મીડિયા રિપોર્ટ અનુસાર, આ મામલામાં PETAએ ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાને લખ્યું છે કે, કોવેક્સીન બનાવવાની પ્રક્રિયાને બદલવામાં આવે અને તેમા કોઈપણ પ્રાણીનો ઉપયોગ કરવામા ના આવે.

ગુરુવારે PETAએ ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાને લખ્યું છે કે, વાછરડાના સીરમની જગ્યાએ કોવેક્સીનને બનાવવા માટે કોઈ અન્ય વસ્તુનો ઉપયોગ કરવામાં આવે, જેને કારણે પ્રાણીઓને કોઈપણ પ્રકારનું નુકસાન ના થાય અને વેક્સીનનું પ્રોડક્શન પણ અટક્યા વિના થતુ રહે. PETAએ DGCI પાસે એ આશ્વાસન માગ્યુ છે કે, એ સુનિશ્ચિત કરવામાં આવે કે વેક્સીનના પ્રોડક્શનમાં પ્રાણીઓનો ઉપયોગ નહીં થશે. PETAએ કહ્યું કે, જે વાછરડાના સીરમનો ઉપયોગ વેક્સીનના પ્રોડક્શનમાં કરવામાં આવે છે, તેને જન્મના થોડાં સમય બાદ જ તેની માતાથી અલગ કરી દેવામાં આવે છે. આ સાથે જ PETAએ કેટલાક નિયમોનો હવાલો આપ્યો, જેમા 3 મહિનાથી ઓછી ઉંમરના વાછરડાને મારવા પર પ્રતિબંધની વાત કહેવામાં આવી છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયા પર કોંગ્રેસના નેશનલ કોઓર્ડિનેટર ગૌરવ પાંધીએ એક RTIના હવાલાથી દાવો કર્યો કે, કોવેક્સીનમાં 20 દિવસથી ઓછી ઉંમરના ગાયના વાછરડાના સીરમનો ઉપયોગ કરવામાં આવે છે. તો બીજી તરફ કેન્દ્ર સરકારે આ ફેક ન્યૂઝ પર બ્રેક લગાવતા તે અંગે સાચી જાણકારી લોકો સાથે શેર કરી, જે અંતર્ગત સરકારે જણાવ્યું કે કોવેક્સીનમાં ગાયના વાછરડાનું સીરમ હોવાની વાત સંપૂર્ણરીતે ખોટી છે.

(12:23 am IST)